નાગપુર: મુંબઇ બોમ્બ વિસ્ફોટના સૂત્રધાર યાકુબ મેમણને ગુરુવારે સવારે ૬.૩૦ કલાકે નાગપુરની જેલમાં ફાંસી આપવામાં આવી છે. ફાંસી આપવા અંગે બુધવારે મોડી રાત સુધી ચિત્ર સ્પષ્ટ થઇ શક્યું ન હતું. મોડી સાંજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ યાકુબની દયાની અરજી ફગાવતા આ ઘટનામાં ફરીથી નાટકીય વળાંક આવ્યો હતો. માનવાધિકાર મુદ્દા સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટના કેટલાક જાણીતા વકીલો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશના ઘરે રાત્રે ૧૧.૩૦ કલાકે પહોંચ્યા હતા. જ્યાં તેમને રાત્રે એક વાગ્યે મળવાનો સમય આપવામાં આવ્યો હતો. જાણીતા વકીલો પ્રશાંત ભૂષણ, રાજુ રામચંદ્રન, ઇંદિરા જયસિંહ વગેરેની માગ હતી કે ફાંસીના ડેથ વોરંટ અને તેના અમલ વચ્ચે ૧૪ દિવસનો ગાળો હોવો જરૂરી છે અને યાકુબની માનસિક હાલત પણ ઠીક નથી તેથી તેની સજાના અલમમાં વિચારણા જરૂરી છે. સુપ્રીમ કોર્ટે આ આખરી માગણી ફગાવતા અંતે જેલ તંત્ર દ્વારા યાકુબને ફાંસી અપાઇ હતી. આ દિવસ સાથે યાકુબનો અજબનો સંયોગ છે, કારણ કે આજે જ યાકુબનો ૫૩મો જન્મદિવસ છે.
કેવો હતો નાટકીય ઘટનાક્રમ
મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવે યાકુબની દયા અરજી નકારી કાઢી હતી. તો બીજી તરફ રાષ્ટ્રપતિ પાસે દયા અરજીને પેન્ડિંગ બતાવતાં ફાંસી પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરી હતી. જોકે આ અંગે બુધવારે રાત્રે લગભગ ૮.૩૦થી ૧૧.૦૦ કલાક સુધી ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે ચર્ચા કર્યા પછી અંતે રાષ્ટ્રપતિએ પણ આ અરજી ફગાવી હતી. આથી યાકુબના વકીલ મોડી રાત્રે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ પાસે પહોંચ્યા હતા. જ્યાં મુખ્ય ન્યાયાધિશ એચ. એલ. દત્તુને મળીને ફાંસી પર ૧૪ દિવસ સુધી પ્રતિબંધ લગાવવાની માંગને લઇને રાત્રે ત્રણ કલાકે સુપ્રીમ કોર્ટ ખોલાવી હતી.
કેસની સુનાવણી કોર્ટ નંબર ચારમાં શરૂ થઇ. યાકુબ મેમણના વકીલ આનંદ ગ્રોવરે ૬ દલીલો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. આ દરમિયાન એટર્ની જનરલ મુકુલ રહતોગીએ સરકારનો પક્ષ રજૂ કર્યો. બંને પક્ષોની ચર્ચા સાંભળ્યા બાદ જસ્ટિસ દીપક મિશ્રાએ મેમણની ફાંસી યથાવત રાખી.
જેલમાં ક્યારે શું થયું
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે સાડા ત્રણ વાગે યાકુબ મેમણને ઉઠાડવામાં આવ્યો હતો અને સ્નાન બાદ નવા કપડાં પહેરાવવામાં આવ્યા. ત્યારબાદ તેને ચાર વાગે નમાઝ માટે સમય આપવામાં આવ્યો હતો. સવારે પાંચ વાગે નાસ્તા બાદ ૬ કલાકે તેને ધાર્મિક પુસ્તકો વાંચવા માટે આપવામાં આવ્યા હતા.
ત્યારબાદ થોડા સમય માટે તેને આરામ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. સવારે સાત વાગે તેને જણાવવામાં આવ્યું હતું કે તેને ફાંસી કેમ આપવામાં આવી રહી છે. ફાંસી આપતાં પહેલાં તેને કાળા કપડાં પહેરાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન તેના યાકુબના પરિવારના લોકો પણ જેલ પરિસરમાં હાજર હતા. જેલ અધિક્ષક સહિત ૬ અધિકારીઓની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી. સવારે સાત કલાકેને એક મિનિટે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ તેના શબને પરિવારને સોંપવામાં આવ્યું છે અને તેને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઇ લઇ જવાયું છે જ્યાં તેની દફનવિધિ કરવામાં આવી છે. કહેવાય છે કે ફાંસી આપવા માટે શારીરિક અને માનસિક રીતે મજબૂત જણાતાં જેલના જ બે પોલીસ કર્મીઓને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી હતી.