લંડનઃ પ્રિન્સેસ ડાયેનાના અકાળ અને કરુણ મૃત્યુને બે દાયકા થવા છતાં તેમની લોકપ્રિયતા અપાર રહી છે. ૩૧ ઓગસ્ટે પ્રિન્સેસનાં મૃત્યુની ૨૦મી વર્ષી છે ત્યારે શુભેચ્છકો અને શોકાતુરો તેમને પુષ્પો, બેનર્સ, અને કાર્ડ્સ દ્વારા શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે તેમના વેસ્ટ લંડન નિવાસની દક્ષિણે ધ ગોલ્ડન ગેટ્સ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ જ સ્થળે ૨૦ વર્ષ અગાઉ, પુષ્પો અને કાર્ડ્સના ડુંગરો છવાઈ ગયાં હતાં. ડ્યુક ઓફ કેમ્બ્રિજ અને પ્રિન્સ હેરી પણ આ જ પેલેસમાં રહે છે.
બ્રિટિશ શાહી પરિવારમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવનારાં પ્રિન્સેસ ડાયેનાનો જન્મ પહેલી જુલાઈ, ૧૯૬૧ના દિવસે ડાયેના સ્પેન્સર તરીકે થયો હતો. ૧૯૭૫માં તેમના પિતાને વારસામાં અર્લ સ્પેન્સરનું ટાઈટલ મળ્યા પછી તેઓ લેડી ડાયેના સ્પેન્સર તરીકે ઓળખાવાં લાગ્યાં હતા. તેમનાં લગ્ન બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સ સાથે ૨૯ જુલાઈ,૧૯૮૧ના દિવસે થયાં હતાં. આ લગ્નજીવનમાં તેઓ બે સંતાન પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીની માતા બન્યાં. જોકે, ડાયેના અને ચાર્લ્સનું લગ્નજીવન ભાંગી પડ્યું હતું અને ડિસેમ્બર ૧૯૯૨માં તેઓ અલગ થયાં હોવાની જાહેરાત બ્રિટિશ પાર્લામેન્ટમાં કરવામાં આવી હતી. આખરે, ૧૯૯૬માં તેમના ડાઈવોર્સ પણ થઈ ગયાં હતાં. પેરિસમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં ગંભીર ઈજાના પરિણામે ૩૧ ઓગસ્ટ, ૧૯૯૭ના દિવસે પ્રિન્સેસ ડાયેનાએ માત્ર ૩૬ વર્ષની વયે ફાની દુનિયાનો ત્યાગ કર્યો હતો.
વ્યાપક લોકપ્રિયતા અને વૈશ્વિક માનવતાવાદી કાર્યોના પરિણામે તેઓ લોકોમાં ‘પીપલ્સ પ્રિન્સેસ’ તરીકે પણ ઓળખાતાં હતાં. પ્રિન્સ ચાર્લ્સ સાથેના વિચ્છેદ પછી પણ પ્રિન્સેસની લોકપ્રિયતામાં કોઈ ફેર પડ્યો ન હતો. તેમણે સંતાનોના ઉછેર અને યુદ્ધગ્રસ્ત અંગોલામાં છવાયેલી લેન્ડ માઈન્સના જોખમો વિશે જાગૃતિ કેળવવાના પ્રયાસો સાથે સખાવતી કાર્યોમાં પણ રસ લેવા માંડ્યો હતો. ઈજિપ્શિયન ફિલ્મ પ્રોડ્યુસર અને પ્લેબોય ડોડી ફાયેદ સાથે તેમના સંબંધોએ ભારે ચકચાર જગાવી હતી. પેરિસની મુલાકાત દરમિયાન પાપારાઝીઓથી પીછો છોડાવવાં જતાં આ યુગલને ગંભીર અકસ્માત નડ્યો હતો. જેમાં ફાયેદ અને ડ્રાઈવરે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે પ્રિન્સેસ ડાયેના થોડા કલાકો પછી મોતને ભેટ્યાં હતાં.