લંડનઃ બ્રિટનના વિઞ્જાની રિચર્ડ બ્રાઉનિંગે બિલકુલ એવો જ સૂટ બનાવ્યો છે, જે પહેરતાં જ માનવીમાં ઊડી શકવાની ક્ષમતા આવી જશે. ફિલ્મ ‘આયર્નમેન’માંથી પ્રેરણા લઈને વિઞ્જાની બ્રાઉનિંગે આ ખાસ સૂટ બનાવ્યો છે. એક વીડિયોમાં આ ડ્રેસની ક્ષમતા પણ તેમણે પ્રદર્શિત કરી છે. એ વીડિયોમાં ડ્રેસ પહેરીને તેઓ ઊડતા જોવા મળે છે. તેમણે પોતાના હાથ અને પીઠ પર નાનકડું રોકેટ એન્જિન લગાવ્યું છે. તેને કારણે જ તેઓ ઊડી શકે છે.
તેમનું માનવું છે કે આ એન્જિનની શક્તિ વધારીને માનવી વધુ ઊંચાઈએ ઊડતો થઈ શકે એમ છે. આ એક પ્રકારનું થ્રસ્ટર એન્જિન છે. આ દરમિયાન તેમણે એ ડ્રેસ પહેરીને હવામાં એક ચક્કર મારવા સાથે થોડું અંતર પણ કાપ્યું હતું.
બ્રાઉનિંગે જણાવ્યું હતું કે કેટલાય પ્રકારના પ્રયોગ પછી તેમણે આ સૂટ બનાવ્યો છે. આ સફળ પ્રયોગ બાદ તેમને પ્રતિષ્ઠિત TED કોન્ફરન્સમાં આમંત્રણ મળ્યું હતું. કેટલીય વખત નિષ્ફળતા મળ્યા બાદ તેમણે આ સૂટ બનાવવામાં સફળતા મેળવી છે. કેટલીય વખત ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન તેઓ ઊડતા ઊડતા પટકાયા પણ હતા. જોકે આ સૂટમાં રોકેટ એન્જિનને બાંધવા માટે હાથ અને પીઠને ખૂબ જ મજબૂત રાખવી પડે છે. તેમણે પહેલી વખત ૬ સેકન્ડનું સફળ ઉડ્ડયન કર્યું. તે પછી ઉડ્ડયનનો સમય લાંબો થતો ગયો હતો. સૂટની શોધ કર્યા બાદ ઊડવા જતાં ઘણી વખત તેઓ જમીન પર પટકાયા હતા અને તેમાં તેમને ઈજા પણ થઈ હતી. આખરે, મહેનત રંગ લાવી અને હવે આ ડ્રેસને પહેરીને ઊડી શકાય છે.
આ પ્રોજેક્ટને આગળ વધારવાનું કામ બ્રાઉનિંગની સ્ટાર્ટઅપ કંપની ગ્રેવિટી કરી રહી છે. તેમાં બ્રિટિશ સેના ઉપરાંત બીજા રોકાણકારો પણ રસ લઈ રહ્યા છે.
મગજ - શરીર વચ્ચે તાલમેલ
આ ખાસ સૂટની શોધ કરનારા રિચર્ડ બ્રાઉનિંગ એથ્લીટ છે અને તેઓ વ્યવસાયે એન્જિનિયર છે. તેમનું કહેવું છે કે માનવીનું મગજ અને શરીર સાથે મળીને કામ કરે તો કંઈ પણ કરી શકાય છે. કેટલીય કંપનીઓ તેમનો સંપર્ક કરી રહી છે.