લેસ્ટર ક્રાઉન કોર્ટે છ વર્ષની પુત્રીનું અપહરણ કરી ભારતના પંજાબની અકાલ એકેડેમી બોર્ડિંગ સ્કૂલમાં દેખીતી રીતે કેદી તરીકે રાખનારા ૭૫ વર્ષીય પિતા અમરજિત સિંહને સાડા ચાર વર્ષની જેલની સજા ફરમાવી છે. લફબરોના રહેવાસી અમરજિત તેની પુત્રીને માતા પાસેથી લઈ રોમાનિયા અને પછી પંજાબ ગયો હતો. જજે કહ્યું હતું કે પોલીશ મૂળની માતા અને પુત્રી પ્રત્યે અમરજિતનો વ્યવહાર ખરાબ હતો. તેનો પાસપોર્ટ જપ્ત કરાયો છે.
• બગડેલો ખોરાક ફેંકવા બદલ દંડ
લેસ્ટરના નાઈટનસ્થિત સ્પાઈસ બાઝાર રેસ્ટોરાંના માલિક અબ્દુલ ગિયાસ સામે શહેરની રીસાઈકલિંગ બેન્ક ખાતે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બગડેલાં ખાદ્યપદાર્થોની ૧૦૬ બેગ્સ ફેંકવા બદલ લેસ્ટર સિટી કાઉન્સિલે કાનૂની કાર્યવાહી કરી હતી. કોર્ટે ગિયાસને ૧૨ મહિનાની શરતી મુક્તિ આપવા સાથે ૧૨૫૦ પાઉન્ડ કાર્યવાહી ખર્ચ અને ૧૫ પાઉન્ડ સરચાર્જ ચુકવવા આદેશ કર્યો હતો. ગિયાસે દાવો કર્યો હતો કે આ બેગ્સ તેના બેકયાર્ડમાં કોઈ મૂકી ગયું હતું.
• શોપમાં કોહવાયેલા ઉંદર મળ્યા
લેસ્ટર સિટી કાઉન્સિલના હેલ્થ અધિકારીઓને વંશીય ગ્રોસરી શોપની તપાસ દરમિયાન મરેલા ઉંદરો કોહવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. લેસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે આરોગ્યને જોખમ દૂર ન થાય ત્યાં સુધી ગ્રીન લેન રોડ પરના સ્વસ્તિક ટ્રેડર્સના માલિકોને ખાદ્યપદાર્થો વેચવાની મનાઈ ફરમાવી હતી. દુકાનમાં લોટ, ચોખાની ગુણો, તેલના ડબા અને ફૂડ ટિન્સ તેમજ ફળો અને શાકભાજી રખાયાં હતાં. તપાસમાં સ્ટોરેજ એરિયાના બારણાં બરાબર બંધ થાય તેવાં ન હતાં. વેપારી પી.ખુંટીએ તપાસના તારણો સ્વીકાર્યા હતા. કોર્ટે તેને પ્રતિબંધ આદેશ ઉપરાંત, ૧૦૦૪ પાઉન્ડ ખર્ચના ચુકવવા આદેશ કર્યો હતો.