લંડનઃ ૧૯૭૬ના સમરમાં મોટાભાગની મહિલાઓવાળા એશિયન વર્કરોના ગ્રૂપના નેતૃત્વમાં ગ્રુનવીક ફિલ્મ પ્રોસેસીંગ ફેક્ટરી ખાતે ઐતિહાસિક હડતાળના મંડાણ થયા હતા. વિલ્સડન ફેક્ટરીના વર્કરો તેમના અન્યાયી માલિકો સામે સંગઠિત થયા અને બ્રિટિશ ઈતિહાસમાં સૌથી લાંબા અને અતિ મહત્ત્વના ઓદ્યોગિક વિવાદો પૈકી એક વિવાદનો આરંભ થયો. ગ્રુનવીક સ્ટ્રાઈકે બીબાઢાળ પદ્ધતિને પડકારી હતી, ટ્રેડ યુનિયનોની સીકલ બદલી નાખી હતી અને લોકોને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
૨૦ ઓગસ્ટ, ૧૯૭૬ને શુક્રવારે દેવશી ભૂડિયાની બરતરફીને લીધે જયાબેન દેસાઈએ હડતાળનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેઓ અને તેમના પુત્ર સુનિલ નોકરીમાંથી છૂટા કરી દેવાયેલા ચાર વર્કરો સાથે ફેક્ટરી બહાર પિકેટીંગમાં જોડાયા હતા. શરૂઆતમાં, છ વર્કર તેમની સાથે સામેલ થયા અને બાદમાં તેમના ટ્રેડ યુનિયન APEXની હડતાળના સમર્થનમાં પિકેટીંગમાં જોડાયેલા વર્કરોની સંખ્યા વધીને ૧૩૭ સુધી પહોંચી હતી. દેખાવો તેની ચરમસીમાએ પહોંચ્યા ત્યારે ગ્રૂનવીક ખાતે માત્ર એક જ સ્થળે પિકેટીંગ માટે ૨૦,૦૦૦ લોકો એકત્ર થયા હતા.
આ સ્ટ્રાઈકમાં જેમણે ભાગ લીધો હતો તેમને તો માત્ર એક નિવેદન જ ખૂબ યાદ હશે. ‘ તમે ફેક્ટરી નથી ચલાવતા, આ તો ઝૂ છે. પરંતુ, ઝૂમાં ઘણી જાતના પ્રાણીઓ હોય છે. કેટલાક વાનરો હોય છે, જે તમારી આંગળીઓના ઈશારે નાચે છે. બાકીના સિંહ હોય છે, જે તમને કરડી જાય. મિ. મેનેજર, વી આર ધ લાયન્સ - અમે સિંહ છીએ.’
ગ્રુનવીક સ્ટ્રાઈકના નેતા જયાબેન દેસાઈનું ૨૦૧૦માં અવસાન થયું. હડતાળના ૬૯૦ દિવસ બાદ, ૧૪ જુલાઈ, ૧૯૭૮ના રોજ હડતાળ સમિતિએ હડતાળ સમાપ્ત કરી હતી. ૪૦ વર્ષ બાદ ગ્રુનવીક સ્ટ્રાઈક ખાસ કરીને બ્રેક્ઝિટ વોટ બાદ આપણને હજુ પણ પાઠ શીખવી શકે છે. હડતાળની ઉજવણી અને તેને યાદ કરવા માટે ‘વી આર ધ લાયન્સ’ દ્વારા વિલ્સડન લાઈબ્રેરી ખાતે એક પ્રદર્શન યોજાયું છે. તેમા હડતાળ વખતના ન જોયા હોય તેવા ફોટોગ્રાફ્સ, બેનરો, પોસ્ટરો, સાઉન્ડટ્રેક્સ અને વર્કરો દ્વારા તેમની વાતો રજૂ કરાઈ છે. આ પ્રદર્શન યુકેમાં ગુજરાતી ઈતિહાસનું એક અલગ સ્વરૂપ દર્શાવે છે.
