લંડનઃ બ્રિટનના સૌથી કુખ્યાત ધર્મોપદેશક અબુ હમઝાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના તેના આતંકી સંપર્કોએ ૯/૧૧ હુમલાની તેને ચાર દિવસ અગાઉ જાણ કરી હતી. ટૂંક સમયમાં જ કોઈ મોટી ઘટના બનશે તેવી તેને જાણ કરાઈ હતી.
હમઝાએ આ સંદેશાનું અર્થઘટન અમેરિકા પર આતંકી હુમલા વિશે કર્યું હતું. તે માને છે કે તે વખતે વેસ્ટ લંડનના તેના નિવાસસ્થાને આવેલો ફોન કોલ પોલીસે ટેપ કર્યો હતો. આ ચેતવણીની બ્રિટિશ સત્તાવાળાઓને જાણ હતી કે કેમ અને અલ કાયદાએ સપ્ટેમ્બર ૨૦૦૧માં અપહરણ કરેલા જેટ વિમાનો ન્યૂયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોનમાં ઘૂસાડ્યા તે અગાઉ તેમના અમેરિકી સમકક્ષોને જાણ કરવામાં નિષ્ફળ ગયા તેવા પ્રશ્રો હમઝાના દાવાને લીધે ઉભા થયા છે.
અમેરિકાની કોર્ટમાં રજૂ કરાયેલા પેપર્સમાં આ ફોન કોલની વિગતો છે. તેમાં એવું પણ દર્શાવાયું છે કે અબુ હમઝા ડેમસન બેરીના કોડ નેમ સાથે MI5અને સ્પેશિયલ બ્રાન્ચના એજન્ટ તરીકે કામ કરતો હતો.
નોર્થ લંડનની ફિન્સબરી પાર્ક મસ્જિદના પૂર્વ ઈમામે આતંકવાદી ગુનામાં ગુનેગાર ઠેરવાયો તેની સામે અને અમેરિકાની સુપરમેક્સ જેલમાં તેને અમાનવીય રીતે કેદ કરવા સામે અપીલ કરી છે.
ભાંગીતૂટી ઈંગ્લિશમાં ૧૨૪ પાનની હસ્તલિખિત રજૂઆતમાં અબુ હમઝાએ જણાવ્યું હતું કે ૯/૧૧ પછી તેને એકલો પાડી દેવાયો અને સજા કરાઈ છે.
અબુ હમઝાએ અલ કાયદાના સભ્યનો ફોન આવ્યો હોવાનું નકાર્યું હતું. પરંતુ, આ સમાચાર મોટાપાયે ફેલાઈ ગયા હોવાનું અને બધાએ પોતાના મિત્રોને ફોન કર્યા હોવાનું કહીને ઉમેર્યું હતું કે ઘણાં દેશોની ઈન્ટેલીજન્સ (એજન્સીઓ)ને તેની જાણ હશે.