નવી દિલ્હીઃ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ફરી વાર ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 અનુસાર, અંબાણી પરિવાર પાસે રૂ. 8.6 લાખ કરોડની સંપત્તિ છે. જોકે, તેમની નેટવર્થમાં ગયા વર્ષની સરખામણીએ લગભગ 13 ટકા એટલે કે એક લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. રૂ. 8.4 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી ભારતીય ધનિકોની યાદીમાં બીજા ક્રમે છે. તેમની સંપત્તિમાં 13 ટકાનો વધારો થયો છે.
HCLના રોશની નાદર ત્રીજા સ્થાને
ધનિકોની યાદીમાં આઇટી કંપની HCLના રોશની નાદર ભારતમાં ત્રીજા જ્યારે વિશ્વમાં પાંચમા નંબરે છે. તેમની પાસે રૂ. 3.5 લાખ કરોડની સંપત્તિ છે. રોશની નાદર વિશ્વની ટોચની 10 મહિલાઓમાં સ્થાન મેળવનારા પ્રથમ ભારતીય મહિલા છે. તેમના પિતા શિવ નાદરે તેમને HCLમાં 47 ટકા હિસ્સો આપ્યો છે.
મુંબઈમાં સૌથી વધુ અબજોપતિ
ભારતના ધનવાનોની આ યાદીમાં સન ફાર્માના દિલીપ સંઘવી રૂ. 2.5 લાખ કરોડની સંપત્તિ સાથે ચોથા સ્થાને, વિપ્રોના અઝીમ પ્રેમજી રૂ. 2.2 લાખ કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને, કુમાર મંગલમ બિરલા રૂ. 2 લાખ કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને, સાયરસ પૂનાવાલા રૂ. 2 લાખ કરોડની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને, બજાજ ઓટોના નીરજ બજાજ રૂ. 1.6 લાખ કરોડ સાથે આઠમા જ્યારે રવિ જયપુરિયા અને રાધાકિશન દમાણી રૂ. 1.4 લાખ કરોડ રૂપિયા સાથે સંયુક્ત રીતે નવમા ક્રમે છે. મુંબઈમાં અબજોપતિઓની સંખ્યા સૌથી વધુ પાંચ છે.
મસ્ક દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. તેમની સંપત્તિમાં 82 ટકાનો વધારો થયો છે. તેમની પાસે હવે કુલ 420 બિલિયન ડોલરની સંપત્તિ છે. બીજી તરફ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ હવે વિશ્વના ટોચના 10 ધનિકોની યાદીમાં સામેલ નથી. ગયા વર્ષની સરખામણીમાં તેમની કુલ સંપત્તિમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.
ભારતે ચીનને પાછળ છોડ્યું
હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ મુજબ દેશના 284 બિલિયોનેરની કુલ સંપત્તિ 10 ટકા વધીને રૂ. 98 લાખ કરોડ થઈ ગઈ છે, જે દેશના જીડીપીના ત્રીજા ભાગ છે. રસપ્રદ વાત એ છે કે, ભારતે ચીનને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં દરેક બિલિયોનેરની સરેરાશ સંપત્તિ રૂ. 34,514 કરોડ રૂપિયા છે, જ્યારે ચીનમાં તે રૂ. 29,027 કરોડ છે.