NRI કોમ્યુનિટીનો આક્રોશઃ જૂની ચલણી નોટ્સ બાળી નાખવી?

મિતુલ પનીકર, ખુશાલી દવે Wednesday 18th January 2017 05:18 EST
 
 

‘ભારતની નિયમિત મુલાકાત લેતા કોઈપણ PIO અને તેના પરિવારના સભ્યો પાસે ભારતીય કરન્સીના રૂપિયા ૫૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ સુધીની રકમ સરળતાથી મળી શકે છે. અને હું સરકારને આ બ્લેકમની હોવાનું પૂરવાર કરવા તેમજ અમારી પાસેથી તે જપ્ત કરી લેવાની ચેલેન્જ આપું છું.’, આ શબ્દો રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની પ્રતિબંધિત ચલણી નોટો બદલાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પાંચ શાખામાંથી એક સ્થળે લાંબી કતારમાં ઊભા રહેલા અમેરિકન નાગરિક ધરમવીરના છે.

ધરમવીરે કહ્યું હતું ‘આ નાણા અમે જે દેશમાં રહીએ છીએ ત્યાં ખર્ચતા નથી પરંતુ અમારા મૂળ દેશમાં ખર્ચીએ છીએ. આ તો સંજોગોવશ અમે આ સમયે અહીં છીએ અને થોડી કરન્સી બદલાવવા માંગીએ છીએ પરંતુ તે માટેની અમને છૂટ નથી તે ઘણી નિરાશાજનક બાબત છે.’

ધરમ ઘણા બિનનિવાસી ભારતીયો અને ભારતીય મૂળના લોકો તેમની કરન્સી બદલાવવા માટે લાંબી લાઈનો સહન કરી રહેલા લોકોમાંનો એક છે. લાંબા અંતરેથી RBIની નિયુક્ત શાખાઓની બહાર આવેલા અનેક લોકોએ તેમનું મગજ ગુમાવ્યું હતું, કારણ કે તેમની પાસે યોગ્ય દસ્તાવેજો ન હોવાનું કારણ દર્શાવી ગાર્ડસ દ્વારા પ્રવેશ આપવા ઈનકાર કરાયો હતો.

દેખીતી રીતે જ રોષે ભરાયેલી અમેરિકન નાગરિક રિતુ દિવાને કહ્યું હતું કે, ‘મારી પાસે વિદેશી પાસપોર્ટ હોવા છતાં મારા મૂળિયાં ભારતમાં છે. મારો પરિવાર દર વર્ષે ભારત આવે છે. અમારી પાસે થોડીક ભારતીય ચલણી નોટો છે અને તેને બદલાવવા ઈચ્છીએ છીએ પરંતુ RBIમાં પ્રવેશ કરવા દેવાતો નથી. મિ. પ્રાઈમ મિનિસ્ટર, અમારી પાસેની ભારતીય ચલણી નોટો અમારે બાળી નાંખવી જોઈએ?’ તેમણે ઉમેર્યું હતું કે, આ બિનજરૂરી હેરાનગતિનો અર્થ એ જ છે કે, PIO હવે તેમના જન્મના દેશમાં આવકારપાત્ર રહ્યા નથી.

આપણે બધા એ બાબતે સંમત છીએ કે, દેશના શ્રેષ્ઠ હિતમાં મોટી ચલણી નોટો પ્રતિબંધિત કરવાનું લેવાયેલું પગલું સારું છે છતાં, તેમાં યોગ્ય સંચાલનનો અભાવ છે. વધુ મુશ્કેલી તો ત્યારે સર્જાય છે કે મુશ્કેલી દૂર કરવા માટે સરકાર સતત વિવિધ પ્રકારના નોટિફિકેશન્સ જાહેર કરતી રહી. RBI દ્વારા અવ્યવસ્થા પર લીપાપોતીનો પ્રયાસ કરાયો અને બેંકો તેમજ એટીએમની બહાર લાંબી લાઈનોમાં ઊભા રહેલા સામાન્ય માનવી વિરોધ પ્રગટ કરતો રહ્યો. આ સમગ્ર પ્રકરણ મીડિયા માટે તો આકર્ષક બની રહ્યું પરંતુ લોકોના મગજમાં સર્જાયેલી અનિશ્ચિતતાથી મોદીના પ્રશંસક વર્ગને ધક્કો પહોંચ્યો છે.

