લંડનઃ મેટ્રોપોલીટન પોલીસમાં લંડનવાસીઓનો વિશ્વાસ તળિયે પહોંચ્યો હોવાથી સિટી હોલમાં ચિંતા સર્જાઈ છે. જોકે, મેયરની ઓફિસની દલીલ એવી છે કે સમગ્ર દેશમાં પોલીસમાં લોકોના વિશ્વાસમાં ભારે ઘટાડો થયો છે. મેયરની ઓફિસ ફોર પોલિસીંગ એન્ડ ક્રાઈમ દ્વારા જનતાના વલણ વિશે હાથ ધરાયેલા સરવે મુજબ સર સાદિક ખાને 2016માં મેયરનો હોદ્દો ગ્રહણ કર્યો તેની સરખામણીએ લંડનવાસીઓને મેટ્રોપોલીટન પોલીસમાં વિશ્વાસ અને શ્રદ્ધા ઘટી ગયા છે.
ડિસેમ્બર 2024ના આંકડા મુજબ માત્ર 46 ટકા લંડનવાસી પોલીસ તેમના સ્થાનિક વિસ્તારમાં સારું કામ કરી રહી હોવાનું માને છે. અગાઉ, 2016-17માં 69 ટકા લંડનવાસી આવું માનતા હતા. હાલ રાષ્ટ્રીય સરેરાશ 51.2 ટકા છે તેની સામે પાંચ વર્ષ અગાઉ, ડિસેમ્બર 2019માં 58 ટકાને પોલીસની કામગીરીમાં વિશ્વાસ હતો.
• ફરાજ અને નેટવેસ્ટ બેન્ક વિવાદમાં સમાધાન
લંડનઃ એક બેન્ક એકાઉન્ટ બંધ કરવા મુદ્દે રિફોર્મ યુકેના લીડર નાઈજેલ ફરાજ અને નેટવેસ્ટ બેન્ક વચ્ચેના વિવાદમાં સમાધાન થઈ ગયું છે. નેટવેસ્ટ ગ્રૂપની માલિકીની અને ધનિકો માટેની પ્રતિષ્ઠિત પ્રાઈવેટ બેન્ક કૌટ્સમાં ફરાજનું એકાઉન્ટ બે વર્ષ પહેલા 2023માં બંધ કરી દેવાયું હતું. ફરાજે જણાવ્યું હતું કે કૌટ્સે બેંકખાતું બંધ કરવા મુદ્દે મકોઈ કારણ જણાવ્યું નથી. બીબીસીના અહેવાલે જણાવ્યું હતું કે ધનિક તરીકે બેન્કના માપદંડમાં ફરાજ આવતા ન હોવાથી તેમનું એકાઉન્ટ બંધ કરાયું હતું. પાછળથી બેન્કે રાજકારણી ફરાજ સાથે વ્યવહારમાં ગંભીર ભૂલ થયાનું સ્વીકાર્યું હતું. આ જાહેર વિવાદના પરિણામે નેટવેસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ડેમ એલિસન રોઝને રાજીનામું આપવા ફરજ પડી હતી. સમાધાનની વિગતો અને શરતો જાહેર કરાઈ નથી.
