નવી દિલ્હી: અદાણી મામલે મંગળવારે સતત ત્રીજા દિવસે સંસદનાં બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ રહી હતી. વિપક્ષોએ સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની માગ અને ગૃહમાં આ મામલે ચર્ચાની માગણી કરી હતી. તો સત્તા પક્ષે પહેલાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાની માગ કરી છે. પરિણામે સમગ્ર વિપક્ષે સંસદની અંદર તો હંગામો કર્યો. વળી સંસદ પરિસરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ પણ સામૂહિક પ્રદર્શન કર્યું. કોન્ગ્રેસ આ લડાઈને સંસદના અંદર અને બહાર બન્ને સ્તર પર લડતી દેખાઈ હતી. પક્ષે દેશભરની એલઆઇસી અને એસબીઆઇની ઓફિસની બહાર પ્રદર્શન કર્યું હતું.
અદાણી મામલે હિન્ડનબર્ગની રિપોર્ટ વડા પ્રધાન મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર માટે મુસીબત બનતી દેખાય છે. બજેટ સત્રને એક સપ્તાહ થઈ ગયું હોવા છતાં બજેટ રજૂ થવા સિવાય કંઈ જ થયું નથી. વિપક્ષે અદાણી મામલે સરકારને ચારે તરફથી ઘેરો ઘાલ્યો છે. બન્ને ગૃહમાં ભારે હંગામાથી સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. એ પહેલાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના રૂમમાં સામૂહિક રણનીતિ બનાવવા માટે બેઠક આયોજિત કરવામાં આવી હતી. ત્યાર બાદ વિપક્ષે ગાંધીની પ્રતિમાની સામે પ્રદર્શન કર્યું હતું.
વડા પ્રધાન ચર્ચા નહીં જ કરે: રાહુલ ગાંધી
કોન્ગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદમાં અદાણી મામલે ચર્ચા ન થાય એના માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બનતા પ્રયત્નો કરશે. એનું એક કારણ છે જે તમે જાણો છો. હું ઇચ્છું છું કે અદાણી મામલે ચર્ચા થવી જોઈએ તેમ જ સત્ય બહાર આવવું જોઈએ. લાખો અને કરોડોનો ભ્રષ્ટાચાર સામે આવવો જોઈએ. દેશને ખબર પડવી જોઈએ કે અદાણી પાછળ કોની તાકાત છે. ઘણાં વર્ષોથી હું સરકાર મામલે હમ દો હમારે દોની વાત કરુ છું. સરકાર નથી ઇચ્છતી કે સંસદમાં આની ચર્ચા થાય. તેથી બચવાના તમામ પ્રયત્નો કરશે.