GSAT-18 સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

Friday 07th October 2016 08:48 EDT
 
 

ભારતીય ઉપગ્રહ જીસેટ-18ને લઈ જનારા યુરોપિયન એરિયન-ફાઈવ રોકેટનું છઠ્ઠી ઓક્ટોબરે ફ્રેન્ચ ગયાનાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ પહેલાં ખરાબ હવામાનને કારણે યુરોપિયન એરિયન-ફાઈવ રોકેટનું પ્રક્ષેપણ પાંચમીએ ચોવીસ કલાક માટે પાછું ઠેલવામાં આવ્યું હતું. છઠ્ઠીએ હવામાન અનુકૂળ હોવાથી ભારતીય સમય પ્રમાણે સવારે બે વાગ્યે યુરોપિયન એરિયન-ફાઈવ રોકેટને પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું. તેના દ્વારા લોન્ચ કરવામાં આવેલો ઉપગ્રહ જીસેટ-18 એક ટેલિકોમ્યુનિકેશન સેટેલાઈટ છે અને તેનું નિર્માણ ઈસરો દ્વારા કરવામાં આવ્યું છે.

હાલ ઈસરોના ૧૪ જેટલા દૂરસંચાર ઉપગ્રહો કાર્યરત છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ૪૮ ટ્રાન્સપોન્ડરની સાથે જીસેટ-18 દેશનો એક નવીનતમ દૂરસંચાર ઉપગ્રહ છે. જીસેટ-18 સંચાર સંકેતો પ્રાપ્ત કરવા અને તેને સંચારિત કરવાની ક્ષમતા ધરાવે છે.

આ ઉપગ્રહનું વજન ૩૪૦૪ કિલોગ્રામ છે. તે કક્ષામાં સ્થાપિત થયા બાદ પંદર વર્ષ સુધી કાર્યરત રહેશે. એરિયનસ્પેસ માટે આ વર્ષનું આઠમું લોન્ચ મિશન છે. ભારતીય સંચાર ઉપગ્રહ સિવાય એરિયન-ફાઈવ રોકેટ ઓસ્ટ્રેલિયન સ્કાઈ મસ્ટર દ્વિતીય ઉપગ્રહને પણ પોતાની સાથે અવકાશમાં લઈ ગયું છે. એરિયનસ્પેસ પ્રમાણે તેમણે જીસેટ-18 સહિત ઈસરોનો વીસમો ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો છે. જીસેટના સફળ લોન્ચિંગ બદલ પીએમ નરેન્દ્ર મોદીએ ઇસરોને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter