લંડનઃ હોમ ઓફિસના જણાવ્યા મુજબ ગયા વર્ષે વિદેશથી વિદ્યાર્થી, વર્કર અથવા વિઝિટર તરીકે બ્રિટન આવેલા આશરે 40,000 લોકોએ રાજ્યાશ્રયની માગણી રાખી છે. આશરે 10,000 લોકો કરદાતાના નાણા થકી હોટેલ્સ અથવા અન્ય સરકારી રહેઠાણોમાં વસી રહ્યા છે.
તેમને બેનિફિટ્સની જરૂર નથી અને તેમની લિવિંગ કોસ્ટને પહોંચી વળવા પૂરતા નાણા હોવાની વિઝાની શરત સાથે તેમણે બ્રિટનમાં પ્રવેશ મેળવ્યો હતો. આનો અર્થ એવો થાય છે કે યુકેમાં કાયમી વસવાટ મેળવવાના છૂપા માર્ગ તરીકે વિઝા સિસ્ટમનો દુરુપયોગ કરાઈ રહ્યો છે.હોમ ઓફિસે જણાવ્યું છે કે વિઝાની મુદત પૂર્ણ થયા પછી પણ દેશમાં રોકાઈ જનારા લોકોની સંખ્યા એસાઈલમ માગનારાની 40 ટકા જેટલી થવા જાય છે, વિઝા ઓવરસ્ટેયર્સને દેશપાર કરવામાં આવશે તેવી ચીમકી અપાઈ છે.
• બિન્સ હડતાળ તોડવા છટણીનું શસ્ત્ર ઉગામાશે
લંડનઃ બર્મિંગહામ સિટી કાઉન્સિલે વર્તમાન બિન હડતાળનો અંત લાવવાના પ્રયાસ તરીકે આગામી સપ્તાહથી ફરજિયાત છટણીઓ માટે કન્સ્લ્ટેશન પ્રક્રિયા આરંભશે. સ્થાનિક સત્તામંડળે જાહેર કર્યું હતું કે આ નિર્ણય ખેદજનક છે પરંતુ, તેણે જાહેર ક્ષેત્રીય યુનિયન યુનાઈટને ઘણી સારી ઓફર કરી હતી. બીજી તરફ, યુનિયને આ પગલાને વર્કર્સ સાથે દાદાગીરી સમાન ગણાવ્યું હતું. કચરા રિસાઈકલિંગ અને કલેક્શન ઓફિસરની ભૂમિકા બંધ થવા બાબતે હડતાળ સર્જાઈ હતી. યુનિયનની દલીલ છે કે 50 કર્મચારીએ વાર્ષિક 8000 પાઉન્ડ ગુમાવવા પડશે. જોકે, કાઉન્સિલ કહે છે કે વર્તમાન ઓફર સાથે કોઈને નાણા ગુમાવવા નહિ પડે. મૂકાયેલી ઓફર્સ નકારનારાએ ફરજિયાત છટણીનો સામનો કરવો પડશે.
• બ્રિટિશ સ્ટીલનું રાષ્ટ્રીયકરણ કરવાની માગ
લંડનઃ ચાઈનીઝ માલિકો જિન્ગ્યે દ્વારા તેના સ્કનથોર્પે પ્લાન્ટ ખાતે બ્લાસ્ટ ફર્નેસીસ બંધ કરવા મુદ્દે કન્સલ્ટેશનની જાહેરાત કરાયા પછી સરકારને કોઈ સોદો ન થાય તો બ્રિટિશ સ્ટીલનું રાષ્ટ્રીયકરણ કરી દેવા અનુરોધ કરાયો છે. આ પ્લાન્ટની ફર્નેસીસ બંધ થવાથી હજારો નોકરીઓ ગુમાવાનો ભય છે. પ્લાન્ટ બંધ કરાય તો 160 વર્ષના ઉત્પાદન પછી સ્કનથોર્પેમાં સ્ટીલ ઉત્પાદન બંધ થઈ જશે. સ્ટીલ ઉત્પાદન માટે નવી ઈલેક્ટ્રિક ફર્નેસીસ લગાવવા સરકારે 500 મિલિયન પાઉન્ડની સહાયની કરેલી ઓફરને કંપનીએ ફગાવી દીધી હતી.ઈન્ડસ્ટ્રીની સંસ્થા યુકે સ્ટીલે ચેતવણી આપી છે કે સ્ટીલ ઉત્પાદન પ્લાન્ટ બંધ થવાની અસર રેલ, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બાંધકામ ક્ષેત્રો માટે આવશ્યક હેવી અને હળવાં સેક્શન્સને થશે. દેશને સ્ટીલ આયાત કરવાની ફરજ પડશે.
• સજાના નિયમોની ઉપરવટ જવા મિનિસ્ટરની ધમકી
લંડનઃ વંશીય લઘુમતી અપરાધીઓને કેવી રીતે સજા કરાવી જોઈએનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સરકારે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જજીસને સલાહ આપતી સંસ્થાની ઉપરવટ જવાની ધમકી આપી છે. જજીસ માટે મંગળવારથી અમલી થનારી નવી સૂચનાઓ સંદર્ભે પુનઃવિચારણા કરવા જસ્ટિસ સેક્રેટરી શબાના મહમૂદે કરેલી વિનંતી સેન્ટન્સિંગ કાઉન્સિલે નકારી કાઢ્યા પછી આ ફણગો ફૂટ્યો છે. મહમૂદે જણાવ્યું હતું કે ગાઈડલાઈન્સ કોર્ટ્સ દ્વારા અપરાધીઓ સાથે ભેદભાવયુક્ત વ્યવહાર તરફ દોરી જશે. દ્વિસ્તરીય ન્યાયના વિવાદને જન્મ આપનારા નિયમો અન્વયે જજીસ સજાનો નિર્ણય લેતા અગાઉ વંશીય લઘુમતી અપરાધીઓના જીવન અને અન્ય પશ્ચાદભૂની વિચારણા કરવાની શક્યતા છે.