RBI અને સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાતોમાંથી એકમાં એમ ઠરાવાયું છે કે, ભારતના નિવાસી ન હોય તેવા ભારતીય નાગરિકો ૩૦ જૂન સુધી RBIની ઓફિસોમાંથી જૂની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બદલાવી શકશે. વિદેશ મંત્રાલયનું કહેવું એમ છે કે, નોટો બદલાવવાની જોગવાઈ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ રેગ્યુલેશન્સ, ૨૦૧૫ની જોગવાઈને આધારિત રહેશે. આ જોગવાઈમાં વ્યક્તિદીઠ દેશમાં કરન્સી પાછી લાવવાની મર્યાદા રૂ. ૨૫,૦૦૦ રહેશે. વિદેશ મંત્રાલયે નિવેદનમાં એમ કહ્યું હતું કે, ‘ભારતમાં નહીં રહેતાં ભારતીય નાગરિકો માટે આ સવલત તેઓ પોતાની સગવડ મુજબ ભારત મુલાકાતે આવવા પૂરતો સમય મેળવી શકે તે હેતુથી ૩૦ જૂન ૨૦૧૭ સુધી મેળવી શકશે. તેમાં એમ પણ કહ્યું હતું કે, નેપાળ અને ભૂતાનમાં લોકો માટે જે અલગ FEMA જોગવાઈઓ લાગુ પડે છે તે અમલી રહેશે.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે, આ સવલત ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ ઓફ કરન્સી) રેગ્યુલેશન્સ ૨૦૧૫ના જાહેરનામાને આધિન રહેશે. આ નિયમો અનુસાર દેશમાં પાછી લાવવામાં આવતી આવી કરન્સી નોટ્સ વ્યક્તિદીઠ રૂ. ૨૫,૦૦૦ સુધી મર્યાદિત રહેશે. તેમાં એમ પણ કહ્યું હતું કે, નેપાળ અને ભૂતાનમાં લોકો માટે જે અલગ FEMA જોગવાઈઓ લાગુ પડે છે તે અમલી રહેશે.

આ સવલત આ સમયગાળા દરમિયાન તેઓ વિદેશ અને તેમણે અગાઉ વિનિમયની સવલત મેળવી નથી તે દર્શાવતા દસ્તાવેજી પૂરાવાઓ આપવાથી વ્યક્તિગત રીતે નાગરિકો મેળવી શકે છે તેમ RBIના નિવેદનમાં જણાવાયું હતું. તેમાં એમ પણ કહેવાયું કે, આ સવલત હેઠળ ત્રીજા પક્ષકારને માન્ય રખાશે નહીં. જોકે, નેપાળ, ભૂતાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ રહેતા ભારતીય નાગરિકોને આ સુવિધા પ્રાપ્ત થશે નહીં.

રિઝર્વ બેંકની મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને નાગપુર શાખાઓ પર આ સવલત પ્રાપ્ત થશે. નિવેદનમાં એમ પણ જણાવાયું કે, ‘રિઝર્વ બેંકના નિર્ણયથી પીડિત કોઈપણ વ્યક્તિ તેને ઈનકાર કરાયો હોય તેના ૧૪ દિવસમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ રિઝર્વ બેંકને આ નિર્ણય પરત્વે અપીલ કરી શકે છે.’

