નવી દિલ્હી: રિસર્ચ ફર્મ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી અદાણી ગ્રૂપના શેરોમાં જોવા મળેલા ધબડકા અંગે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા નિષ્ણાતોનાં નામ સૂચવેલું સીલબંધ કવર સ્વીકારવા કોર્ટે ઈનકાર કર્યો છે. દેશની સર્વોચ્ચ અદાલત હવે અદાણી કેસની તપાસ જાતે કરવા માંગે છે. આ માટે તે પોતે તપાસ સમિતિ રચશે. કોર્ટ આ કેસમાં પારદર્શકતા ઈચ્છે છે. કોઈ લાપરવાહી ચલાવી લેવાનાં મૂડમાં નથી. ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે, કેસની તપાસ કરવા કોર્ટ જાતે નિષ્ણાતોની પસંદગી કરશે અને તપાસ સમિતિ રચશે. કોર્ટે કહ્યું હતું કે આ અંગેનો નિર્ણય હવે અમારી પર છોડી દેવો જોઈએ. કોર્ટે આ પછી તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
બેન્ચે શું કહ્યું?ઃ ચીફ જસ્ટિસે કહ્યું કે, જો અમે સરકારે સૂચવેલા નામ સ્વીકારીએ તો તે સરકાર દ્વારા રચાયેલી સમિતિ સમાન ગણાય. સમિતિ એવી હોવી જોઈએ કે જેમાં જનતાને પૂરેપૂરો વિશ્વાસ હોય. બેન્ચે કહ્યું કે અમે કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજના વડપણ હેઠળ સમિતિ રચીશું નહીં. અમે સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત જજનાં વડપણ હેઠળ તપાસ સમિતિ રચીશું. બેન્ચ દ્વારા આ મામલે ચાર પીઆઇએલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચમાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ પી. એસ. નરસિંહા તેમજ જસ્ટિસ જે. બી. પારડીવાલાનો સમાવેશ થાય છે.