લંડનઃ કોરોના વાઈરસના નવા મોજાં પર કાબુ મેળવવા બોરિસ જ્હોન્સન સરકાર ધીરે ધીરે નિયંત્રણો વધારી રહી છે. નવા થ્રી-ટિયર નિયંત્રણો હેઠળ રાજધાની લંડનના નવ મિલિયન લોકો સહિત ઈંગ્લેન્ડના ૨૮ મિલિયનથી વધુ લોકો સખત પગલાનો સામનો કરી રહ્યા છે.
સૌથી પહેલા લિવરપૂલ અને તેના પછી લેન્કેશાયરને વેરી હાઈ રિસ્ક (ટિયર-૩ રેડ ઝોન)માં મૂકી દેવાયા હતાં. હવે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને - મેયર એન્ડી બર્નહામ સાથે નાણાકીય સહાયના મુદ્દે ભારે ખેંચતાણ બાદ - ટિયર-૨માં રહેલા ગ્રેટર માન્ચેસ્ટરને પણ શુક્રવાર, ૨૩ ઓક્ટોબરથી ટિયર-૩ નિયંત્રણો હેઠળ મૂકવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે લંડન, એસેક્સ, યોર્ક, એલ્મ્બ્રિજ, બેરો-ઈન-ફરનેસ, નોર્થ ઈસ્ટ ડર્બીશાયર, એર્વોશ અને ચેસ્ટરફિલ્ડને ગયા શુક્ર-શનિવારની મધરાતથી જ ટિયર-૨ નિયંત્રણો હેઠળ મૂકી દેવાયા છે.
નિયંત્રણો સામે વિરોધનો વંટોળ
મુખ્યત્વે લંડનમાં રાત્રે ૧૦ વાગ્યે પબ્સ અને રેસ્ટોરાં બંધ કરી દેવાના અમલ સામે પોલીસ અને નિયંત્રણોનો વિરોધ કરી રહેલા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. લોકોએ ઘેર પાછા ફરવાનો ઈનકાર કર્યો હતો. સોહોની શેરીઓમાં એન્ટિ-લોકડાઉન પ્રદર્શનકારીઓએ મોટી ભીડ લગાવી હતી.
બીજી તરફ, નોર્થ ઈસ્ટ અને નોર્થ વેસ્ટ, યોર્કશાયર અને નોટિંગહામને પણ ટિયર-૩ નિયંત્રણો હેઠળ મૂકવા સ્થાનિક નેતાઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે. યુકેમાં મંગળવારે કોરોના વાઈરસના નવા ૨૧,૩૩૧ કેસ નોંધાવા સાથે વધુ ૨૪૧ મોત થયા છે. ગત મંગળવારની સરખામણી કેસની સંખ્યામાં ૨૩.૮ ટકાનો વધારો નોંધાયો છે.
વડા પ્રધાન અને મેયર વચ્ચે ખેંચતાણ
ટિયર-૨માં રહેલા ગ્રેટર માન્ચેસ્ટરને ટિયર-૩ નિયંત્રણો હેઠળ મૂકવા બાબતે વડા પ્રધાન જ્હોન્સન અને મેયર એન્ડી બર્નહામ વચ્ચે ભારે નાણાકીય ખેંચતાણ ચાલી છે. મેયર બર્નહામે ૬૫ મિલિયન પાઉન્ડની સહાયની માગણી કરી છે જેની સામે, વડા પ્રધાને ૬૦ મિલિયન પાઉન્ડ માટે ઉદારતા દર્શાવી છે. જોકે, લેબર મેયર જિદે ચડ્યા હોવાથી બોરિસે કડક ટિયર-૩ નિયંત્રણો લાદવાની ધમકી ઉચ્ચારી હતી. આ પછી બર્નહામે પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. લેબર નેતાએ આક્ષેપ કર્યો હતો કે વેસ્ટમિન્સ્ટર વર્ષોથી નોર્થ વિસ્તારોની અવગણના કરે છે.
બીજી તરફ, સખત પગલાંની જરૂરિયાત સામે પ્રશ્ન કરાઈ રહ્યો છે. સત્તાવાર ડેટા અનુસાર નોટિંગહામ, ન્યૂકેસલ, શેફિલ્ડ અને માન્ચેસ્ટર સહિતના શહેરોમાં સપ્ટેમ્બરના અંતે કેસીસમાં ભારે ઉછાળા પછી સ્થિતિ હવે સ્થિર છે અને સંક્રમણ દર ઘણા દિવસથી વધ્યો નથી.
રાષ્ટ્રવ્યાપી ‘સર્કિટ બ્રેકર’ની તરફેણ
દરમિયાન, ટોરી બેકબેન્ચર્સમાં રાષ્ટ્રવ્યાપી ‘સર્કિટ બ્રેકર’ લોકડાઉન મુદ્દે સમર્થન વધી રહ્યું છે. પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે ઝડપી અને નિર્ણાયક કાર્યવાહીની તરફેણ કરી છે. જોકે, વડા પ્રધાન જ્હોન્સને લેબર નેતા સર કેર સ્ટાર્મર અને લંડનના મેયર સાદિક ખાનની ‘સર્કિટ બ્રેકર’ માગણી નકારી કાઢી હતી. વડા પ્રધાન જ્હોન્સન લક્ષ્યાંકિત સ્થાનિક નિયંત્રણોના આધારે કોરોના વાઈરસની બીજી લહેર પર કાબુ મેળવવા મથી રહ્યા છે.