• સ્કાય દ્વારા 2000 નોકરીઓમાં કાપ મૂકાશે
લંડનઃ સ્કાય ન્યૂઝના માલિક કસ્ટમર સર્વિસ સેન્ટર્સમાં 2000 નોકરીઓમાં કાપ તથા સ્ટોકપોર્ટ, શેફિલ્ડ અને લીડ્ઝ સેન્ટ્રલ કોન્ટેક્ટ સેન્ટર્સ બંધ કરવાની યોજના ધરાવે છે. આમ તેના કુલ વર્કફોર્સના 7 ટકાને અસર થશે. મીડિયા અને ટેલિકોમ ગ્રૂપને યુએસ મીડિયા કંપની કોમકાસ્ટે 2018માં 30 બિલિયન પાઉન્ડમાં ખરીદી લીધું હતું. કંપની તેના ગ્રાહકો સાથે ફોન મારફત કામકાજ કરવાના બદલે ડિજિટલ કોમ્યુનિકેશન્સ થકી કામ કરશે. કંપનીએ 10,000 ગ્રાહકોના મત મેળવ્યા હતા અને તેમની પસંદગી વિશે પૂછ્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે આગામી થોડાં વર્ષમાં કોલ્સની સંખ્યા વાર્ષિક 25 મિલિયનથી ઘટીને 17 મિલિયન થવાની ધારણા છે. સ્કાય દ્વારા ગયા વર્ષે જ 1000 નોકરીમાં કાપ મૂકાયો હતો.
• WHSmith બ્રાન્ડ હાઈ સ્ટ્રીટ્સમાંથી અદૃશ્ય થશે
લંડનઃ તમામ 500 શોપ્સનું 76 મિલિયન પાઉન્ડમાં વેચાણ થઈ ગયાં પછી WHSmith બ્રાન્ડ હાઈ સ્ટ્રીટ્સમાંથી હંમેશાં માટે અદૃશ્ય થઈ જશે. 232 વર્ષ પુરાણા બ્રિટિશ બિઝનેસે તેની સ્ટોર ચેઈન મોડેલા કંપનીને વેચી દેવા સમજૂતી કરી હતી અને સ્ટોર્સનું TGJones તરીકે નવું નામકરણ કરાશે. જોકે, લોકોએ નવા નામકરણ સામે વિરોધ પ્રગટ કર્યો છે. જાન્યુઆરીમાં જ WHSmith દ્વારા તેના 500 હાઈ સ્ટ્રીટ સ્ટોર્સ વેચવાના હોવાનું જાહેર કર્યું હતું. હાઈ સ્ટ્રીટ શોપ્સમાં આશરે 5000 લોકો રોજગારી મળે છે. WHSmith હવે તેની વધુ આકર્ષક ટ્રાવેલ બ્રાન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. ટ્રાવેલ બિઝનેસ ગ્રૂપની રેવન્યુ અને વેપારનફામાં અનુક્રમે 75 અને 85ટકા હિસ્સો ધરાવે છે. ગ્રૂપ એરપોર્ટ્સ, હોસ્પિટલ્સ, રેલવે સ્ટેશન્સ અને મોટરવે સર્વિસ એરિયાઝમાં કુલ 580 ટ્રાવેલ સ્ટોર્સ ધરાવે છે.
• NHS દ્વારા DIY સ્મીઅર ટેસ્ટ્સ
લંડનઃ ઈંગ્લેન્ડના પ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ અમાન્ડા પ્રિટ્ચાર્ડે 2040 સુધીમાં સર્વાઈકલ-ગર્ભાશય મુખના કેન્સરને નાબૂદ કરવાની યોજના જાહેર કરી છે. ડુ ઈટ યોરસેલ્ફ - DIY સ્મીઅર ટેસ્ટ્સના કારણે હજારો સ્ત્રીઓ હોસ્પિટલમાં ગયા વિના જ ઘરમાં જ પરીક્ષણો કરી શકશે. હોસ્પિટલમાં જઈ ડોક્ટર્સ પાસે પરીક્ષણ કરાવવામાં સ્ત્રીઓને ક્ષોભ-સંકોચ થતાં હોવાથી ધાર્યાં પરિણામો મળતાં ન હતાં. યુકેમાં દરરોજ બે વ્યક્તિ સર્વાઈકલ કેન્સરથી મોતને ભેટે છે. DIY સ્વેબ કિટ્સ કેવી રીતે અપાશે તેની યોજના તૈયાર છે પરંતુ, તેના ઉપયોગ માટે યુકે નેશનલ સ્ક્રીનિંગ કમિટી દ્વારા લીલીઝંડીની રાહ જોવાય છે.