લંડનઃ જેની રાહ જોવાય છે તેવા અને ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ્ઝ’ના નામે લોકપ્રિય બનેલા ૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ શુક્રવાર છઠ્ઠી સપ્ટેમ્બરે લંડનના ગ્રોવનર હાઉસ ખાતે યોજાનાર છે. બ્રિટનમાં સૌથી જૂના એશિયન ડાયસ્પોરા પ્રકાશનો ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા બ્રિટિશ એશિયન કોમ્યુનિટીની સિદ્ધિઓને ઉજવવા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં બિઝનેસ અગ્રણીઓ, એન્ટ્રેપ્રીન્યોર્સ, ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ વ્યવસાયીઓ, સેલેબ્રિટીઝ, પાર્લામેન્ટ તેમજ યુનિફોર્મ્ડ સર્વિસીસના સભ્યો સહિત ૮૦૦થી વધુ આમંત્રિતો ઉપસ્થિત રહેશે.
દર વર્ષે પસંદ કરાતાં મહત્ત્વપૂર્ણ વિષયની માફક આ વર્ષે સમાવેશિતા (Inclusivity) થીમની પસંદગી કરાઈ છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી આવતાં લોકોની યોગ્ય કદર કરવાનો સમય આવી ગયો છે. અમને અલગ અલગ કેટેગરીઝમાં વિવિધ પશ્ચાદભૂ અને વ્યવસાયોના વિશાળ ફલકમાંથી સંખ્યાબંધ નોમિનેશન્સ પ્રાપ્ત થયા છે જેમાંથી નીચે દર્શાવેલા નામોની ટુંકી યાદી પસંદ કરવામાં આવી છે. આ મહાનુભાવો ભારત, બાંગલાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા સહિત વિવિધ સાઉથ એશિયન કોમ્યુનિટીઓનું પ્રતિનિધત્વ કરવા સાથે વર્તમાન બહુસાંસ્કૃતિક, વૈવિધ્યપૂર્ણ અને સમાવેશી બ્રિટનની સાચી ભાવનાનું પ્રતીક બની રહ્યા છે.
એશિયન એચિવર્સ એવોર્ડ્ઝના આરંભ સાથે વિવિધ ચેરિટી સંસ્થાઓ માટે લાખો પાઉન્ડના ભંડોળ એકત્ર કરવામાં મદદ કરાઈ છે. આ વર્ષે અમારી પસંદ કરાયેલી ચેરિટી સંસ્થા ‘યુવા અનસ્ટોપેબલ’ છે. ભારતમાં ૩૦ શહેરોમાં ફેલાયેલી અને લગભગ ૧૦૦,૦૦૦ વોલન્ટીઅર્સ સાથેની આ સ્વયંસેવી યુવા ચળવળના સભ્યો કચડાયેલાં બાળકોના શિક્ષણ માટે કાર્યરત છે.
વર્ષ ૨૦૧૯ માટે શોર્ટલિસ્ટ કરાયેલા મહાનુભાવની યાદી
બિઝનેસ પર્સન ઓફ ધ યર
• નીરજ કંવર- એપોલો ટાયર્સના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર
• રુની આનંદ- કેઝ્યુઅલ ડાઈનિંગ ગ્રૂપના ચેરમેન અને ગ્રીન કિંગના પૂર્વ સીઈઓ
• વિપુલ વડેરા- Per-Scentના સીઈઓ
• લોર્ડ વાહિદ અલી- ફેશન એન્ટ્રેપ્રીન્યોર અને પૂર્વ મીડિયા ટાયકૂન, સમલિંગી અધિકારોના કર્મશીલ અને ઉમરાવ
એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર
• કુશ કનોડિયા- એબિલિટીનેટના ટ્રસ્ટી તેમજ યુકેના ટેક સેક્ટરમાં સૌથી પ્રભાવશાળી ૧૦ BAME અગ્રણીઓમાં એક
• હર્મન નારુલા- ઈમ્પ્રોપેબલ વર્લ્ડસ લિમિટેડના સહસ્થાપક અને સીઈઓ
• અમિત ગુડકા- બલ્બ એનર્જીના સહસ્થાપક
• બંકિમ ચંદ્ર- ડોટસ્કવેરના સીઈઓ અને ૨૦૦૨થી આરંભથી તેને ગતિશીલ બનાવનાર પરિબળ
