અમદાવાદ: ભારતીય શેરમાર્કેટમાં ટાયર ઉત્પાદક કંપની એમઆરએફે ઇતિહાસ રચ્યો છે. એક શેરની કિંમત છ આંકડામાં એટલે કે રૂ. 1,00,000ની સપાટી કુદાવી ચૂકી છે. શેરબજારમાં સામાન્ય રીતે રોકાણકારો સરેરાશ એકથી પાંચ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરતા હોય છે અને તેમાં પણ તેઓના શેરની વેલ્યૂ સરેરાશ 500થી 2500 રૂપિયા સુધીની હોય છે. જ્યારે એમઆરએફનો એક શેર એક લાખની ઉપર પહોંચ્યો છે. મોંઘી કિંમતના શેર્સમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો પાંચ ટકા કરતાં પણ ઓછો હોવાનું જાણકારોનું કહેવું છે. વર્ષની બોટમથી એમઆરએફમાં સરેરાશ 35 ટકાનું રિટર્ન છૂટ્યું છે.
વર્ષની બોટમથી 35 ટકા ઉછળ્યો
એમઆરએફ કંપનીના કુલ 42,41,143 શેર છે, જેમાંથી 30,60,312 શેર પબ્લિક શેરહોલ્ડર્સ પાસે છે. 11,80,831 શેર કંપનીના પ્રમોટરો પાસે છે. કંપનીના શેરોમાં એક વર્ષની બોટમથી અત્યાર સુધીમાં સરેરાશ 35 ટકાથી વધુની તેજી આવી છે. આ પ્રમાણે દૈનિક ધોરણે સરેરાશ 8,000 શેર એટલે કે 80 કરોડ આસપાસનું તેનું વોલ્યુમ રહ્યું છે. આ શેરની કિંમત હાલ રેકોર્ડ રૂ.1,00,440ના સ્તરે છે.
11 રૂપિયાથી શરૂઆત
• 1940માં ફક્ત રૂ. 14,000થી રબર બલૂન બનાવવાથી શરૂઆત • 9 લાખ ટકા રિટર્ન આપ્યું છે કંપનીએ લિસ્ટિંગ પછી • 27 એપ્રિલ,1993માં લિસ્ટ થઇ ત્યારે એક શેરની કિંમત 11 હતી. એમઆરએફનું માર્કેટ કેપિટલાઇઝેશન 42.369 કરોડ રૂપિયા છે.