લંડનઃ જીવનના અંતિમ દિવસો નજીક હોય ત્યારે કેટલીક અધૂરી ઇચ્છાઓ પૂરી કરવાનું મન પ્રબળ બની જાય છે. ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ શહેરમાં રહેતાં ૧૦૪ વર્ષનાં એની બ્રોકન્બ્રો નામના એક દાદીની પણ ઘણાં વર્ષોથી ઇચ્છા હતી કે એક દિવસ તો ધરપકડ વહોરીને પોલીસ કસ્ટડીમાં રહેવું જ છે. પોલીસને તેમની આ ઇચ્છાની જાણ કરવામાં આવી તો પોલીસે તેમની ઇચ્છા સાકાર પણ કરી દીધી.
આ દાદી યુવાન વયે એક કંપનીમાં સેક્રેટરી તરીકે કામ કરતાં હતાં અને રિટાયર થઈને પાછલી જિંદગી હવે બ્રિસ્ટોલના સ્ટોક બિશપ બરોમાં એક કેર હોમમાં વિતાવી રહ્યાં છે. એક ચેરિટી ઇનિશિયેટિવના ભાગરૂપે કેર હોમમાં રહેતા વૃદ્ધોની કઈ ઇચ્છાઓ અધૂરી રહી ગઈ છે એ જાણવા માટે એક સંસ્થાના લોકોએ બધાની પાસે એક ફોર્મ ભરાવડાવ્યું હતું. આ ફોર્મમાં આ શતકવીર દાદીમાએ લખ્યું હતુંઃ ‘હું ઇચ્છું છું કે... મારી ધરપકડ થાય. હું ૧૦૪ વર્ષની છું અને આજ દિન સુધી મેં કોઈ કાયદો તોડ્યો નથી, પણ મને જેલમાં જવાની અદમ્ય ઇચ્છા છે...’
સંસ્થાના લોકોને માજીની આ ઇચ્છા વાંચીને પહેલાં તો આંચકો જ લાગ્યો, પછી તેમણે ફરી એક વાર દાદીમા સાથે વાત કરીને મૌખિક ખરાઈ કરી લીધી કે તમે ખરેખર અરેસ્ટ થવા માગો છો કે પછી મજાક કરો છો. જોકે દાદીમાએ ‘એક વાર તો ધરપકડ વહોરવી જ છે...’ એવી ઇચ્છા સ્પષ્ટપણે વ્યક્ત કરતાં સંસ્થાએ લોકલ પોલીસને આ કિસ્સાની જાણ કરી.
પોલીસ ટીમ પણ એક વૃદ્ધાની આવી અનોખી ઇચ્છા સાંભળીને દંગ રહી ગઇ. દાદીમાની ઇચ્છા પૂરી કરવા સંમતિ દર્શાવી. તરત જ તેમણે ફેસબુક પર પોસ્ટ મૂકીઃ અમને બ્રિસ્ટલની સંસ્થાનો આઇડિયા બહુ જ ગમ્યો છે. અમે લોકલ પોલીસની ટીમને ૧૦૪ વર્ષના એની માટે મોકલી રહ્યા છીએ...’ ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડેના રોજ પોલીસ ટીમ કેર હોમ પર પહોંચી અને દાદીમાને એરેસ્ટ કરીને જેલ લઇ ગયા. જ્યાં જેલ સત્તાવાળાઓએ તેમને આવકાર્યા. તેમને જેલમાં ફેરવ્યા. કેદીઓની દિનચર્યા કેવી હોય છે, તેમની પાસેથી કેવું કામ લેવાય છે, વગેરે બધું સમજાવ્યું. અને સાંજ પડ્યે તેમને કેર હોમ પરત મૂકી ગયા. દિવસ માટે કસ્ટડીમાં રાખીને તેમને સુખરૂપ પાછાં મૂકી ગઇ છે. ખુશખુશાલ એની કહે છે કે મારી જિંદગીનો આ યાદગાર દિવસ હતો...