લંડનઃ બ્રિટનમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુ અને ચેપગ્રસ્તોની સંખ્યા નોંધપાત્રપણે વધતી જ જાય છે. જોકે, આ માટે ખુદ બ્રિટિશરો જવાબદાર છે. એક સર્વેમાં બહાર આવેલી ૨૫ ટકાથી વધુ બ્રિટિશરો એકાંતવાસમાં રહેવા કે સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવાનો સ્પષ્ટ ઈનકાર કરે છે. અનેક સ્થળોએ લોકોનાં ટોળાં જોવાં મળે છે.
‘OnePoll’ સર્વેમાં ૨૦૦૦ વયસ્કોના મત જાણવામાં આવ્યા હતા. તેના તારણો જણાવે છે કે ૨૭ ટકા લોકો હજુ પોતાના ઘરની બહાર અન્ય લોકો સાથે સંપર્કમાં રહે છે. ચિંતાજનક બાબત એ છે કે ૫૪ ટકા લોકો ‘અન્ય કારણોસર’ સામાજિક અંતર જાળવવામાં નિષ્ફળ રહ્યાં છે. જે લોકો એકાંતવાસમાં રહેતા નથી તેમાંથી ૩૩ ટકા એમ કહે છે કે તેઓ આવશ્યક સેવા વર્કરની વ્યાખ્યામાં આવતા હોવાથી ઘરમાં રહેતા નથી.
જે લોકો અન્યો સાથે સામાજિક અંતર જાળવી રહ્યા છે તેમાંથી ૧૪ ટકા માને છે કે તેઓ કોરોના વાઈરસનો શિકાર બન્યા હતા પરંતુ, તે પછી સાજા થયા છે. છ ટકા લોકો તેમને હાલ કોરોના વાઈરસનો ચેપ લાગેલો હોવાનું માને છે. વાઈરસથી ચેપગ્રસ્ત હોવાનું માનનારા ૫૨ (બાવન) ટકા લોકોમાં થાક અને નબળાઈનાં સામાન્ય લક્ષણો છે જ્યારે ૪૭ ટકાને શારીરિક દુઃખાવો અને પીડા તેમજ સતત ખાંસી કે ઉધરસના લક્ષણો જણાય છે. ૧૦ ચેપગ્રસ્ત લોકોમાંથી ચાર વ્યક્તિ તેમને હાઈ ટેમ્પરેચર (તાવ) હોવાનું કહે છે તો ૩૧ ટકાને શ્વાસ લેવામાં તકલીફ અને ૨૬ ટકાને સ્વાદ અને/ અથવા સુગંધનો અનુભવ થતો ન હોવાનું જણાયું છે.
૭૧ ટકા લોકો પોતાને કોરોના વાઈરસ લાગ્યો ન હોવાનું માને છે જ્યારે બહુમતી (૮૩ ટકા) લોકો તેમના શરીરમાં કોવિડ-૧૯ના એન્ટિબોડીઝ છે કે કેમ અને હોય તો તેઓ હાલ ઈમ્યુન છે અને તેથી સુરક્ષિતપણે એકાંતવાસ છોડી શકશે તેવા કારણસર પરીક્ષણ કરાવવા માગે છે.