લંડનઃ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે મિલ્ટન કીનીસમાં નવી કોરોના વાઈરસ ટેસ્ટિંગ ફેસિલિટીના ખુલવા સાથે ૩.૫ મિલિયન એન્ટિબોડી ટેસ્ટની ખરીદ કરાયાની જાહેરાત કરી છે. પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે માત્ર હોસ્પિટલોમાં જ પેશન્ટ્સના પરીક્ષણની સરકારી નીતિની આકરી ટીકા કરી છે. દરરોજ ૨૫,૦૦૦ લોકોના પરીક્ષણની ખાતરી સામે માત્ર ૫,૦૦૦ પેશન્ટનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે સરકાર પરીક્ષણો વધારી રહી છે. મિલ્ટન કીનીસ ખાતે નવી પરીક્ષણ સુવિધા ખોલવામાં આવી છે તેનાથી પરીક્ષણોની સંખ્યા વધી જશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં સરકારે ૩.૫ મિલિયન એન્ટિબોડી ટેસ્ટની ખરીદી કર્યાની જાહેરાત કરી છે. આ ટેસ્ટ લોકોને કોરોના વાઈરસ હતો કે કેમ તે દર્શાવશે. તેમણે કહ્યું હતું કે આ ટેસ્ટથી લોકોને કોરોના વાઈરસ હતો કે કેમ અને તેના વિરુદ્ધ પ્રતિરોધક છે તે જાણવા મળશે અને તેઓ કામ પર પાછા ફરી શકશે. પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે ટેસ્ટિંગ પોલિસીના કારણે દેશે કોરોના વાઈરસ કટોકટી મુદ્દે દિશા ગુમાવી હોવાની ટીકા કર્યા પછી આ ખુલાસો આવ્યો છે. હન્ટે પ્રશ્ન કર્યો હતો કે વાઈરસ ક્યાં છે તેની જાણ જ ન હોય તો આપણે તેને અંકુશમાં કેવી રીતે લાવી શકીશું? પૂર્વ ટોરી નેતા સર વિલિયમ હેગે પણ વધુ પરીક્ષણોની હાકલ કરી હતી.
વાઈરસ માટે લોકોના પરીક્ષણો બાબતે યુકેનું વલણ નિરાશ રહ્યું છે. વોર્ડ્સમાં દાખલ થયેલા પેશન્ટ્સ તેમજ અતિ બીમાર વ્યક્તિ હોસ્પિટલ જાય તો જ તેમનું પરીક્ષણ થાય છે. NHS ના સ્ટાફનું પણ પરીક્ષણ કરાતું નથી. NHS ના ડોક્ટર્સના પરીક્ષણો કરાવવા ખાનગી લેબોરેટરીઝમાંથી ટેસ્ટિંગ મશીન્સની જપ્તી માટે લશ્કર પણ મોકલાયું હોવાનું કહેવાય છે. હેલ્થ વર્કર્સને થોડાં લક્ષણ જણાય ત્યારે તેમને ખરેખર વાઈરસનો ચેપ છે કે કેમ તેનું પરીક્ષણ કરાયા વિના જ ૧૪ દિવસના એકાંતવાસમાં મોકલી દેવાય છે. પરીક્ષણો થવાથી તેઓ વહેલા કામ પર પાછા ફરી શકશે.
દરરોજ ૨૫,૦૦૦ લોકોના પરીક્ષણની ક્ષમતા વધારવાની ખાતરી સામે માત્ર ૫,૦૦૦ પેશન્ટનું ટેસ્ટિંગ કરાઈ રહ્યું છે. આનો અર્થ એ થાય કે કોરોના વાઈરસના પેશન્ટ્સના સત્તાવાર આંકડા સામે વાસ્તવિક આંકડો ઘણો વધારે હોઈ શકે છે. જેરેમી હન્ટે કોમન્સમાં જણાવ્યું હતું કે પ્રત્યેક મૃત્યુ સામે ૧૦૦૦ કેસના વૈજ્ઞાનિક અંદાજ અનુસાર દેશમાં આશરે ૩૦૦,૦૦૦ કેસ હોઈ શકે છે. ઈટાલીમાં ૬૦૦૦થી વધુ મોત અને ૬૦,૦૦૦થી વધુ કેસ છે તેવી પરિસ્થિતિ ટાળવાનું ઘણું મોડું થઈ જશે તેવી ચેતવણી પણ હન્ટે આપી હતી.