લંડનઃ ઇસ્લામિક સ્ટેટમાંથી પ્રેરણા લઇને પોતાની જ હોસ્પિટલ પર આત્મઘાતી બોંબ હુમલો કરવાના કાવતરા માટે ટ્રેઇની નર્સ મોહમ્મદ સોહૈલ ફારૂકને દોષી ઠેરવાયો છે. જાન્યુઆરી 2023માં સોહૈલને લીડ્સની સેન્ટ જેમ્સ હોસ્પિટલ બહારથી હાથ બનાવટના પ્રેશર કૂકર બોંબ સાથે ઝડપી લેવાયો હતો. તેણે તેમાં 9.9 કિલો વિસ્ફોટકો ફીટ કર્યાં હતાં. તેની કારમાંથી બે ચાકૂ, એક પિસ્તોલ પણ મળી આવ્યાં હતાં.
શેફિલ્ડ ક્રાઉન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, સોહૈલ કટ્ટર ઇસ્લામિક વિચારધારાને અનુસરતો હતો અને તે આત્મઘાતી હુમલો કરી પોતાને શહીદ તરીકે ઓળખવામાં આવે તેવું ઇચ્છતો હતો. પરંતુ હોસ્પિટલની બહાર તેને મળેલા એક દર્દીના પ્રેમાળ વ્યવહારના કારણે તેણે હુમલાની યોજના પડતી મૂકી હતી. જ્યૂરીએ સોહૈલને આ કાવતરા માટે દોષી ઠરાવ્યો હતો.