તાજેતરમાં સૌથી વધુ તકલીફ તો વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજર રહેવા ગુજરાત આવેલા બિનનિવાસી ભારતીયોને નડી છે. તેમની મહેનતની કમાણીના નાણા બદલાવવા માટે તેમને બીજા સ્થળોએ જવું પડશે તે હકીકતથી જ તેમના આઘાત અને દુઃખ પહોંચ્યા હતા. સાચી વાત છે ફરિયાદો તો ઘણી છે. યોગ્ય જોગવાઈઓના અભાવથી વિશાળ NRI કોમ્યુનિટી તદ્દન નાખુશ છે અને તેમના પ્રતિ દેશની જવાબદારી વિશે તેમણે પ્રશ્નો પણ ઊઠાવ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ‘ગુજરાત સમાચાર’ (યુ.કે.) અને ‘એશિયન વોઈસ’ દ્વારા આ લોકોને શું કહેવું છે તે જાણવાનો નિર્ણય લેવાયો હતો.

ત્રણ વર્ષ પહેલાં અમદાવાદથી પરણીને ડલાસ, ટેક્સાસમાં સેટ થયેલી વિશ્રુતિ વ્યાસ કહે છે કે, હું આવી એ પછી ઇન્ડિયામાં મારી વિઝા પ્રોસેસ મુંબઈથી થઈ હતી. હું આશરે રૂ. ૨૫૦૦૦ જેટલી ઇન્ડિયન કરન્સી યુએસથી સાથે લાવી હતી. મુંબઈમાં એ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો સરળતાથી એક્સચેન્જ થઈ ગઈ, પણ મની એક્સચેન્જમાં બધી જ નોટો રૂ. ૨૦૦૦ની મળી. બાકી ડોલર્સ તો મારા ફાધર ઈન લોએ બદલાવી આપ્યા હતા, પણ જે ઇન્ડિયન કરન્સી હાથમાં આવી એ બહુ સંભાળીને ખર્ચ કરવાનો વખત આવ્યો છે. મુંબઈમાં જ શોપિંગ વખતે વધુ રૂપિયા ખર્ચ ન થઈ જાય તેનું ધ્યાન રાખતાં ૧૦ ડ્રેસ ખરીદવાનો ઇરાદો હોય તો સાત ખરીદીને બાકી રૂપિયા બચાવી લેવાનો વિચાર થઈ આવે. વળી, હું ત્રણ વર્ષ પહેલાં યુએસ ગઈ તે વખત કરતાં મોંઘવારી વધી છે એટલે ખર્ચમાં કાપ મૂકવો જ પડે. સામે રૂ. ૨૦૦૦ની નોટ ક્યાંય આપીએ તો એ નોટમાંથી છુટ્ટા પૈસા જતા કરવા પણ પોષાય નહીં. હું જ્યારે વિચાર કરતી હોય કે ઓછા રૂપિયામાં ખરીદીમાં કાપ મૂકી દઉં એવું જ ઘણા બીજા વિચારતા હશે. તેનાથી વેપારી વર્ગને તો ચોક્કસ નુક્સાન થતું જ હશે.

યુએસ ટેક્સાસમાં જ આઈટી એક્સપર્ટ તરીકે કામ કરતા આશુતોષ ભટ્ટ અમદાવાદ આવ્યા છે. તેઓએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ ધરાવતી ઇન્ડિયન કરન્સી મુંબઈમાં એક્સચેન્જ કરાવી હતી. આશુતોષ કહે છે કે, મુંબઈમાં મની એક્સચેન્જની મુશ્કેલી મને નડી નથી, પણ આ વખતે ઇન્ડિયામાં ખરીદી કરતી વખતે હું બહુ ધ્યાન રાખું છું કે ક્યાંક વધારે રૂપિયા વપરાઈ જશે તો પાછળથી ઇન્ડિયન કરન્સી મેનેજ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે. ઈન્ડિયામાં બની શકે ત્યાં સુધી યુએસ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરું છું. બાકી એનઆરઆઈ માટે જુલાઈ, ૨૦૧૭ સુધી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ એક્સચેન્જ કરવાનો નિર્ણય NRI માટે લાભદાયક છે. તેઓ પાસપોર્ટ સહિતની સાબિતિ આપીને સગાસંબંધીઓની મદદથી એક્સચેન્જ કરી શકે તેથી જ મારા કેટલાક મિત્રો પણ એ જ રસ્તો અપનાવી રહ્યા છે. જોકે નિયમો થોડાઘણાં ગૂંચવાડાભર્યા તો લાગે જ છે.

