લંડનઃ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ડિસ્ટ્રીક્ટ જજે અંગત લાભ માટે જંગી રકમના બનાવટી સોદા દ્વારા સ્ટોકમાર્કેટને અસ્થિર કરવાના આરોપી નવિન્દર સરાઓને અદાલતી કાર્યવાહી માટે અમેરિકા મોકલવા ત્યાંના સત્તાવાળાને સોંપવાનો આદેશ કર્યો હતો. અમેરિકામાં ૩૭ વર્ષીય સરાઓ પર શેરબજારમાં છેતરપિંડી સંબધિત ૨૨ આરોપ મુકાયા છે. તે ગુનેગાર પુરવાર થાય તો તેને મહત્તમ ૩૮૦ વર્ષની સજા થઈ શકે. તેને અમેરિકા મોકલવો કે કેમ તેનો નિર્ણય હોમ સેક્રેટરી બે મહિનામાં લેશે.
ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે તા. ૬ મે, ૨૦૧૦ના રોજ સરાઓએ બેઈમાનીપૂર્વક એસ એન્ડ પી ફ્યૂચર્સ કોન્ટ્રાક્ટસ માટે જંગી રકમના બનાવટી સોદા કર્યા હતા. શેરબજારને અસ્થિર કરવામાં તેનો પણ હાથ હતો. તે દિવસે ડાઉ જોન્સમાં ૧,૦૦૦ પોઈન્ટનો કડાકો બોલાયો હતો. બચાવપક્ષના વકીલ રિચાર્ડ એગને દલીલ કરી હતી કે ઈંગ્લિશ કાયદા હેઠળ સ્પૂફિંગ ગુનો નથી. એગને જણાવ્યું કે તેઓ આ ચુકાદા સામે અપીલ કરશે.
પ્રત્યાર્પણના આદેશ સામે એક વર્ષથી ચાલતી કાનૂની લડાઈ હારી ગયેલા સરાઓએ કોર્ટને જણાવ્યું હતું કે તેણે કશું જ ખોટું કર્યું નથી. કોર્ટે સરાઓ નિર્દોષ છે કે ગુનેગાર તેની નહિ પરંતુ તેને ટ્રાયલ માટે અમેરિકા મોકલી શકાય કે નહિ તેની સુનાવણી કરી હતી.
૨૦૦૩ની નવી પ્રત્યાર્પણ સંધિ મુજબ અમેરિકાએ જે તે વ્યક્તિનો ગુનો પુરવાર કરવાને બદલે તે ગુનાઈત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવા અંગે વાજબી શંકા વ્યક્ત કરવાની રહે છે.