અનામત મુદ્દે લાલુ યાદવ વિફર્યા

Wednesday 23rd September 2015 08:17 EDT
 

નવીદિલ્હીઃ અનામત અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કરેલી ટિપ્પણી બાદ તિવ્ર નારાજ થયેલા બિહારના લાલુપ્રસાદ યાદવે સંઘ અને ભાજપને હિંમત હોય તો અનામતપ્રથાનો અંત લાવવા પડકાર ફેંક્યો હતો.
લાલુએ વિવિધ સમુદાયોની વસ્તીના પ્રમાણમાં અનામતની ટકાવારી વધારવાની ધમકી આપી હતી. લાલુએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તમે લોકો અનામતપ્રથા નાબૂદ કરવાની વાત કરો છો. અમે વસ્તીના પ્રમાણમાં વિવિધ સમુદાયો માટે અનામતની ટકાવારી વધારીશું, જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો અનામતપ્રથા નાબૂદ કરી બતાવો અને પછી જુઓ કે કોની પાસે કેટલી તાકાત છે.
લાલુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનામત મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવાનો પડકાર ફેંકી જણાવ્યું કે મોદી લોકોને જણાવે કે તેઓ મોહન ભાગવતની સલાહ પર અનામતપ્રથા રદ કરશે કે કેમ? લાલુએ ધમકી આપી હતી કે અનામતપ્રથા નાબૂદ કરવા ભાજપ અને સંઘ ગમે તેટલું વ્યૂહાત્મક વાતાવરણ સર્જે પણ દેશની વસ્તીમાં રહેલા ૮૦ ટકા પછાત અને દલિત તેમને જડબાતોડ જવાબ આપશે.
...તો પણ સીએમ તો
નીતીશકુમાર જ બનશે
 રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ પોતાના સહયોગી પક્ષોને આશ્વાસન આપવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. લાલુ પોતાની છબીને કારણે પણ જનતાનો ભરોસો હાંસલ કરવા માટે નીતિશકુમારને આગળ ધરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લાલુપ્રસાદે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં જો નીતીશની પાર્ટીને અમારા કરતા ઓછી બેઠકો મળશે તો પણ મુખ્ય પ્રધાન તેઓ જ રહેશે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં લાલુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું.

• બિહારમાં ત્રિપાંખિયો જંગઃ બિહાર વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રચાયેલાં મહાગઠબંધન તૂટ્યા પછી હવે સમાજવાદી પાર્ટીએ ચૂંટણીને ત્રીજા મોરચાને ઉતારવાની જાહેરાત કરી છે. સમાજવાદી પાર્ટીના જનરલ સેક્રેટરી રામગોપાલ યાદવે જણાવ્યું હતું કે, સમાજવાદી પાર્ટી, એનસીપી, પૂર્વ લોકસભા સ્પીકર પી. એ. સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને માંઝીથી અલગ થનારા દેવેન્દ્ર યાદવે બનાવેલી નવી પાર્ટી સમાજવાદી જનતાદળ-ડેમોક્રેટિક આ મોરચાનો ભાગ હશે અને તે બિહારની તમામ ૨૪૩ બેઠકો પરથી ચૂંટણી લડશે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ ત્રીજા મોરચાની આગેવાની માંઝીની પાર્ટી ‘હમ’ છોડીને સમાજવાદી પાર્ટીમાં સામેલ થનારા દેવેન્દ્ર યાદવ કરશે.

