લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે શનિવાર - પહેલી જૂને મતદાન થશે. અંતિમ તબક્કાના પ્રચાર માટે નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના મંડીમાંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલી બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સ્થાનિક પોશાકમાં લોકો વચ્ચે ફરીને મત માંગ્યા હતાં. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં 57 સંસદીય બેઠકો માટે મતદાન યોજાશે. આ માટે કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી)થી માંડીને ભાજપના રવિ કિશન, કંગના રનૌત, અનુરાગ ઠાકુર, રાજદનાં મિસા ભારતી, ટીએમસીના અભિષેક બેનરજી સહિતના નેતાઓનું ભાવિ ઇવીએમમાં સીલ થશે.