નવી દિલ્હીઃ અદાણી ગ્રૂપ-હિન્ડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત સમિતિની રચના કરી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે ગયા ગુરુવારે કહ્યું હતું કે આ સમિતિનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એ.એમ. સપ્રે કરશે. આ ઉપરાંત આ સમિતિમાં ઓ.પી. ભટ્ટ, જસ્ટિસ જે.પી. દેવધર, બેન્કર કે.વી. કામથ, ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નીલેકાની અને સોમશેખર સુંદરેશનને પણ સામેલ કરવામાં આવ્યા છે.
કોર્ટે એમ પણ કહ્યું હતું કે સેબી આ મામલામાં પોતાની તપાસને જારી રાખશે અને બે મહિનામાં કોર્ટને રિપોર્ટ સોંપશે.
બીજી તરફ, અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને કહ્યું છે કે અદાણી ગ્રૂપ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરે છે. અંતે સત્યની જીત થશે.
‘સુપ્રીમ’ સમિતિના છ નિષ્ણાતો કોણ?
• જસ્ટિસ અભય મોહન સપ્રે (અધ્યક્ષ): સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત જજ છે. રાજસ્થાન, છત્તીસગઢ, મણિપુર અને ગુવાહાટી હાઇ કોર્ટમાં જજ તરીકે રહી ચૂક્યા છે.
• ઓ.પી. ભટ્ટ: પાંચ વર્ષ એસબીઆઇના ચેરમેન રહ્યા હતા. બેન્કના આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા.
• જસ્ટિસ જે.પી. દેવધરઃ ભારત સરકારના વકીલ રહ્યા હતા. લાંબા સમય સુધી આવકવેરા વિભાગના સ્ટેન્ડિંગ કાઉન્સેલ ((સ્થાયી વકીલ) રહ્યા હતા. 2001માં મુંબઇ હાઇ કોર્ટના એડિશનલ જજ બન્યા હતા.
• નંદન નીલેકાની: નારાયણ મૂર્તિની સાથે 1981માં ઇન્ફોસિસની સ્થાપના કરી હતી. 2009માં ભારતીય ખાસ ઓળખ સત્તા (UIDAI)ના ચેરમેન બન્યા હતા. આધારકાર્ડ માટે આઇડિયા આપ્યા હતા.
• કે.વી. કામથઃ આઇસીઆઇસીઆઇ બેન્કના ચેરમેન રહ્યા હતા. ઇન્ફોસિસના ચેરમેન બન્યા હતા. 2021માં સરકારે એનએબીએફઆઇડીના ચેરમેન બનાવ્યા.
• સોમાશેખર સુંદરેશનઃ જાણીતા વકીલ છે અને સેબીની કેટલીક સમિતિઓમાં સામેલ રહ્યા છે. 2011માં જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણાના નેતૃત્વમાં ફાઈનાન્સિયલ સેક્ટર સુધારા પંચના સલાહકાર રહ્યા હતા.