પટનાઃ કેન્દ્રમાં ભાજપની સરકારને હંફાવવા માટે અંતે વિરોધપક્ષોનો બીજો મોરચો રચાયો છે. આ જનતા પરિવારમાં લાલુપ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતાદળનો વિધિસર વિલય કરવાનો આરજેડીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં નિર્ણય લેવાયો છે. બિહારમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીઓ આવે છે ત્યારે આ નવાં સમીકરણો ખૂબ મહત્ત્વનાં પુરવાર થશે. જમ્મુ-કાશ્મીર તેમ જ નવી દિલ્હીમાં ભાજપને મળેલી રાજકીય પછડાટ પછી બિહારમાં સત્તા કબજે કરવાનો મુદ્દો ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન થયો છે. બિહારમાં સત્તાની સોગઠાબાજી અત્યારથી શરૂ થઈ ગઈ છે.
રાષ્ટ્રીય જનતાદળની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં લાલુપ્રસાદે તેમની પાર્ટીના વિલયની જાહેરાત કરી હતી. લાલુપ્રસાદે કહ્યું હતું કે મુલાયમસિંહ અમારા સૌના નેતા છે. જનતા પરિવારની નવી પાર્ટીનું નામ શું હશે અને ચૂટંણીચિહ્ન શું રાખવું તે મુલાયમસિંહ યાદવ નક્કી કરશે. સૂચિત નવી પાર્ટીમાં જનતાદળ યુનાઈટેડ, રાષ્ટ્રીય જનતાદળ અને સમાજવાદી પાર્ટીએ જોડાવાનું નક્કી કર્યું છે. નવી પાર્ટીમાં કુલ ૬ પક્ષો જોડાશે તેવા સંકેતો મળે છે. નવી પાર્ટીને લગતા તમામ નિર્ણયો લેવાની સત્તા મુલાયમસિંહને આપવામાં આવી છે. આ નવા પક્ષનું નામ ‘સમાજવાદી જતતા દળ’ રખાશે.
ભાજપ જેવા દુશ્મન પક્ષને હરાવવા દુશ્મનો હવે મિત્રો બની રહ્યા છે. લાલુપ્રસાદ, નીતિશકુમાર અને મુલાયમસિંહ એક સમયે એકબીજાના કટ્ટર દુશ્મનો હતા હવે તેઓ ભાજપને હરાવવા એક બની રહ્યા છે. ત્રીજા મોરચાના અન્ય નેતાઓ જનતાદળ સેક્યુલરના એચ. ડી. દેવગોવડા, ઇન્ડિયન નેશનલ લોકદળના દુષ્યંત ચૌટાલા અને સમાજવાદી જનતા પાર્ટીના કમલ મોરારકા હાથ મિલાવે તેવી શક્યતા છે. એક સમયે લાલુપ્રસાદે ચૂંટણીઓ પછી મુલાયમસિંહ વડા પ્રધાન બને તેનો વિરોધ કર્યો હતો પણ આજકાલ તેમણે તમામ મતભેદો કોરાણે મૂક્યા હોવાનું મનાય છે.