દરરોજ ૪૭ હજારને સંક્રમણ
સરકારના વૈજ્ઞાનિક સલાહકારો પણ કોરોના પર કાબુ મેળવવા લોકડાઉન સિવાય કોઈ માર્ગ ન હોવાનું કહી રહ્યા છે. આમ નહિ કરાય તો નવેમ્બરમાં રોજના ૬૯૦ મોત થવાની ચેતવણી પણ અપાઈ છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મેડિકલ રિસર્ચ કાઉન્સિલના બાયોસ્ટેટિક યુનિટના વિજ્ઞાનીઓએ સમક્ષ અંદાજ રજૂ કર્યો છે કે ઈંગ્લેન્ડમાં દરરોજ ૪૭,૦૦૦ લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. સરકારે નવા ૧૫,૬૫૦ કેસ થવાની જાહેરાત કરી છે પરંતુ, આંકડો ખરેખર વધુ હોવાનું જણાવાય છે.
નોર્થ-વેસ્ટ અને નોર્થ-ઇસ્ટ હોટસ્પોટ
કેમ્બ્રિજના વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર કોવિડ ૧૯ના હોટસ્પોટ નોર્થ વેસ્ટ અને નોર્થ ઈસ્ટમાં અનુક્રમે અંદાજિત ૧૭,૬૦૦ અને ૧૦,૦૦૦ કેસ જોવા મળે છે. આ પછી લંડન અને મિડલેન્ડ્સમાં અનુક્રમે ૫,૪૫૦ અને ૫,૭૨૦ કેસનો અંદાજ છે.
લેન્કેશાયરમાં પણ આકરા નિયંત્રણો
લિવરપૂલ પછી લેન્કેશાયરને પણ સૌથી સખ્ત ટિયર-૩ નિયંત્રણો હેઠળ મૂકી દેવાયું છે. ફૂડ સર્વ કરતા ન હોય તેવા તમામ પબ્સ અને રેસ્ટોરાં બંધ કરી દેવાયાં છે. લેન્કેશાયરના કાઉન્સિલ લેબર નેતાઓએ જણાવ્યું હતું કે તેમને કડક પગલાં સ્વીકારવાની ફરજ પડી છે. સાઉથ રિબલના પોલ ફોસ્ટરે જણાવ્યું હતું કે તેમને બ્લેકમેઈલ કરાયા હતા અને બ્લેકપૂલના લીન વિલિયમ્સે ઉમેર્યું હતું કે તેમને વધારાનું ૩૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ મળતું હોઈ સંમત થવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. ટિયર-૩ નિયમો હેઠળ સીટ-ડાઉન ભોજનના ભાગરૂપે ફૂડ અને આલ્કોહોલ પીરસતાં ન હોય તેવાં પબ્સ અને રેસ્ટોરાં બંધ કરવાના રહેશે. સામાજિક મેળમિલાપ પર પણ નિયંત્રણો વધુ કડક રહેશે. લોકો કોઈના ઘેર અથવા પ્રાઈવેટ ગાર્ડન્સમાં અથવા મોટા ભાગના આઉટડોર હોસ્પિટાલિટી સ્થળોએ પણ અન્ય લોકો સાથે હળીમળી શકશે નહિ. કેસિનોઝ, બિન્ગો હોલ્સ, બૂકમેકર્સ, બેટિંગ શેપ્સ, સોફ્ટ પ્લે એરિયાઝ અને એડલ્ટ ગેમિંગ સેન્ટર્સ ફરજિયાત બંધ કરાવાશે અને કાર બૂટ સેલ્સ પર પણ પ્રતિબંધ છે.
રાજધાની લંડનમાં ટિયર-૨ નિયંત્રણો
રાજધાની લંડનમાં કોરોનાના સંક્રમણનું જોર વધી જતાં આખરે ટિયર-૨ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે જેનો, અર્થ એવો છે કે લંડનવાસી પરિવારો પબ્સ અને રેસ્ટોરાં સહિત એકબીજાના ઘરમાં હળીમળી શકશે નહિ. જોકે, બે પરિવાર પ્રાઈવેટ ગાર્ડન્સ અથવા બહાર મળી શકશે પરંતુ, રુલ ઓફ સિક્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવું પડશે. રાત્રિના ૧૦ વાગ્યાથી પબ્સ અને રેસ્ટોરાં પર કરફ્યૂ લાગી જશે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના તાજા આંકડા મુજબ કોરોના મહામારીનો આરંભ થયો ત્યારથી લંડનમાં ૬૫,૫૦૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. ઇલિંગ વિસ્તારમાં નવા ૧૦૦ કેસ સાથે સંખ્યા ૩,૧૦૦થી વધી ગઈ છે જ્યારે બાર્નેટમાં કુલ આંકડો ૩૧૧૪થી વધુ હતો. લંડનના ૧૨ બરોઝમાં પ્રતિ ૧૦૦,૦૦૦ની વસ્તીએ ૧૦૦થી વધુ કેસનો દર છે. રિચમન્ડમાં ૧૪૦.૪ તેમજ સિટી ઓફ લંડન અને હેકનીમાં આ દર ૧૩૩.૧નો રહ્યો હતો.