આ વર્ષના એવોર્ડ્ઝ વિજેતાઅોમાં હનીફ કુરેશી CBEને 'મીડીયા આર્ટ્સ અને કલ્ચર', બુહુ.કોમના સહસ્થાપક મહમુદ કામાનીને 'બિઝનેસ પર્સન અોફ ધ યર', બ્રિટનમાં પ્રોફેશનલ ક્રિકેટ રમતા બ્રિટીશ પાકિસ્તાની યુવાન ક્રિકેટર વાસીમ ખાન MBEને 'એચિવમેન્ટ ઇન કોમ્યુનિટી સર્વિસ' એવોર્ડ્ઝ એનાયત કરાયો હતો.
બ્રિટનના વિવિધ વ્યવસાય, વેપાર તેમજ ઉદ્યોગ ગૃહો સાથે સંકળાયેલા અને સોનેરી સફળતા હાંસલ કરનાર તેજસ્વી તારલાઅોની સફળતાની સરાહના કરતા આ એવોર્ડ સમારોહમાં ગત વર્ષે 'લા લા લા' નામના હીટ ગીતથી વિખ્યાત થયેલા મ્યુઝીક પ્રોડ્યુસર 'નોટી બોય' ઉર્ફે શાહીદ ખાનને એડિટર્સ એવોર્ડ ફોર રાઇઝીંગ સ્ટાર એવોર્ડ એનાયત કરાયો હતો. અફઘાનીસ્તાનમાં મોતને ભેટેલા સ્વર્ગસ્થ ફ્લાઇટ લેફટનન્ટ શ્રી રાકેશ ચૌહાણને 'એડિટર્સ એવોર્ડ ફોર બ્રેવરી અને પેટ્રીઅોટીઝમ' એનાયત કરાયો હતો જે તેમના પરિવારજનોએ સ્વીકાર્યો હતો.
આ પ્રસંગે રાકેશ ચૌહાણના ૬૧ વર્ષના પિતા શ્રી કિશોર ચૌહાણે ગદગદીત થતાં જણાવ્યું હતું કે 'આ એવોર્ડ મેળવતા હું ગર્વની લાગણી અનુભવું છું. મારા માટે આ સ્વીકારવું મુશ્કેલ છે પરંતુ રાકેશે તેના ટૂંકા જીવનમાં જે મેળવ્યું તે બદલ હું પિતા તરીકે હું ગર્વ અનુભવું છું અને એટલે જ આ એવોર્ડરૂપી માન્યતા સ્વીકારવા હું ઉપસ્થિત રહ્યો છું.'
યુવાન પાયલોટ રાકેશ ચૌહાણની સાથે ઇન્ટેલીજન્ટ કોર્પ્સના નોન કમિશન્ડ અોફિસર લાન્સ કોર્પોરલ અોલિવર થોમસ, કેપ્ટન થોમસ ક્લાર્ક, વોરંટ અોફિસર ક્લાસ ટુ સ્પેન્સર ફકનર અને આર્મી એર કોર્પ્સના કોર્પોરલ જેમ્સ વોલ્ટર્સ પણ શહીદીને વર્યા હતા. ૨૯ વર્ષના શહીદ રાકેશ ચૌહાણની અંતિમયાત્રામાં લગભગ ૧,૦૦૦ કરતા વધારે લોકો અંજલિ અર્પણ કરવા લેસ્ટરની શેરીઅોમાં હરોળબંધ ઉપસ્થિત રહ્યા હતા.
એશિયન એચિવર્સ એવોર્ડ્ઝના સ્થાપક અને ચેરમેન શ્રી સીબી પટેલના વરદ હસ્તે એડિટર્સ એવોર્ડ સ્વીકારતા 'નોટી બોય' શાહીદ ખાને જણાવ્યું હતું કે 'મારા વડિલ જેવા અગ્રણી એશિયન્સ પાસેથી આવો પ્રતિષ્ઠીત એવોર્ડ સ્વીકારતા હું ગૌરવ અનુભવુ છું. એક બ્રિટીશ પાકિસ્તાની તરીકે હું ગર્વ અનુભવું છું અને એશિયન સમુદાય વતી અહિં ઉપસ્થિત રહેતા મને આનંદ થાય છે. હું બોલિવુડની ફિલ્મો જોતા મોટો થયો છું જ્યાં સંગીત, ગીતો અને અદ્ભૂત નૃત્યોનું આધિપત્ય છે અને તે ગુણ જ મને આજે સંગીત રજૂ કરવા પ્રેરી રહ્યા છે. જો કે તે માટે મારે સખત મહેનત કરવી પડે છે અને આ માટે મારા પરિવારજનો અને મિત્રો તરફથી મને જે સહકાર મળે છે તે માટે હું નસીબદાર છું.'
પોતાની જાતે જ પ્રગતિનો પથ કંડારનાર શાહીદ ખાનને ૨૦૦૫માં ધ પ્રિન્સેસ ટ્રસ્ટ તરફથી £૫,૦૦૦ની ગ્રાન્ટ અપાઇ હતી અને તેજ વર્ષે ચેનલ ફોરના 'ડીલ અોર નો ડીલ' કાર્યક્રમમાં તે £૪૪,૦૦૦ જીત્યો હતો જેનાથી તેને સંગીતના સાધનો વસાવ્યા હતા.
૨૯ વર્ષના આ પ્રતિભાવંત કલાકારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી મેળવનાર એમેલી સેન્ડ, ચિપમંક, ટીની ટેમ્પાહ, કેટી પેરી અને તાજેતરમાં જ 'વન ડાયરેક્શન'ના ઝાયન મલિક સાથે કામ કરી ચૂક્યો છે અને હવે પોતાની આગવી 'નોટી બોયઝ રેકોર્ડીંગ' કંપની સંભાળે છે.
