અમદાવાદઃ રાજ્ય સરકારે વિધાનસભામાં નોંધણી સુધારા વિધેયક, ૨૦૧૮ પસાર કર્યું છે. જેથી વિદેશવાસી ગુજરાતીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે. સરકારે રાજ્યમાં કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત કરી છે. એનઆરઆઈ ગુજરાતમાં પોતાની જમીન કે મિલકતના પાવર ઓફ એટર્ની અન્ય વ્યક્તિને આપીને કે મોકલાવીને દસ્તાવેજની નોંધણી કરાવી શકતા હતા, પણ હવે અન્ય દેશોમાંથી પાવર ઓફ એટર્ની મોકલીને દસ્તાવેજ નોંધાવી શકશે નહીં. વિદેશવાસીઓએ દસ્તાવેજ માટે ફરજિયાત રાજ્યમાં હાજર રહેવું પડશે. એનઆરઆઈઓએ તેમની કે વડીલોપાર્જિત મિલકત માટે પ્રત્યક્ષ હાજર રહીને પાવર ઓફ એટર્નીનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
અત્યાર સુધી સામાન્ય રીતે એવી ઘટનાઓ બનવા પામતી હતી કે વિદેશવાસીઓ પોતાનો કબજો ધરાવતા હોય તેવી જમીન અથવા તો વારસાગત પ્રોપર્ટીઓ કે મિલકતના પાવર ઓફ એટર્નીના ઉલ્લેખ સાથેનું રજિસ્ટ્રેશન અન્યો દ્વારા કરાવતા આવ્્યા હતા. એ નિયમ મુજબ, ૪.૯૦ ટકા સ્ટેમ્પ ડયુટી ભરવાની આવતી હતી જ્યારે ૧ ટકો રજિસ્ટ્રેશન ફી વસૂલવામાં આવતી હતી જ્યારે કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત નહતી. જેથી રૂ. ૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરીથી પાવર ઓફ એટર્ની આપી દેવાતી હતી. અત્યાર સુધી એવું બનતું કે, વિદેશવાસીઓ મિલકત કે જમીનનું વેચાણ કરવાનું નક્કી કરતા ત્યારે વિદેશમાંથી પાવર ઓફ એટર્ની કરી તેમના સગા કે અન્ય કોઈને મિલકત અંગેના પાવર આપી દેતા હતા. જેના આધારે વેચાણ દસ્તાવેજોની નોંધણી થઈ શકતી નથી, પણ હવે રાજ્ય સરકારે કબજા સિવાયના પાવર ઓફ એટર્નીની નોંધણી પણ ફરજિયાત બનાવી છે. હવે કબજા વગરના પાવર ઓફ એટર્નીનું પણ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવાયું છે જેથી વિદેશવાસીઓએ વતનમાં આ પ્રકારના કબજા વગરના પાવર ઓફ એટર્ની પણ સબરજિસ્ટ્રાર કચેરીમાં જઇ રૂબરૂ નોંધણી કરાવવી પડશે. સરકારી અધિકારીઓનું માનવું છે કે, રાજ્યમાં જમીનના ભાવ વધ્યાં છે જેથી ખોટા પાવર ઓફ એટર્ની કરીને વિદેશવાસીઓને છેતરવામાં આવતા હતા તે થઈ શકશે નહીં. અધિકારીઓ માને છે કે એનઆરજીઓની મિલકતના બારોબાર વેચાણ દસ્તાવેજ પહેલાં થઇ જતા હતા. જેથી તેમની સાથે છેતરપિંડી થતી તે હવે બંધ થશે.
ગેરકાયદે વિદેશમાં વસતાની જમીનોના વેચાણમાં રોક લાગશે
ગેરકાયદે વિદેશ પહોંચ્યા હોય તેવા ગુજરાતીઓ સત્તાવાર ભારત પરત આવી શકે તેમ નથી. તેથી તેઓ તેમની માલિકીની જમીન કે મિલકતનો માત્ર નોટરી કરેલો પાવર ઓફ એટર્ની આપી વેચાણ દસ્તાવેજ કરી શકશે નહીં. માનવામાં આવે છે કે આ પ્રકારે ગેરકાયદે વિદેશમાં વસતા એનઆરઆઈઓની કરોડોની મિલકતોના વેચાણ અટકી જશે.