લંડનઃ હોસ્પિટલ બેડ પર એક વ્યક્તિને હાથકડી પહેરાવી અને તેના પર હુમલો કરવા માટે મેટ્રોપોલિટન પોલીસના અધિકારીને 12 સપ્તાહ જેલની સજા ફટકારવામાં આવી છે. નોર્થ ઇસ્ટ એરિયા કમાન્ડ યુનિટના પીસી રાજન સોલંકીને વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ ક્રાઉન કોર્ટ દ્વારા ગયા શુક્રવારે દર્દીને માર મારવા માટે દોષી ઠેરવાયો હતો.
પોલીસ વોચડોગે જણાવ્યું હતું કે, 9 જૂન 2024ના રોજ સોલંકી અને અન્ય એક અધિકારી ઇસ્ટ લંડનની હોસ્પિટલમાં માનસિક બીમારીની સારવાર લઇ રહેલા એક વ્યક્તિની તપાસ માટે ગયાં હતાં. આ દર્દીએ આગલી સાંજે હિંસા આચરી હોવાથી તેને હાથકડીમાં રખાયો હતો. સોલંકીએ તેના જમણા હાથની હાથકડી ખોલી હતી અને તેને પરત લગાવવાના પ્રયાસમાં તેની સાથે મારામારી કરી હતી. જેના કારણે દર્દીનો શ્વાસ રૂંધાઇ ગયો હતો.
વોચડોગે જણાવ્યું હતું કે, રાજન સોલંકીને જેલની સજાની સાથે 12 મહિના પ્રોબેશનરી પીરિયડ પર સેવા આપવી પડશે.