આ એવોર્ડ્ઝ સમારોહને સંબોધન કરતા મુખ્ય મહેમાન શ્રી ફિલીપ હેમન્ડે જણાવ્યું હતું કે 'બ્રિટિશ એશિયન્સ દ્વારા આપણા રોજબરોજના જીવનમાં ઘણા બધા ક્ષેત્રે સરાહના કરવી પડે તેવું યોગદાન આપવામાં આવે છે. ચાહે તે રમત ગમત હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર, શિક્ષણ, જાહેર સેવા કે પછી સામુદાયીક જીવન હોય. પણ મોટે ભાગે નાટકીય રીતે વેપાર ક્ષેત્રે અને વ્યવસાય ક્ષેત્રે બ્રિટીશ એશિયન સમુદાય દ્વારા સિમાચિહ્ન સ્વરૂપે સફળતા મેળવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી ડેવિડ કેમરને મને વિશેષ રીતે આ સફળતા બદલ આપ સૌને અભિનંદન આપવા જણાવ્યું છે.'
ભારતના હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇએ જણાવ્યું હતું કે 'અમે ભારતીયો ચાહે ગમે તે સંસ્કૃતિના હોઇએ કે પછી ક્ષેત્રના અમે હંમેશા કહીએ છીએ કે માત્ર યોગ્યતા અને સખત મહેનત જ નહિં પણ એક એવું પરિબળ છે જે કોઇક વખત અદ્રશ્ય રીતે મદદ કરી જાય છે. એક અમેરિકન અભિનેતાનું વિખ્યાત સુવાક્ય છે કે 'માણસ એવોર્ડ્ઝ આપે છે, જ્યારે ભગવાન રીવોર્ડ્ઝ આપે છે'. આ દેશમાં અહિના સ્થાનિક સમુદાય દ્વારા ભારતીયોના યોગદાનની જે સરહાના કરવામાં અવી છે તેને કારણે તો આજે આ દેશના ફોરેન સેક્રેટરી આપણું સન્માન કરી રહ્યા છે.' એબીપીએલ ગૃપના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે પોતાના ખૂબ જ ટૂંક સંબોધનમાં જણાવ્યું હતું કે 'આ વર્ષે એશિયન એચિવર્સ એવોર્ડ્ઝના અમારા વિજેતાઅોએ ખરેખર સાચા અર્થમાં નોંધપાત્ર સફળતા અને સિધ્ધીઅો હાંસલ કરી છે અને તે મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. સફળતાને વરેલા આ અદ્ભૂત વ્યક્તિઅો આગામી પેઢી માટે રોલ મોડેલ સાબીત થશે તેમાં બે મત નથી.'
એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ દ્વારા એવા તેજસવી તારલાઅોનું સન્માન કરવામાં આવે છે જેમણે પોતાના ક્ષેત્રમાં બેહદ સફળતાઅો હાંસલ કરી છે. ૧૪ વર્ષ અગાઉ એવોર્ડ્ઝની સ્થાપના કરાઇ ત્યારથી અત્યાર સુધીમાં લાખ્ખો પાઉન્ડની રકમ એકત્ર કરી વિવિધ ચેરીટીને અર્પણ કરવામાં આવી છે. આ વર્ષે એવોર્ડ સમારોહમાં પસંદ કરાયેલી ચેરટી 'શેરી બ્લેર ફાઉન્ડેશન ફોર વીમેન' હતી.
એશિયન એચિવર્સ એવોર્ડઝ – ૨૦૧૪ના વિજેતાઅો
૧. બિઝનેસ પર્સન અોફ ધ યર એવોર્ડ: મહમુદ કામાની (સહસ્થાપક – બુહુ.કોમ)
૨. એન્ટરપ્રુનર અોફ ધ યર: ડો. રીચી નંદા(એક્ઝીક્યુટીવ ચેરમેન, ધ શિલ્ડ ગૃપ, યુકેના ટોચના સ્વતંત્ર ટોટલ સિક્યુરીટી સોલ્યુશન પ્રોવાઇડર)
૩. સ્પોર્ટ્સ પર્સનાલીટી અોફ ધ યર: દિલાવર સિંઘ MBE (સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ગ્લાસગો - ઇલેક્ટેડ ડાયરેક્ટર)
૪. યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ: નાઝીર અફઝલ OBE
૫. મીડીયા આર્ટ્સ એન્ડ કલ્ચર: હનીફ કુરેશી CBE (નાટ્ય લેખક, નવલકથાકાર, ફીલ્મ નિર્માતા)
૬. વુમન અોફ ધ યર: પ્રિયા લાખાણી OBE
૭. એચિવમેન્ટ ઇન કોમયુનિટી સર્વિસ: વાસીમ ગુલઝાર ખાન MBE (ચિફ એક્જીક્યુટીવ, ધ ક્રિકેટ ફાઉન્ડેશન અને CEO ચાન્સ ટુ શાઇન)
૮. પ્રોફેશનલ અોફધ યર: પ્રો. સર તેજીન્દર સિંઘ વિરડી FRS (એક્સપેરિમેન્ટલ ફીજીસીસ્ટ અને ફીજીક્સના પ્રોફેસર, ઇમ્પીરીયલ કોલેજ)
૯. એડિટર્સ એવોર્ડ ફોર રાઇઝિંગ સ્ટાર: શાહીદ ખાન 'નોટી બોય'
૧૦. એડિટર્સ એવોર્ડ ફોર બ્રેવરી અને પેટ્રીઅોટીઝમ: ફ્લાઇટ લેફટનન્ટ શ્રી રાકેશ ચૌહાણ (અફઘાનીસ્થાનમાં મોતને ભેટેલા આરએએફના અધિકારી)