લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ‘Act FAST’ રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનના ભાગરુપે શ્રેણીબદ્ધ ટુંકી ફિલ્મો તૈયાર કરવામાં આવી છે. ઈલિંગના જશવંત નાકરે તેઓ સ્ટ્રોકમાંથી કેવી રીતે બચી શક્યા તેનું વર્ણન એમર્ડેલના અભિનેતા ભાસ્કર પટેલની સાથે કર્યું છે. ડો. શ્રીમાન એન્ડોલે ચહેરો, હાથ અને સ્પીચ સંબંધિત સ્ટ્રોકની ત્રણ મુખ્ય નિશાની જણાવી છે. જો આ ત્રણ જગ્યાએ કોઈ વિચિત્રતા જોવા મળે તો ઝડપથી પગલું ભરી 999 ને કોલ કરી તે વ્યક્તિનું જીવન બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકાય તેવો સંદેશ આ ફિલ્મો આપે છે.
આવી એક ફિલ્મમાં સ્ટ્રોકમાંથી બચી જનારા જશવંત નાકર કહે છે, ‘મારી પત્નીના ઝડપી પગલાએ મારું જીવન બચાવ્યું છે. એક સાંજે ટીવી જોતા મારું બોલવાનું અસ્પષ્ટ થતું હતું એટલે કે જીભ લથડતી હતી તે જોઈ મારી પત્નીને તત્કાળ તબીબી મદદ લેવી જરૂરી લાગતાં મને હેમરસ્મિથ હોસ્પિટલ લઈ જવાયો હતો. મારી પત્ની હાજર ન હોત તો મેં આને ગણકાર્યું ન હોત અને આરામ કરવા જતો રહ્યો હોત. આજે ત્રણ વર્ષ પછી પણ હું સ્વસ્થ છું અને જીવનના દરેક દિવસનું મૂલ્ય સમજું છું. તમારે પણ સ્ટ્રોકની નિશાનીઓ સમજવી જોઈએ. જો તમને અથવા અન્યને ચહેરા પર નબળાઈ, હાથમાં નબળાઈ અથવા બોલવામાં જીભ લથડવાની સમસ્યા હોય તેવી વ્યક્તિ તમારા ધ્યાનમાં આવે તો જરા પણ વિલંબ કર્યા વિના 999 ને કોલ કરશો. આનાથી એક જીવન બચી જશે, જેવું મારું જીવન બચ્યું છે.’
યુકેમાં મોત માટેના સૌથી મોટા કારણોમાં સ્ટ્રોક ચોથા ક્રમે છે અને સ્ટ્રોક માટે જવાબદાર ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર પરિબળોનું પ્રમાણ વધુ હોવાથી શ્વેત લોકોની સરખામણીએ સાઉથ એશિયનોમાં સ્ટ્રોકનું જોખમ વધુ રહે છે. તાજા આંકડા અનુસાર સ્ટ્રોકથી વર્ષે ૪૦,૦૦૦થી વધુ લોકો મોતને ભેટે છે અને બે તૃતીઆંશ જેટલા લોકો કોઈ ડિસેબિલિટી સાથે હોસ્પિટલ છોડે છે.