લંડનઃ વિશ્વના સૌથી ક્રૂર કટ્ટરવાદી આતંકી સંગઠન આઈએસઆઈએસ માટે લડવા ગયેલા અને હવે દેશમાં પાછા આવી ગયેલા ૭૦ બ્રિટિશ જેહાદીઓ બ્રિટનમાં આતંકી હુમલો કરવા માટે ષડયંત્ર રચી રહ્યા હોવાની ચોંકાવનારા અહેવાલ છે. બ્રિટનના એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા સ્કોટ વિલ્સને આ ચેતવણી આપતા સમગ્ર બ્રિટનમાં ખળભળાટ મચી ગયો છે.
ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આઈએસઆઈએસ બ્રિટનમાં હુમલા માટે ખાસ્સા સમયથી મોકો શોધી રહ્યું છે. આ સંજોગોમાં તેના ૭૦ બ્રિટિશ જિહાદીઓ બ્રિટનમાં પરત પહોંચી ગયા છે, જેમણે હુમલાનું ષડયંત્ર ઘડ્યું છે. વિલ્સને કહ્યું કે આઈએસઆઈએસનું સપોર્ટ નેટવર્ક એટલું જબરદસ્ત છે કે અલ કાયદા તો આવું વિચારી પણ ન શકે.
બ્રિટનમાંથી કુલ ૩૫૦ યુવાનો જેહાદ માટે ઈરાક અને સીરિયામાં ગયા હતા. આ પૈકી ૨૦ ટકા એટલે કે ૭૦ જેટલા જિહાદીઓ પરત આવી ગયા છે. નોંધનીય છે કે, ક્રૂરતા માટે કુખ્યાત ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠને ૨૫૦ યુવતીઓને કથિત રીતે મોતને ઘાટ ઉતારી દીધી છે જેમણે સેક્સ સ્લેવ બનવાનો ઈનકાર કર્યો હતો. આ દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
આ યુવતીઓને ફરમાન કરાયું હતું કે તેઓ આતંકવાદીઓ સાથે કામચલાઉ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારી લે. ઈરાકના મોસુલ શહેરમાં સેક્સ સ્લેવ બનવાનો ઈનકાર કરનારી યુવતીઓની હત્યા કરવામાં આવી અને કેટલાક કિસ્સાઓમાં તો તેમના પરિવારજનોની પણ હત્યા કરી નાંખવામાં આવી છે.
કુર્દિશ ડેમોક્રેટિક પાર્ટીના પ્રવક્તા સઇદ મામુજિનીએ કહ્યું હતું કે આઈએસઆઈએસે મોસુલ પર કબજો જમાવ્યા પછી યુવતીઓની પસંદગી કરવાનું અને તેમના આતંકવાદીઓ સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવાનું શરૂ કરી દીધું હતું. જે મહિલાઓએ ઈનકાર કર્યો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.
મામુજિનીએ કુર્દ સમાચાર એજન્સી ‘અહલુલબયાત’ને કહ્યું હતું, ‘લગ્નનો ઈનકાર કરવાના લીધે અત્યાર સુધીમાં ૨૫૦ જેટલી યુવતીઓને મારી નાંખવામાં આવી છે અને કેટલીક યુવતીઓના પરિવારજનોને પણ મારી નાંખવામાં આવ્યા છે.’
મોસુલ પર આઈએસના કબજા અંગે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ એવી આશા વ્યક્ત કરી છે કે ટૂંક સમયમાં મોસુલમાં આઈએસ પાસેથી કબજો પાછો લઈ લેવામાં આવશે અને લાગે છે કે વર્ષના અંત સુધીમાં આ કાર્ય થઈ શકશે. પેટ્રિયોટિક યુનિયન ઓફ કુર્દિસ્તાન પાર્ટીના એક નેતાએકહ્યું હતું કે આઈએસના કબજા હેઠળના મોટા ભાગના સ્થળોએ માનવાધિકારોનો ભંગ થયો છે.