લંડનઃ સ્કોટલેન્ડના લેનાર્કમાં ૨૭ ઓગસ્ટ ગુરુવારે પશુઓની હરાજીમાં ડબલ ડાયમન્ડ નામના છ મહિનાના ઘેટાનું ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં વેચાણ થતાં તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું બની ગયું છે. બીજા નંબરના ઘેટા હેક્સેલ જેન્ગોની હરાજી ૬૮,૦૦૦ પાફન્ડમાં થઈ હતી. યુકેમાં ઘેટાના વેચાણનો અગાઉનો રેકોર્ડ ઓગસ્ટ ૨૦૦૯ની હરાજીમાં ૨૩૧,૦૦૦ પાઉન્ડનો હતો.
ગુજરાતના ધોળકા નજીક વૌઠા ગામે ભરાતા પશુમેળામાં લોકો ગધેડા, ઘોડા, ઊંટ, ઘેટા-બકરાં જેવા પશુઓની લે-વેચ કરવા આવે છે. આ જ રીતે સ્કોટલેન્ડના લેનાર્કમાં સ્કોટિશ નેશનલ ટેક્સેલ વેચાણમાં ઘેટાંની હરાજી લોકપ્રિય છે. હરાજીમાં ૧૦,૫૦૦ પાઉન્ડથી વધુ કિંમતના ૧૯ ઘેટાંની હરાજી કરાઈ હતી પરંતુ, ડબલ ડાયમન્ડની હરાજીમાં બોલીનો રીતસરનો જંગ જામ્યો હતો. ચેશાયરના સ્ટોકપોર્ટમાં સ્પોર્ટસમેન્સ ફ્લોકમાંથી જાણીતા બ્રીડર ચાર્લી બોડેન દ્વારા વેચાણમાં મૂકાયેલા છ મહિનાના ઘેટાની ૩૬૫,૦૦૦ પાઉન્ડ કિંમત ઉપજવા સાથે તે વિશ્વનું સૌથી મોંઘું ઘેટું બની ગયું છે. યુકેમાં ઘેટાંઉછેર માટે નેધરલેન્ડ્સના ટેક્સેલ ટાપુના પશુપાલકો વધુ લોકપ્રિય છે. સામાન્યતઃ માંસ માટે મેળવાતા ઘેટાંની કિંમત ૧૦૦ પાઉન્ડ જેટલી હોય છે પરંતુ, બ્રીડિંગ માટે ઉછેરાતાં ઉચ્ચ ગુણવત્તા-નસ્લના મદમસ્ત મેઢાં (ઘેટાં)ની કિંમત ઘણી મળે છે.
ડબલ ડાયમન્ડની બોલી પણ ૧૦,૫૦૦ પાઉન્ડ (૧૦,૦૦૦ ગિનિ)થી શરુ કરાઈ હતી પરંતુ, બોલીયુદ્ધમાં તે વધતી જ ગઈ હતી. આખરે, ત્રણ ફાર્મરની ભાગીદારીમાં તેને ૩૬૫,૦૦૦ પાઉન્ડમાં ખરીદી લેવાયું હતું. અગાઉ, ઓગસ્ટ ૨૦૦૯માં લેનાર્ક માર્કેટમાં આઠ મહિનાના ઘેટા ‘ડેવરોનવેલ પરફેક્શન’નું વેચાણ સૌથી વધુ ૨૩૧,૦૦૦ પાઉન્ડમાં થયું હતું, જે યુકેમાં બીજા ક્રમની સૌથી ઊંચી કિંમત છે. આ પછી, ઓગસ્ટ ૨૦૧૪માં ‘વિસિયસ સિડ’ નામે આઠ મહિનાનું ઘેટું સૌથી વધુ ૧૫૨,૦૦૦ પાઉન્ડમાં વેચાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પશુબજારમાં ઘોડા કે ઘેટા સહિતના પશુઓનું વેચાણ પરંપરાગત ગિનિ ચલણમાં થાય છે. એક ગિનિનું મૂલ્ય આશરે ૧.૦૫ પાઉન્ડ થાય છે.