અમદાવાદ: ચેરમેન ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી જૂથ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહ્યું છે. પાવર જનરેશન, નેચરલ ગેસ, પોર્ટ, એરપોર્ટ, રિન્યુએબલ એનર્જી બાદ હવે કંપનીએ સિમેન્ટ ઉત્પાદન ક્ષેત્રે વિસ્તરણ શરૂ કર્યું છે. અદાણી ગ્રૂપે સ્વિત્ઝર્લેન્ડની હોલ્સિમ જૂથની અંબુજા અને એસીસી લિમિટેડનો એક હિસ્સો 10.5 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 81,375 કરોડમાં ખરીદી લીધો છે.
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીના અદાણી જૂથે વિશ્વની સૌથી મોટી સિમેન્ટ કંપની હોલ્સિમ ગ્રૂપની બે કંપનીનો ભારત ખાતેનો બિઝનેસ ખરીદી લીધો છે. આ માટે ખરીદીની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અદાણી ગ્રૂપ સિમેન્ટ ક્ષેત્રે સક્રિય બન્યું છે. આ માટે અદાણી ગ્રૂપે જૂન 2021માં અદાણી સિમેન્ટ લિમિટેડ નામે નવી કંપની બનાવી હતી. આ ઉપરાંત અદાણી ગ્રૂપ પાસે અદાણી સિમેન્ટેશન લિમિટેડ નામે પણ એક સિમેન્ટ કંપની છે, જે અંતર્ગત ગુજરાતમાં એક ઇન્ટિગ્રેટેડ ફેસિલિટીનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
હોલ્સિમ જૂથનો ભારતમાં વેપાર
હોલ્સિમ જૂથની કંપનીઓ છેલ્લા 17 વર્ષથી ભારતમાં વેપાર કરી રહી છે. ભારતમાં તેની પાસે ત્રણ મુખ્ય બ્રાન્ડ છે જેમાં અંબુજા સિમેન્ટ, એસીસી લિમિટેડ અને માઇસેનનો સમાવેશ થાય છે. આ પૈકી અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડ શેરબજારમાં લિસ્ટેડ છે. અંબુજા સિમેન્ટમાં હોલ્સિમ તેની પેટા કંપનીઓ થકી 63.19 ટકા હિસ્સો ધરાવે છે. આમ એસીસીમાં અંબુજા સિમેન્ટની 50.05 ટકા ભાગીદારી છે, જ્યારે એસીસીમાં હોલ્સિમનો 54.53 ટકા હિસ્સો છે.
હોલ્સિમ ગ્રૂપનો ભારતીય બજારનો હિસ્સો ખરીદવા અદાણી જૂથ ઉપરાંત જેએસડબલ્યૂએ પણ તૈયારી બતાવી હતી. જોકે બાદમાં હોલ્સિમ જૂથનો ભારતીય હિસ્સો ખરીદવામાં અદાણી જૂથને સફળતા મળી છે.
અદાણીને આ સોદાથી શું લાભ?
અદાણી ગ્રૂપ ઝડપથી સિમેન્ટ ક્ષેત્રે વિસ્તરણની યોજના બનાવી રહ્યું છે, જ્યારે હોલ્સિમ પોતાના કોર માર્કેટ પર ફોકસ કરવા માટે ભારતનો હિસ્સો વેચવા ઈચ્છતું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ પછી ભારતના બજારમાં હોલ્સિમ બીજી સૌથી મોટી કંપની છે. અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડની કુલ ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ધોરણે ૭૦ મિલિયન ટન છે. અદાણી ગ્રૂપ આ બંને કંપનીઓનો હિસ્સો ખરીદી રહ્યું છે. આમ તે ઝડપભેર ભારતના મહત્ત્વપૂર્ણ બજારમાં બીજા નંબરની સૌથી મોટી કંપની બની જશે.