નવી દિલ્હીઃ વારે તહેવારે વતન આવતાં બિનનિવાસી ભારતીયો હવે ભારતમાં મકાન ખરીદી શકશે તેમ નેશનલ કન્ઝ્યુમર ડિસપ્યુટ્સ રિડ્રેસલ કમિશને (એનસીડીઆરસી) એક મહત્ત્વપૂર્ણ ચૂકાદામાં જણાવ્યું છે.
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં એનઆરઆઇને ફલેટનો કબજો આપવાનો ઇનકાર કરનાર એક રિઅલ એસ્ટેટ કંપનીને એનઆરઆઇને રૂ. ૬૪ લાખ પરત ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ જે એમ મલિકના અધ્યક્ષતાવાળા એનસીડીઆરસીએ રિઅલ એસ્ટેટ કંપનીને દક્ષિણ દિલ્હીના રહેવાસી રેશમા ભગત અને તેમના પુત્ર તરુણ ભગતને રૂ. ૬૩,૯૯,૭૨૭ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે માતા અને પુત્રે ૨૦૦૮માં બિલ્ડરને રૂ. ૬૩,૯૯,૭૨૭ લાખ ચૂકવીને એક ફલેટ બુક કરાવ્યો હતો. કંપની ૨૦૦૯માં ફલેટનો કબજો આપવાની હતી, પણ કંપનીએ ફલેટનું બાંધકામ ન કરવા બદલ ભગતે રિફન્ડ અને નુકસાનની રકમ પરત મેળવવા ગ્રાહક પંચનો સંપર્ક સાધ્યો હતો. આ ફરિયાદ પછી રિઅલ એસ્ટેટ કંપનીએ દાવો કર્યો હતો કે ફલેટ એનઆરઆઇ તરુણના નામે બુક કરવામાં આવ્યો હતો. આ ફલેટ રહેવાના ઉદ્દેશ માટે ખરીદવામાં આવ્યો ન હતો. અલબત્ત, નફો કમાવવા માટે આ ફ્લેટ ખરીદવામાં આવ્યો હોવાથી તરુણ પોતાને ગ્રાહક ગણાવી શકે નહીં.
જોકે કમિશને કંપનીની આ દલીલો ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, તમે એવું નક્કી કરી શકો નહીં કે એનઆરઆઇ ભારતમાં મકાન ખરીદી શકે કે નહીં. એનઆરઆઇ ભારતમાં અનેક વખત આવતા હોેઈ તેઓે ભારતમાં પોતાનું ઘર રાખવાની ઇચ્છા ધરાવે છે જેમાં કંઇ પણ ખોટું નથી.