નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા દેશના ટેલિકોમ સ્પેક્ટ્રમની સૌથી મોટી હરાજીમાં રૂ. 1.5 લાખ કરોડની વિક્રમી બિડ મળી છે. જેમાં મુકેશ અંબાણીની જિયોએ રૂ. 88,078 કરોડની બિડ સાથે લગભગ 50 ટકા સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે. ગૌતમ અદાણી જૂથે પણ 400 મેગાહર્ટ્ઝ (વેચાયેલા કુલ સ્પેક્ટ્રમના એક ટકાથી ઓછા) સ્પેક્ટ્રમ માટે રૂ. 212 કરોડ ચૂકવ્યા છે. જોકે, અદાણીએ અગાઉ જ સ્પષ્ટ કર્યું છે કે તે એન્ટરપ્રાઇઝ હેતુ માટે સ્પેક્ટ્રમ ખરીદી રહ્યા છે. અન્ય અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલે પણ રૂ. 43,084 કરોડનું સફળ બિડિંગ કર્યું છે. જ્યારે વોડાફોન આઇડિયાએ
રૂ. 18,799 કરોડનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે.
ટેલિકોમ ક્ષેત્રે જંગી મૂડીરોકાણની શક્યતા
સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓને પગલે અનિશ્ચિતતાઓ અને જોખમો દૂર થતાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગમાં આગામી બે વર્ષમાં બેથી ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે તેવી શક્યતા છે તેમ ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ફાઈવ-જી સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ થયા પછી જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાઈવ-જીના આગમન પછી પણ ભારતમાં વ્યાજબી ભાવે ટેલિકોમ સેવાઓ આપવાનું ચાલુ રાખવામાં આવશે.
અમદાવાદ-ગાંધીનગર સહિત 13 શહેરને લાભ
દેશના 13 શહેરોને આ વર્ષના અંત સુધીમાં 5G નેટવર્કની સુવિધા મળી જાય તેવી શક્યતા છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઇ, અમદાવાદ, ગાંધીનગર, જામનગર, ગુરુગ્રામ, ચંડીગઢ, બેંગ્લૂરુ, હૈદરાબાદ, પૂણે, લખનઉ જેવા શહેરોમાં 5G સર્વિસ શરૂ કરવાનો સંકેત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગે આપ્યો હતો. આ 13 શહેરોમાં ટ્રાયલ શરૂ કર્યા પછી તેના ફિડબેકના આધારે 5Gનો વિસ્તાર કરાશે. ટેલિકોમ પ્રધાને થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે 5G નેટવર્કનો વ્યાપ ભારતના 20-25 શહેરો સુધી પહોંચે એ માટેના પ્રયાસો હાથ ધરાશે. શરૂઆતમાં 13 શહેરોમાં ટ્રાયલ થાય એવી શક્યતા છે અને તેના થોડા મહિનાઓમાં જ બીજા દસેક શહેરોને 5G હેઠળ આવરી લેવાશે.