વેમ્બલીના ઇલીંગ રોડ પર ત્રિરંગા ભારતીય ધ્વજથી અંક્તિ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન અનેક પ્રવૃત્તિ અને જનસેવા કાર્યથી સતત ધબકતું રહે છે. અત્રે સ્થાયી થયેલ ભારતીય વસાહતની જરૂરતને લષ્યમામ લઇ ૧૯૬૫માં સમાજના અગ્રણી સ્વપ્નદ્રષ્ટાઅોએ ૧૯૬૫ના નવેમ્બરમાં બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન (BIA)ની સ્થાપના કરી હતી જે અાજે પ૦ વર્ષ પૂરાં કરી એક વટવૃક્ષ બની છે. બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સાથે ૭૦થી વધુ સંસ્થા સંલગ્ન છે અને ૨૫૦૦થી વધુ એની સભ્ય સંખ્યા છે. અા સંસ્થા દ્વારા વિના મૂલ્યે સામાજીક તેમજ કાનૂની સેવા પૂરી પાડવામાં અાવે છે.
ગત શુક્રવારે (૨૫ સપ્ટેમ્બરે) વેમ્બલીના ફોર્ટીલેન પર અાવેલ સત્તાવીશ પાટીદાર સેન્ટરમાં 'બીઅાઇએ'ના ૫૦ વર્ષની ગોલ્ડન જ્યુબિલીની શાનદાર ઉજવણી કરવામાં અાવી હતી જેમાં લગભગ ૯૦૦થી વધુ અામંત્રિતોએ ભાગ લીધો હતો. બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએસનના ચેરમેન શ્રી રજનીકાન્તભાઇ પટેલ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર લેસ્લી જોન્સ, હેરોના મેયર કાઉન્સિલર ક્રિષ્ણા સુરેશ, શ્રીમતી કોકિલાબેન અાર. પટેલ, સેક્રેટરી અનીતાબેન રૂપારેલીયા, બ્રેન્ટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર મુહામ્મદ બટ્ટ તથા ગુજરાત સમાચાર-Asian Voiceના તંત્રીશ્રી સી.બી. પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમનો શુભારંભ થયો હતો. જેમાં યોગા ગૃપ દ્વારા સૂર્ય નમસ્કાર, કરીશ્મા અને કરીના રાયચંદા દ્વારા નૃત્ય, નેહા પટેલ દ્વારા અધરમ મધુરમ્ ભારત નાટયમ્, સિનિયર બહેનો દ્વારા "ઢોલ બાજે" ગરબો રજૂ થયો. અા ઉપરાંત સંસ્થાના ૫૦ વર્ષના ઇતિહાસને વિડિયો દ્વારા પ્રદર્શિત કરાયો. બ્રેન્ટ ઇન્ડિયન એસો.ની સ્થાપના અને પ્રગતિ-પ્રસારમાં અમૂલ્ય યોગદાન અાપનાર પૂર્વ ચેરમેન અને નિ:સ્વાર્થ સેવકોને સ્મૃિતચિહ્ન ભેટ અાપી સન્માનિત કરવામાં અાવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બીઅાઓઇએનાં સેક્રેટરી અનીતા રૂપારેલીયાએ કર્યું હતું.