હડતાળ વિશેના આ અતિ વિશિષ્ટ પ્રદર્શનની આજ સુધીની વિગતોનું સંશોધન અને જાળવણી પૌલોમી દેસાઈ દ્વારા કરાઈ છે. તેમણે માત્ર ૧૨ સપ્તાહમાં આ પ્રદર્શન તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ હડતાળના પ્રદર્શન માટેનો વિચાર લગભગ એક વર્ષ અગાઉ ગ્રૂનવીક ઓર્ગેનાઈઝીંગ ગ્રૂપના ચેરવુમન અને ઘણાં વર્ષોથી વિલ્સડનના રહીશ સુજાતા અરોરાને આવ્યો હતો. સુજાતાએ કાઉન્સિલ અને બ્રેન્ટ મ્યુઝિયમનો સંપર્ક સાધ્યો હતો. તે પછી તેમાં આગળની કાર્યવાહી થઈ હતી.
તાજેતરમાં ખાસ આમંત્રિતોએ આ પ્રદર્શન નીહાળ્યું હતું. તેમાં કેટલાંક હડતાળીયા વર્કરો અને દેખાવકારોએ તેઓ બે વર્ષ સુધી કેવી લડત આપી અને સંગઠિત રહ્યા તે ભૂતકાળ યાદ કર્યો હતો. હડતાળમાં જોડાયેલા જે લોકોએ તે સાંજે આ પ્રદર્શન નીહાળ્યું હતું તેમાં ગ્રૂનવીક સ્ટ્રાઈક કમિટીના સેક્રેટરી મહમૂદ એહમદનો પણ સમાવેશ થતો હતો.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથેની વાતચીતમાં પૌલોમી દેસાઈએ જણાવ્યું હતું, ‘ મેં કેટલાંક રાષ્ટ્રીય દસ્તાવેજોનો અને બ્રેન્ટ મ્યુઝિયમની સાહિત્ય સામગ્રી તથા તાજેતરમાં જાહેર કરાયેલી સ્પેશિયલ બ્રાન્ચ ફાઈલ્સનો અભ્યાસ કર્યો હતો. હડતાળમાં જોડાયેલા વર્કરો પૈકી જે લોકોએ તેમના ભૂતકાળ વિશે લખ્યું ન હતું , તેમની પણ વાત કરાઈ છે. આ એક્ઝિબિશન યુવા પેઢીને લક્ષ્યમાં રાખીને યોજવામાં આવ્યું છે. હું આશા રાખું છું કે સામાન્ય લોકોના ઈતિહાસને અને એકતા કેવી રીતે સિદ્ધ કરી શકાય તે યાદ રખાશે. આપણા પોતાના ઈતિહાસનો સંવેદનશીલ રીતે અભ્યાસ કરીને તેમાંથી નવું શોધી શકાય’.
ગત ૧૯ ઓક્ટોબર, ૨૦૧૬થી ધ લાઈબ્રેરી એટ વિલ્સડન ગ્રીન, ૯૫ હાઈ રોડ, વિલિસડન, લંડન NW10 2SF ખાતે શરૂ થયેલું ‘વી આર ધ લાયન્સ’ એક્ઝિબિશન આગામી ૨૬ માર્ચ, ૨૦૧૭ સુધી નિહાળી શકાશે. મુલાકાતીઓ આ એક્ઝિબિશનમાં વીક ડે દરમિયાન સવારે ૯થી રાત્રે ૮ અને વીક એન્ડમાં સવારે ૧૦થી સાંજે ૫ સુધી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે. ૨જી નવેમ્બરે SOASમાં ખલીલી લેક્ચર થિયેટર ખાતે સાંજે ૭થી ૯.૩૦ દરમિયાન ‘ધ ગ્રેટ ગ્રુનવીક સ્ટ્રાઈક ૧૯૭૬-૭૮’ ફિલ્મ દર્શાવવામાં આવશે. બાદમાં પેનલ ડિસ્કશન યોજાશે.