જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસીઓને આકર્ષવા માટેની કવાયત ચાલે ત્યારે જ આતંકવાદીઓએ ફરીથી પંથકને નિશાન બનાવ્યો છે અને ત્રણ કલાકમાં ત્રણ સુનિયોજિત હુમલામાં ત્રણ પોલીસકર્મીને ઠાર માર્યા છે. એક પોલીસ અધિકારી સહિત બેને ઇજા થઇ છે. રાજ્યના મુખ્ય પ્રધાન મુફ્તિ મોહમ્મદ સઇદે સોમવારે જ દાલ લેકના કાંઠે એશિયાનો સૌથી મોટો બગીચા તુલિપ ગાર્ડનનું લોકાર્પણ કર્યું હતું. આતંકવાદીઓએ એક હુમલો ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના પટ્ટન વિસ્તારમાં કર્યો હતો. તેમણે એક પેસેન્જર બસમાં જઇ રહેલાં પોલીસ અધિકારીને નિશાન બનાવી તેમના પર ફાયરિંગ કર્યું હતું.
સ્કોટલેન્ડમાં બળાત્કાર કરનાર દિલ્હીમાં પકડાયોઃ સ્કોટલેન્ડમાં ૨૦૧૨માં બે યુવતીઓ પર બળાત્કાર ગુજારી તેમની હત્યાનો પ્રયાસ કરનાર વોન્ટેડ આરોપીની દિલ્હીમાંથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ઈન્ટરપોલે આરોપી રામેન્દ્રસિંહમાટે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી હતી. સ્કોટલેન્ડમાં બે યુવતીઓ પર બળાત્કાર અને તેમની હત્યાના પ્રયાસ બદલ પોલીસ એને શોધી રહી હતી. ગુનો કર્યા પછી તરત જ એણે બ્રિટન છોડી દીધું હતું અને નકલી ઓળખ સાથે ચંડીગઢમાં રહેતો હતો.
‘આપ’ના નેતા ભ્રષ્ટાચાર કરે તો જેલભેગા કરજો: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે જો તેઓ કે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ભ્રષ્ટાચાર કરે તો તેમને જેલભેગા કરવામાં આવે પરંતુ હવે દિલ્હીમાં ભ્રષ્ટાચાર સાંખી લેવાશે નહીં. તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હી સરકારની હેલ્પલાઇન નંબર ૧૦૩૧ને રિલોન્ચ કરતા તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવા માટે હેલ્પલાઇન નંબર પર એક દિવસમાં ૧૦ હજાર ફરિયાદ નોંધાવી શકાશે. અગાઉ એક હજાર ફોન કોલ સાંભળી શકાતા હતા. દિલ્હીને ભ્રષ્ટાચારમુક્ત કરીને તેઓ વિશ્વના ટોચના પાંચ શહેરોમાં સામેલ કરાવશે.
આગરામાં એક મકાનમાં બોમ્બ વિસ્ફોટઃ આગરાના બાલુગંજ ક્ષેત્રમાં એક હોટલ સંચાલકના ઘરમાં થયેલા વિસ્ફોટમાં તેમની બે દીકરીઓનાં મોત થયાં હતાં અને અડધો ડઝન લોકો ઘવાયા હતા. વિસ્ફોટને કારણે ઉડેલા કાટમાળથી હોટલમાં ઉતરેલા પર્યટક પણ ઘવાયા હતા. પોલીસે નુકસાન પામેલા મકાનમાંથી દેશી બોમ્બ જપ્ત કર્યા છે. આ ઘટના પાંચમી એપ્રિલે રાત્રે સર્જાઈ હતી. હોટલ રિલેક્સની નજીક તેના માલિક સરદાર મંજિતસિંહના ત્રણ માળના મકાનમાં ધડાકો થયો હતો.
તમિલનાડુના પૂર્વ કૃષિ પ્રધાનની ધરપકડઃ એક મહત્ત્વના રાજકીય ઘટનાક્રમમાં તામિલનાડુના પૂર્વ કૃષિ પ્રધાન એગ્રી કૃષ્ણમૂર્તિની પોલીસે ધરપકડ કરી છે. એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ કર્મચારી એસ. મુથ્થુકુમાર સામીએ કરેલી આત્મહત્યા અંગે તેમની ધરપકડ કરાઈ છે. જોકે વિપક્ષ પીએમકે, કોંગ્રેસ, ડીએમકેને આ ધરપકડથી સંતોષ નથી. તેમણે આ મામલે સીઆઈડી તપાસની માંગ ચાલુ રાખી છે. પોલીસે કૃષ્ણમૂર્તિ ઉપરાંત ઈજનેરી વિભાગના એક અધિકારી સેન્થિલની પણ ધરપકડ કરી હતી અને તેમને ન્યાયમૂર્તિ સમક્ષ રજૂ કરાયા હતાં જ્યાં તેમને ૧૫ દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા હતા.
દરરોજ એક નકામો કાયદો રદ કરવો છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશના ન્યાયાધીશોની તુલના ભગવાન સાથે કરતાં કહ્યું હતું કે જજો તેમનાં કાર્યો પ્રત્યે જવાબદાર હોવા જોઈએ. આમ આદમીને ન્યાયતંત્ર પાસેથી ઘણી આશા અને અપેક્ષાઓ છે. લોકોને કોર્ટો અને જજો પર ભરોસો છે. મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં કાર્યપાલિકા તેમ જ ન્યાયપાલિકા વચ્ચે સારો તાલમેળ હોવો જોઈએ. ન્યાયતંત્ર મજબૂત અને ખામીરહિત હોવું જોઈએ. દેશના ૧૭૦૦ જેટલા જૂનાપુરાણા અને જટિલ કાયદાઓને રદ કરવાની તેમણે તરફેણ કરી હતી. તેમણે દરરોજ એક જૂનો કાયદો રદ કરીને આગામી પાંચ વર્ષમાં ન્યાયતંત્રની કાયાપલટ કરવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો.