લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતોની મુશ્કેલીઓનો હજુ અંત આવી રહ્યો નથી. સરકાર દ્વારા જાહેર કરાયેલું વળતર ચૂકવવામાં પણ અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે. સ્કેન્ડલ પીડિતોને ન્યાય માટેનું નેતૃત્વ કરનારા એલન બેટ્સે ચેતવણી આપી છે કે સરકાર વળતર ચૂકવવાની અંતિમ સમય મર્યાદા નક્કી નહીં કરે તો અમે ફરીવાર કોર્ટમાં જઇશું.
એલન બેટ્સે જણાવ્યું હતું કે, મેં પીડિત સબ પોસ્ટમાસ્ટરોને આર્થિક વળતર ચૂકવવા માટે માર્ચ 2025ના અંતની ડેડલાઇન નક્કી કરવા વિનંતી કરતા બે પત્ર વડાપ્રધાન સ્ટાર્મરને લખ્યાં હતાં પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઇજવાબ મળ્યો નથી. તેથી હવે હું અને પીડિત સબ પોસ્ટમાસ્ટરો કાયદાકીય પગલાં લેવા વિચારણા કરી રહ્યાં છીએ.
બિઝનેસ એન્ડ ટ્રેડ સિલેક્ટ કમિટી સમક્ષની રજૂઆતમાં બેટ્સે જણાવ્યું હતું કે, જો ડેડલાઇન નક્કી કરવામાં નહીં આવે તો અમારે ટૂંકસમયમાં અદાલતના દ્વાર ખખડાવવા પડશે. સમયમર્યાદા નક્કી કરવાની જરૂર છે. સરકાર પીડિતોને અનંતકાળ સુધી વળતર માટે લટકાવીને રાખી શકે નહીં. પીડિતો છેલ્લા 20 વર્ષથી ન્યાય અને વળતરની રાહ જોઇ રહ્યાં છે. તેમાંના 70ના તો મોત પણ થઇ ચૂક્યાં છે. 80 વર્ષની આયુ વટાવી ગયેલા ઘણા પીડિતો હજુ વેદના સહન કરી રહ્યાં છે.
લો કર લો બાત.... ફુજિત્સુના વડાને જ હોરાઇઝન સિસ્ટમ પર વિશ્વાસ નથી
લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં કેન્દ્રસ્થાને રહેલી ફુજિત્સુ યુરોપના વડા પોલ પીટરસને ઇન્કવાયરી સમક્ષ કબૂલાત કરી હતી કે હું નથી જાણતો કે હોરાઇઝન આઇટી સિસ્ટમ વિશ્વાસપાત્ર છે કે નહીં. ઇન્કવાયરી સમક્ષ પીટરસને જણાવ્યું હતું કે, એકાઉન્ટિંગ સિસ્ટમમાં બગ્સ એરર્સ અને ડિફેક્ટ છે તેથી સ્પષ્ટ છે કે હોરાઇઝન આઇટી સિસ્ટમ પર વિશ્વાસ કરી શકાય નહીં. હાલમાં હોરાઇઝન આઇટી સિસ્ટમનો ઉપયોગ કરી રહેલા સબ પોસ્ટમાસ્ટરો સાથે પણ આ સમસ્યા સર્જાઇ શકે છે. તેમણે એમ પણ જણાવ્ય હતું કે, કંપનીએ સોફ્ટવેર સિસ્ટમમાં કોઇ સ્વતંત્ર તપાસ કરાવી છે કે કેમ તે અંગે પણ હું જાણતો નથી.
વળતરમાં વિલંબ માટે સરકારની લાલ ફિતાશાહી જવાબદારઃ બેડનોક
ટોરી નેતા કેમી બેડનોકે પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના પીડિતોને વળતર ચૂકવવામાં થઇ રહેલા વિલંબ માટે સરકારની લાલ ફિતાશાહીને જવાબદાર ગણાવી સરકારી અધિકારીઓની આકરી ટીકા કરી છે. હોરાઇઝન સ્કેન્ડલ ઇન્કવાયરી ખાતે ટોરી નેતાએ જણાવ્યું હતું કે, આ અત્યંત હતાશાજનક બાબત છે.