લંડનઃ મહાનગરમાં રહેતાં એવેલિના દ લેઇન નામનાં બહેન દોઢ વર્ષ પહેલાં માતાના નિધનથી ડિપ્રેશનમાં સરી પડયાં. માતા મ્યુઝિક ટીચર હતાં અને એવેલિના પિયાનોવાદક. માતાની સ્મૃતિમાં કંઇક કરવું છે એવું વિચારતાં એવેલિનાને ડેશમન્ડ જેન્ટલ નામના સજ્જને સૂચવ્યું હાઇ અલ્ટિટયુડ કોન્સર્ટ યોજો. એવેલિનાને પણ સૂચન ગમી ગયું. કેટલાક મિત્રો અને ડેશમન્ડ સાથે હિમાલયની ચોટી પર જઇને પિયાનો વગાડવાનું બીડું ઝડપ્યું. એવેલિના સહિતની ટીમ ભારત પહોંચી. પિયાનો કાર્ગોમાં લંડનથી લેહ મંગાવ્યો. તેનું થોડુંક સમારકામ કરાવ્યું અને ઊંચાઇ સાથે શરીર તાલમેલમાં આવે માટે થોડાક દિવસ બ્રેક લીધો. આ પછી સતત સાત કલાક પહાડીઓમાં ડ્રાઇવ કર્યું. પછી ચઢાણ કર્યું અને બધા પહોંચ્યા ૧૬,૨૨૭ ફુટ ઊંચે. આટલી ઊંચાઇએ પહોંચી પિયાનો વગાડવાનું શરૂ કરે ત્યાં તો જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડીક રાહ જોઇ. પવન થોડોક શાંત પડ્યો ને સંગીતના સૂર છેડ્યા. એવેલિનાએ લગાતાર એક કલાક સુધી પિયાનો પર ધૂનો વગાડી. તેણે માતાએ કમ્પોઝ કરેલી ટયુન વગાડીને ખરા અર્થમાં અંજલિ અર્પી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે આ ઇવેન્ટને સૌથી ઊંચાઇએ યોજાયેલી પિયાનો કોન્સર્ટનું સન્માન આપ્યું.