બ્રિટનમાં રહેતા શેલ્લિના રહેમતુલ્લાએ હાલમાં જ ભારતની મુલાકાત લીધી હતી. તેઓ કહે છે કે આ વખતની મારી ભારતની મુલાકાત નોટબંધીના કારણે ખૂબ જ મુશ્કેલીજનક રહી. ભારત મુલાકાત દરમિયાન અમે ગોવામાં હતા. ત્યાં મારે રૂ. ૩૦૦૦૦ની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ બદલવી હતી. હું RBIના પરિપત્ર સાથે ગોવા ઇન્ડિયન કરન્સી મની એક્સચેન્જ બ્રાન્ચમાં ગઈ. ત્યાં બેંકના કર્મચારીઓથી માંડીને સિક્યુરિટીના માણસો સુધી કોઈને RBIએ બહાર પાડેલા પરિપત્ર મુજબના નિયમોની પૂરેપૂરી જાણકારી જ નહોતી. મારી પાસે જે RBIનો પરિપત્ર હતો તે મેં તેમને બતાવીને કહ્યું કે, તમે આ અંગેની જાણકારી ફોનથી મેળવીને મને જાણકારી આપો અથવા મને RBI હેડ ઓફિસના કોઈ જાણકાર કર્મચારી સાથે વાત કરાવો તો તેમણે બહાના બનાવવા શરૂ કરી દીધા. NRI ને તો આ મુશ્કેલી નડી જ રહી છે, પણ ગોવામાં મેં જોયું કે વૃદ્ધો અને સ્થાનિક પ્રજાને નોટ બદલાવવા માટે ભારે મુશ્કેલી ભોગવવી પડતી હતી. બેંક દૂર હોય તો તેઓ રોજ બેંકના ધક્કા ખાઈને ત્રાસી ગયા હતા. આ ઉપરાંત NRI ના નાણા એક્સચેન્જ ન થાય તેથી તેઓ કંઈ છુટ્ટક ખરીદી પણ ન કરી શકે. નાના વેપારીઓને ગોવામાં મેં ઘણી તકલીફ પડતી જોઈ. આ ઉપરાંત, ભારતમાં નોટબંધી બાદ નાણા અને આર્થિક વ્યવહારો અંગે કોઈ નિયમ બહાર પડે તેનો અમલ પણ યોગ્ય રીતે થતો દેખાયો નથી. ટૂંકમાં અત્યારે ભારતમાં આર્થિક નીતિ અસ્તવ્યસ્ત થયેલી મને લાગી.

વેમ્બલીમાં રહેતા અને રોયલ મેઈલ સર્વિસમાં કાર્ય કરતા કૌશિક મોદી કહે છે કે, અમે ૧૭મી જાન્યુઆરીએ વેમ્બલી પાછા આવ્યા છીએ, પણ ભારતમાંથી અમે નામનીય ખરીદી કરી નથી. હું અને મારાં પત્ની જયના મોદીએ અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની બેંકમાં તપાસ કરી હતી કે રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટ કેવી રીતે બદલી શકાય છે?, પણ એ પ્રોસેસ બહુ લાંબી અને મુશ્કેલી આપનારી લાગી. અમે નાણા બદલવા માટે પ્રયત્નો પણ કરી જોયાં. RBIએ સૂચના આપી હતી એ મુજબ પણ મની એક્સચેન્જ માટે પ્રયત્નો કર્યાં, છતાં ઇન્ડિયન કરન્સી લઈને જ અમે પાછા વેમ્બલી આવ્યા છીએ. કૌશિકભાઈએ કહ્યું કે, છતા પૈસે અમારે નજીકના મિત્રો અને સગા સંબંધીઓ પાસેથી નાની મોટી ખરીદી માટેના રૂપિયા ચૂકવવા હાથ લંબાવવો પડતો હતો. જે જરૂરી હતી એટલી જ ખરીદી કરી અને એ પણ પૈસા ઉધાર લઈને અથવા તો પછી કોઈની પાસે માગીને. હું માનું છું કે, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં NRI ની વતન આવવાની સિઝન ગણાય છે. તેઓ વતન આવે ત્યારે મન મૂકીને ખરીદી કરતા હોય છે. આ વખતે એનઆરઆઈએ પણ નહીંવત કે ટૂંકી ખરીદી કરી હશે તો એનાથી ઇન્ડિયન વેપાર ઉદ્યોગને નુક્સાન તો થયું જ હશે.

