લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને શાળાઓ ક્યારે ખોલી શકાશે તેના સસ્પેન્સને દૂર કરતા સ્પષ્ટ કર્યું હતું કે વહેલામાં વહેલું ૮ માર્ચ, સોમવારથી શાળાઓ ખોલવાની આશા છે અને વંચિત ગ્રૂપ્સને વેક્સિન આપી ન દેવાય ત્યાં સુધી વ્યાપક લોકડાઉન હળવું કરાશે નહિ. વડા પ્રધાને સાંસદો સમક્ષ જણાવ્યું હતું કે શાળાઓ બંધ રહેવાથી લાખો વિદ્યાર્થીઓના અભ્યાસને ભારે અસર પડશે. તેમણે ટ્યૂટરિંગ અને સમર સ્કૂલ્સને ભંડોળ માટે વધુ ૩૦૦ મિલિયન પાઉન્ડ આપવાની ખાતરી પણ આપી હતી. તેમણે ‘સતત લોકડાઉન’ જેવું કશુ હોતું નથી નથી તેમ જણાવી લોકડાઉન ઉઠાવવા બાબતે રોડ મેપ ટુંક સમયમાં જારી કરવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોવિડથી સંક્રમિતોનો આંકડો જાન્યુઆરીએ નોંધાયેલા ૬૮,૦૦૦ કેસથી વિપરીત ૨૭ જાન્યુઆરીએ ૨૦,૦૦૦ કેસનો થયો હતો.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્વીકાર્યું હતું કે કોવિડના કારણે શાળાઓ બંધ કરાવાથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં થયેલું નુકસાન સરભર કરતા એક વર્ષ લાગી જશે. એજ્યુકેશન સેક્રેટરી વિલિયમસન ઈચ્છતા હતા કે વિદ્યાર્થીઓ ફેબ્રુઆરીના અંતે શાળામાં જતા થાય જોકે, વડા પ્રધાને તેમની ઉપરવટ જઈ શાળાઓ ઓછામાં ઓછાં ૮ માર્ચ સુધી નહિ ખુલે તેમ સ્પષ્ટ જાહેરાત કરી સપ્તાહોથી ચાલતી અટકળોને વિરામ આપ્યો છે. શાળાઓ હાફ ટર્મથી પણ વધુ સમય બંધ રાખવાથી થનારા નુકસાનને ભરપાઈ કરવા જ્હોન્સને વધુ ૩૦૦ મિલિયન પાઉન્ડનું સપોર્ટ પેકેજ જાહેર કર્યું હતું. જે ટાર્ગેટેડ ટ્યૂશનને મદદ કરવા માટે વપરાશે. અગાઉ સરકારે વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને સપોર્ટ કરવા એક બિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત કરેલી છે જેમાંથી ૩૫૦ મિલિયન પાઉન્ડ નેશનલ ટ્યૂટરિંગ પ્રોગ્રામ માટે અલગ રખાયા છે. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે શાળાઓ બંધ રહેવાના ગાળામાં સરકાર ફ્રી સ્કૂલ મીલ્સ માટે ભંડોળ આપવાનું ચાલુ રાખશે.
શાળાઓ ખોલવા મુદ્દે કેબિનેટમાં મતભેદ હતો પરંતુ, જ્હોન્સને ભારપૂર્વક કહ્યું હતું કે વધુ સમય શાળાઓ બંધ રાખવાથી દેશના વંચિત અને અસુરક્ષિત લોકોના વેક્સિનેશન માટે પૂરતો સમય મળી રહેશે. વધુ સમય શાળાઓ બંધ રાખવાનો અર્ત એ છે કે ગત વર્ષના માર્ચથી કોરોના મહામારીથી સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓમાં માત્ર ૭૩ દિવસનું જ શિક્ષણ આપી શકાશે. આ નિર્ણયથી લાખો વિદ્યાર્થીઓ ઉપરાંત, તેમના પેરન્ટ્સને પણ અસર થવાની છે. હાલ ચાવીરુપ વર્કર્સના સંતાનો જ શાળાએ જઈ શકે છે.
જ્હોન્સને જણાવ્યું છે કે અત્યાર સુધી ૬.૮ મિલિયન એટલે કે વસ્તીના ૧૩ ટકા વયસ્કોને વેક્સિન આપી દેવાયું છે અને NHS ૧૫ ફેબ્રુઆરી સુધીમાં સૌથી અસલામત ચાર ગ્રૂપ્સને વેક્સિનેશનમાં આવરી લેવાના લક્ષ્યાંકને પહોંચી વળવાના માર્ગે છે.
૧.૩ મિલિયન લેપટોપ-ટેબલેટ્સ વહેંચાશે
શાળાઓ બંધ છે ત્યારે સરકાર રિમોટ લર્નિંગમાં મદદ માટે વધુ ૧.૩ મિલિયન લેપટોપ, ટેબલેટ્સ અને રાઉટર્સની વહેંચણી કરશે. એજ્યુકેશન સેક્રેટરીએ ટાઈમ્સ રેડિયોને જણાવ્યું હતું કે લેપટોપ, ટેબલેટ્સ અને રાઉટર્સની વહેંચણી વંચિત વિદ્યાર્થીઓ માટે સલામતીની જાળી બની રહેશે. શાળાઓમાં ૨.૯ મિલિયન લેપટોપ્સ અને ટેબલેટ્સની વ્યવસ્થા છે જેમાં ૧.૩ મિલિયનનો વધારો કરવામાં આવશે. ગત સપ્તાહોમાં ૭૫૦,૦૦૦ સાધનો મોકલી અપાયા છે અને આ સપ્તાહે વધુ ૫૦,૦૦૦ સાધન મોકલાશે.