બર્મિંગહામઃ બ્રિટિશ મુસ્લિમોના ૨૬ ટકા લોકો કટ્ટરવાદના હિમાયતી ન હોવાનું તેમજ ૫૩ ટકા બિનમુસ્લિમ સમાજ સાથે સંપૂર્ણપણે એકરુપ થવા ઈચ્છે છે તેમ એક સંશોધનના તારણો જણાવે છે. બર્મિંગહામના પેરી બારના સાંસદ ખાલિદ મહમૂદના ટેકા સાથે ૩,૦૦૦થી વધુ બ્રિટિશ મુસ્લિમોના સર્વેમાં આ વાત બહાર આવી છે. બાકીના બ્રિટિશ સમાજની માફક જ બ્રિટિશ મુસ્લિમો આ મુદ્દે ચિંતિત છે.
ICM અને જમણેરી થિન્કટેન્ક Policy Exchangeના સર્વે અનુસાર NHS, બેરોજગારી અને ઈમિગ્રેશન સહિત ઘણા મુદ્દા પરત્વે બ્રિટિશ મુસ્લિમ સમાજ બાકીની વસ્તીની સાથે જ છે. આ સર્વેમાં મદદ કરનારા સાંસદ ખાલિદ મહેમૂદ કહે છે કે બ્રિટિશ મુસ્લિમો દેશના સૌથી વફાદાર, દેશભક્ત અને કાયદાપાલક નાગરિકોમાં છે.
સર્વેમાં જણાવાયું છે કે ૫૩ ટકા બ્રિટિશ મુસ્લિમો જીવનના તમામ પાસામાં બિનમુસ્લિમો સાથે હળીમળીને રહેવા અને સંપૂર્ણ એકરુપ થવા ઈચ્છે છે. જોકે, ખુદ અમેરિકાએ WTC પર હુમલો કરાવ્યો સહિત ષડયંત્રની માન્યતા બ્રિટિશ મુસ્લિમોને આગળ વધતા અટકાવે છે. ૯-૧૧ના હુમલા પાછળ યુએસ સરકારનો હાથ હોવાનું ૩૧ ટકા મુસ્લિમો માને છે, જ્યારે સાત ટકા યહુદીઓને દોષિત ગણાવે છે. જોકે, અલ-કાયદા સંગઠન જવાબદાર હોવાનું માત્ર ચાર ટકા જ માને છે. સર્વે અનુસાર ચારમાંથી એક અથવા ૨૬ ટકા મુસ્લિમો કટ્ટરવાદમાં માનતા નથી અને તેમની નિકટની વ્યક્તિ સીરિયન ત્રાસવાદ સાથે સંકળાયેલા લોકો સાથે હોય તો ૪૮ ટકા પોલીસને તેની માહિતી આપશે નહિ.