અમદાવાદમાં જ્વેલરીનો શોરૂમ ધરાવતા ધવલભાઈ સોની કહે છે કે, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને છેક ફેબ્રુઆરી સુધી NRI ગ્રાહકોના જ્વેલરી બનાવવા માટેના ઓર્ડર અમને દર વર્ષે મળતાં જ રહે છે. આ વર્ષે તો સોનાની કિંમત ઘટી હોવા છતાં NRI ગ્રાહકોના ઓર્ડરમાં ઘટાડો જોવા મળ્યો છે. માત્ર વિદેશી ગ્રાહકો જ નહીં, પણ ભારતમાં કે ગુજરાતમાં રહેતા ગ્રાહકો પણ સોનું સસ્તું હોવા છતાં સોનું કે ઘરેણા ખરીદવા માટે નિરાશ દેખાય છે. તાજેતરમાં જ અમારે એક NRI ગ્રાહકને ત્યાં લગ્નનો પ્રસંગ હતો, પણ ઇન્ડિયન કરન્સી પૂરતા પ્રમાણમાં તેમને મળી નહોતી તેથી તેઓએ મન મનાવીને ખપ પૂરતાં જ સોના અને જ્વેલરીની ખરીદી કરી. તેમનું માનવું હતું કે ઈન્ડિયામાં પૂરેપૂરો આર્થિક વ્યવહાર પૂરો કરીને જ વિદેશ જવું જેથી ઉધારીનો બોજ ન રહે. તેથી તેમની પાસે જે મુજબ ઇન્ડિયન કરન્સી હતી તેટલી જ ખરીદી કરી.

સાઉથ લંડનમાં રહેતાં ૭૫ વર્ષીય પ્રવિણાબહેન પટેલ દર વર્ષે વડોદરાની નિયમિત મુલાકાત લે છે. જોકે, આ વર્ષે નોટબંધીથી તેમને પોતાનું ઘર ગણાવતા દેશમાં આનંદ મળવો મુશ્કેલ બન્યો છે. તેમણે કહ્યું હતું કે ‘આ સમગ્ર પરિસ્થિતિએ મને ડિપ્રેશનના આરે ધકેલી દીધી છે. સરકારે અમને નવા બેંક એકાઉન્ટ ખોલવા જણાવ્યું છે. પરંતુ આમ કરવામાં અગણિત મુશ્કેલીઓ નડે તેનું શું? યોગ્ય દસ્તાવેજો નહીં હોવાનું કારણ દર્શાવીને બેંકો વ્યક્તિને ધક્કા ખવડાવે છે. અમે લાઈનોમાં વારો આવે તેની રાહ જોતાં કલાકો સુધી ઊભા રહીએ છીએ અને દસ્તાવેજો તેવા કારણ આપીને બીજી લાઈનમાં ધકેલી દેવાય છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે મારે કડક ચેતવણી અને ઝઘડો કરવા પડ્યો છે.’ તેમણે કહ્યું હતું બેંકના કર્મચારીઓને ગ્રાહકોની પરિસ્થિતિ અંગે કોઈ સહાનુભૂતિ નથી અથવા RBI દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સનું પૂરતું જ્ઞાન પણ તેમની પાસે નથી. તેમણે કહ્યું હતું કે, ‘આ તો સિનિયર સિટિઝન તરીકે મારાં અનુભવોની વાત છે. સરકારે તો વધુ સારા માટે આ પગલું લીધું છે, તે બરાબર છે પરંતુ ખરાબ મેનેજમેન્ટ અને વહિવટ નિરાશાજનક છે. આ દેશની વધતી સમૃદ્ધિમાં NRI કોમ્યુનિટીનો મોટો હિસ્સો છે. અમને જે મુશ્કેલીઓમાં મૂકવામાં આવે છે એની માહિતી કોઈએ વડા પ્રધાન મોદીને પહોંચાડવીવી જ રહી.’

ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી અને સોમનાથ ટ્રસ્ટના વર્તમાન વાઈસ ચેરમેન પી. કે. લહેરી કહે છે કે, ‘અત્યારે તો ડિમોનીટાઈઝેશનથી સમગ્ર અર્થતંત્ર પર અસર પડી છે. પરંતુ ધીરેધીરે સામાન્ય પરિસ્થિતિ આવી રહી છે. NRI દ્વારા શરૂઆતમાં તેઓ વિદેશમાં નાણા ડિપોઝીટ કરી શકે કે કેમ? તેવી પૂરપરછ થઈ હતી. હું માનું છું કે, જ્યાં મોટા NRI જૂથો રહે છે તેવા યુ.કે., કેનેડા, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા, દુબઈ, જેવા સ્થળોએ આ સવલત અપાઈ હોત તો તેમને વધુ મદદ કરી શકાત. જો આ બાબતે કાળજી લેવાઈ હોત તો તેમને આવા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો ન હોત. એનઆરઆઈ આપણા અર્થતંત્રનો અવિભાજ્ય હિસ્સો છે ત્યારે તેમને થોડી સવલતો આપવી જ જોઈએ.’ તેમણે ઉમેર્યું હતું કે, ‘ડિમોનિટાઈઝેશન એક સમયનું પગલું છે. દરેક વખતે આમ થવાનું નથી પરંતુ જો તેનાથી અગવડ સર્જાતી હોય તો સરકારે પૂરતાં પગલાં લેવાની જરૂર છે.’

પૂર્વ સાંસદ હરિન પાઠકે સ્પષ્ટપણે નાખુશી દર્શાવતા પ્રશ્ન કર્યો હતો કે, માત્ર રૂ. ૨૫,૦૦૦ની રકમ બદલાવવા માટે NRI એ બીજા રાજ્યમાં શા માટે જવું પડે? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણા બદલવા માટે તેમની રાજ્યોની શાખાઓને સત્તા આપવી જોઈતી હતી જેનાથી આ પ્રક્રિયા સરળ બની હોત. મેં ખુદ દસ દિવસ અગાઉ ફાઈનાન્સ મિનિસ્ટરને પત્ર લખી જરૂરી કાર્યવાહી માટે જણાવ્યું હતું અને સરકાર આ બાબત ધ્યાનમાં લેશે તેવી ખાતરી પણ અપાઈ છે. RBIએ NRI કોમ્યુનિટી પાસેથી નાણા જમા લેવા જોઈએ. આ નાણા ગેરકાયદેસર મેળવાયા છે અથવા બ્લેકમની છે તેમ તેઓ માનતા હોય તો તપાસ હાથ ધરવી જોઈએ. પરંતુ નાણા તો પાછા સ્વીકારવા જ જોઈએ. મોટી ઉંમરના ભાઈ-બહેનો જૂની નોટો બદલાવવા માટે તેમણે નક્કી કરેલાં પાંચ કેન્દ્રોમાં જ જાય એવી અપેક્ષા તેઓ કઈ રીતે રાખી શકે?’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter