એક તરફ અતુલ્ય ભારતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આમિરનું નામ કાપી નંખાયું છે. તો બીજી તરફ ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભ બચ્ચન મોદી સરકારના પ્રવાસન અભિયાન-વિજ્ઞાપનના પ્રથમ ચહેરા તરીકે પસંદગી પામ્યા છે.
એ અભિયાન માટે અમિતાભ બચ્ચન મંત્રાલયની પ્રથમ પસંદગી છે. એમ પ્રવાસન મંત્રાલયના એક સૂત્રે કહ્યું હતું. ઉપરાંત અક્ષય કુમાર, દીપિકા પદુકોણે અને પ્રિયંકા ચોપરાના નામ પણ વિચારણા હેઠળ હોવાનું સૂત્રે ઉમેર્યું હતું.
દરમિયાન આમિર ખાને કહ્યું હતું કે અભિયાન-વિજ્ઞાપનમાં હું હોઉં કે ન હોઉં ભારત તો અતુલ્ય છે જ. સરકારનો એ અધિકાર છે કે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખે. હું સરકારના એ નિર્ણયનો આદર કરું છું. ઉલ્લેખનીય છે કે આમિર ખાનને એ વિજ્ઞાપનમાં દેખાડનાર કંપનીનો રૂ. ત્રણ કરોડનો કરાર હતો.
તેમણે કહ્યું હતું કે પીઢ અભિનેતા બચ્ચન બિન વિવાદાસ્પદ વ્યક્તિ છે અને ગુજરાત પ્રવાસનના પ્રમોશન માટે તેઓ મુખ્ય ચહેરો હતા અને તેમના પછી ગુજરાતના પ્રવાસનને ખૂબ વેગ મળ્યો હતો. અસહિષ્ણુતા અંગેના નિવેદનોના કારણે ભાજપ એનાથી નારાજ હોવાનું જણાતા ખાનના કોન્ટ્રાક્ટને રિન્યુ કરવામાં નહીં આવતા હવે બચ્ચન એ ઝુંબેશમાં દેખાશે. એક ખાનગી એજન્સીએ આમિરને અભિયાન માટે રાખ્યો હતો. હવે એ એજન્સી સાથે કરાર પૂરો થતાં આપોઆપ જ એમાંથી બાકાત રહેશે. એમ પ્રવાસન પ્રધાન મહેશ શર્માએ કહ્યું હતું.