સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ૨૪ ફેબુઆરીએ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરશે. ગાંધીવાદી વિચારસરણી ધરાવનારા અણ્ણા પાટનગરમાં ખેડૂતોની સભાને સંબોધીને તાજેતરમાં સરકારે પસાર કરેલા ભૂમિ અધિગ્રહણ કાનૂનનો વિરોધ કરશે. આ સભામાં ભારતભરની આશરે ૧૦ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. આમ આદમી પાર્ટી અને નર્મદા યોજના વિરોધી મેધા પાટકર પણ આ રેલીમાં ભાગ લે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ‘આપ’ના નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે ‘જો અણ્ણા હઝારે કોઈ પણ સામાજિક આંદોલન કરશે તો અમારો પક્ષ તેને સંપૂર્ણ ટેકો આપશે.’
ં• મોદી-શરીફ વચ્ચે અબોલા તૂટ્યાઃ ભારત-પાકિસ્તાન વચ્ચે વણસેલા સંબંધો ફરીથી જોડાયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ફોન કરી ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝીલેન્ડમાં રમાઇ રહેલા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી પાકિસ્તાનની ટીમને શુભેચ્છા પાઠવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતના વિદેશસચિવો વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા અગાઉ પાકિસ્તાની રાજદૂતની કાશ્મીરના અલગતાવાદીઓ સાથેની મુલાકાતને પગલે ભારતે પાકિસ્તાન સાથેની શાંતિમંત્રણા સ્થગિત કરી દીધા બાદ પહેલીવાર બંને દેશોના વડા પ્રધાનો વચ્ચે વાતચીત થઇ છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે, મેં અફઘાનિસ્તાનના પ્રમુખ, બાંગ્લાદેશનાં વડા પ્રધાન, પાકિસ્તાનના વડા પ્રધાન અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ સિરિસેના સાથે વાત કરી વિશ્વકપ ક્રિકેટ માટે શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને ટ્વિટમાં જણાવ્યું હતું કે પાંચ સાર્ક દેશો વિશ્વકપ ક્રિકેટમાં ભાગ લઇ રહ્યા છે જે દર્શાવે છે કે ભારતીય ઉપખંડમાં ક્રિકેટ કેટલું મહત્ત્વ ધરાવે છે. ક્રિકેટ આપણા પ્રદેશમાં લોકોને જોડે છે અને શુભેચ્છાઓને પ્રોત્સાહન આપે છે.
• હિન્દુજાના લગ્નમાં હસ્તીઓનો મેળાવડોઃ હિન્દુજા જૂથના ગોપીચંદ હિન્દુજાના પુત્ર સંજય હિન્દુજા અને ફેશન ડિઝાઇનર અનુ મહેતાનીના ઉદેપુર ખાતે યોજાયેલા શાહી લગ્નમાં શિલ્પા શેટ્ટી, પ્રીતિ ઝિંટા, ડીનો મોરિયો, ફરદીન ખાન, રવીના ટંડન સહિત અનેક હસ્તીઓ આવી હતી. જોકે આમાં સૌથી મહત્વનું આકર્ષણ હોલીવૂડ સ્ટાર જેનિફર લોપેઝ હતી. આ સમારોહમાં અખાતના કેટલાક દેશોના શેખો પણ આવ્યા હતા. મલાઇકા અરોરા, અર્જુન કપૂર, રણવીર સિંહ વિગેરેએ લગ્નમાં હાજરી આપી હતી.
• હાર માટે માકન જવાબદારઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં હવે પક્ષમાં આંતરકલહ બહાર આવ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતે ચૂંટણીમાં પાર્ટીના મુખ્ય સૂત્રધાર બનેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અજય માકનને નિશાન બનાવ્યા છે. શીલા દીક્ષિતે કહ્યુ, ‘અજય માકન પર મને દયા આવે છે. ચૂંટણીમાં તેમનું ધ્યાન જ નહોતું. તે વિચારતા કે બધું એકલા જ કરી લેશે. તેમણે અન્ય કોઈને પોતાની સાથે જોડ્યા જ નહીં. તેમની આ પદ્ધતિથી પક્ષને કોઈ લાભ ન થયો. શીલા દીક્ષિતના આ વલણ પછી થોડા જ કલાક બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મુદ્દે મધ્યસ્થતા કરવાનો પ્રયત્ન કર્યો. બે નેતાઓને આ રીતે લડતા જોઇ સોનિયાએ તેમને ઠપકો પણ આપ્યો હતો. બીજા નેતાઓએ હાઇકમાન્ડ સામે આંગળી ચિંધી હતી.