વુમન ઓફ ધ યર
• અંજલિ રામચંદ્રન- સ્ટોરીથિંગ્સના ડાયરેક્ટર
• ઈશાની પટેલ- લેન્ટુમના સહસ્થાપક
• નીતા પટેલ- ન્યૂ એન્ટ્રેપ્રીન્યોર્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ
• અસ્મા ખાન- નેટફ્લિક્સની એવોર્ડવિજેતા સીરિઝ શેફ્સ ટેબલમાં ચમકનારાં પ્રથમ બ્રિટિશ શેફ
પ્રોફેશનલ ઓફ ધ યર
• અસાદ ધુન્ના- પ્રાઈડ ઈન લંડન માટે કોમ્યુનિકેશન્સ ડાયરેક્ટર અને અનમિસ્ટેકેબલ્સના સ્થાપક
• પ્રોફેસર દિનેશ ભુગરા CBE- કિંગ્સ કોલેજ લંડનમાં મેન્ટલ હેલ્થ અને કલ્ચરલ ડાઈવર્સિટીના એમેરિટસ પ્રોફેસર
• કરિશ્મા ઓમકાર- કિંગ એન્ડ સ્પાલ્ડિંગની લંડન ઓફિસમાં કોર્પોરેટ લોયર અને LGBTQ એક્ટિવિસ્ટ
• પ્રોફેસર ચરણજિત બૌન્ત્રા- ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ટ્રાન્સલેશનલ મેડિસીનના પ્રોફેસર તેમજ ઈનોવેશન માટે પ્રો-વાઈસ ચાન્સેલર
યુનિફોર્મ્ડ, સિવિલ એન્ડ પબ્લિક સર્વિસીસ
• રણજિતલાલ ધીર OBE- ડોર્મર્સ વેલ્સના કાઉન્સિલર , કોમ્યુનિટી સેફ્ટી એન્ડ સર્વિસીસ માટે કેબિનેટ મેમ્બર અને કાઉન્સિલના ડેપ્યુટી લીડર
• હાફ્સા કુરેશી- બર્મિંગહામમાં હર મેજેસ્ટીની કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ સર્વિસીસમાં ભરતીની સેવામાં મદદ
• ડો. રોહિત શંકર MBE, FRCPsych- કોર્નવોલ પાર્ટનરશિપ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટમાં કન્સલ્ટન્ટ ડેવલપમેન્ટલ ન્યૂરોસાઈકિયાટ્રિસ્ટ અને ક્લિનિકલ ડાયરેક્ટર
• ડો. રંગન ચેટરજી- બ્રિટિશ ફીઝિશિયન, લેખક, ટેલિવિઝન પ્રેઝન્ટર અને પોડકાસ્ટર
સ્પોર્ટ્સ પર્સાનાલિટી ઓફ ધ યર
• આદિલ રશિદ- આ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની ટીમમાં લેગ સ્પીનર
• યાન ધાંડા- સ્વાનસી સિટી માટે રમતા આક્રમક મિડફિલ્ડર, ઈંગ્લિશ પ્રોફેશનલ ફૂટબોલર
• કબીર અલી- પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર
• હરજિત સિંહ ભનીઆ OBE- જીબી મેન્સ વ્હીલચેર બાસ્કેટબોલના મુખ્ય કોચ
એચિવમેન્ટ ઈન મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર
• મુકુલ દેવીચંદ- બીબીસી ખાતે Voice + AI ના એક્ઝિક્યુટિવ એડિટર
• આસિફા લાહોર- બ્રિટનના પ્રથમ મુસ્લિમ ડ્રેગ પરફોર્મર
• રહીમ મીર- કથકમાં લૈંગિક ભૂમિકાના ખ્યાલને પડકારનારા કથક નૃત્યકાર
• ફૈઝલ ઈસ્લામ- બીબીસી ન્યૂઝના ઈકોનોમિક એડિટર
એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ
• નીલમ ફરઝાના MBE- રજિસ્ટર્ડ અને એક્રેડિટેડ કાઉન્સેલર
• ઓંકારદીપ ભાટીઆ- સિટી શીખ્સ નેટવર્કના સ્થાપક સભ્ય
• માન્ડી સાંઘેરા- આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કર્મશીલ અને મોટિવેશનલ ટેડેક્સ સ્પીકર
• નઈમ રબ્બાની કુરેશી- આશિયાના કોમ્યુનિટી પ્રોજેક્ટના ટ્રસ્ટી