• બિહારમાં પાસવાનના જમાઈનો બળવોઃ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએમાં બેઠકોનો કલહ ચાલી રહ્યો છે તો બીજી બાજુ એનડીએના ઘટક એલજેપીના વડા રામ વિલાસ પાસવાન સામે તેમના જમાઈએ બળવો પોકાર્યો છે. તેમને વિધાનસભાની ટિકિટ નહીં અપાતા દલિત સેનાના ઉમેદવાર તરીકે બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઝુકાવવાનું તેમણે નક્કી કર્યું છે. ગુસ્સે ભરાયેલા પાસવાનના જમાઈએ દલિત સેનાના તમામ જિલ્લા પ્રમુખોની એક તાકીદની બેઠક બોલાવી હતી અને પાસવાનની નનામી બાળવાનું પણ નક્કી કર્યું છે. દલિત સેના રામવિલાસ પાસવાને ઊભું કરેલું નબળા વર્ગ માટેનું સંગઠન છે.
• બિહારના મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીમાં સમાધાનઃ બિહાર વિધાનસભાની ચૂંટણી માટે તમામ ૨૪૩ બેઠકોની વહેંચણી અંગે સેક્યુલર મહાગઠબંધનમાં અંતે સમાધાન થયું છે. આ વહેંચણી મુજબ જેડીયુ અને રાજદ ૧૦૧-૧૦૧ બેઠકો પરથી જ્યારે કોંગ્રેસ ૪૧ બેઠકો પરથી ચૂંટણી લડશે. અગાઉ ત્રણેય પક્ષોએ એક-એક બેઠક એનસીપી માટે છોડી હતી પરંતુ એનસીપી આટલી ઓછી બેઠકો પર ચૂંટણી લડવા તૈયાર ન હોવાના કારણે તેમ જ તેણે મુલાયમસિંહની સમાજવાદી પાર્ટી તથા એનપીપી સાથે મળીને ત્રીજો મોરચો રચતાં મહાગઠબંધનમાં એનસીપીને ફાળવાયેલી ત્રણ બેઠકોમાંથી છેવટે જેડીયુ, રાજદ અને કોંગ્રેસે એક-એક બેઠક વહેંચી લીધી છે.
• બિહારમાં શિવસેના ભાજપ વગર ૧૫૦ સીટ પરથી ચૂંટણી લડશેઃ એનડીએનો ઘટક પક્ષ અને બિહારમાં નોંધનીય હાજરી ન ધરાવતી શિવસેનાએ સ્વબળે રાજ્યમાં ચૂંટણીમાં ઝંપલાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેની મહારાષ્ટ્રમાં પરપ્રાંતીયો વિરુદ્ધની છબી હરીફો દ્વારા ઉઠાવવામાં આવેલી ખોટી વાતો છે એવું તેનું જણાવવું છે. પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય રાઉતે પટનામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ સાથે સત્તામાં ભાગીદાર શિવસેના બિહારમાં ૧૫૦ સીટ પરથી ચૂંટણી લડશે.
• રામનો જન્મ ૧૦ જાન્યુ., ઈ.સ. પૂર્વે ૫,૧૧૪ના રોેજ થયો હતોઃ ‘રામ હતા અને સાચે જ અસ્તિત્વ ધરાવતા હતાં, તેમનો જન્મ ૧૦ જાન્યુઆરી, ઈ. સ., ૫૧૧૪ના રોજ થયો હતો. અત્યાર સુધી મહાભારતના યુદ્ધ અને ભગવાન રામની જન્મતારીખ અંગે સ્પષ્ટપણે કંઈ કહી શકાતું ન હતું. જોકે દિલ્હીમાં યોજાયેલા એક પ્રદર્શનમાં આ બંને ઐતિહાસિક ઘટનાઓની ચોક્કસ તારીખો જાણવા મળી છે. દિલ્હીમાં યોજાયેલાં યૂનિક એક્ઝિબિશન ઓન કલ્ચરલ કન્ટીન્યુટી ફ્રોમ ઋગ્વેદ ટુ રોબોટિક્સમાં આ બંને તારીખો જાણવા મળી છે. ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચે યોજેલા આ પ્રદર્શનમાં જણાવ્યા મુજબ ભગવાન રામનો જન્મ ઈ.પૂ. ૫૧૧૪ની વર્ષમાં ૧૦ જાન્યુઆરીએ ૧૨.૦૫ કલાકે થયો હતો. જ્યારે મહાભારતનું યુદ્ધ ઈ.પૂ. ૩૧૩૯ની ૧૩ ઓક્ટોબરે થયું હતું. ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર સરોજ બાલાએ જણાવ્યું હતું કે લાંબા સમયના સંશોધન તથા સોફ્ટવેરની મદદથી આ તારીખોની જાણકારી મળી છે. આ માટે ઋગ્વેદ ઉપરાંત રામાયણ અને મહાભારતની મદદ લેવાઈ હતી.
• અમેરિકા પાસેથી ભારત રૂ. ૧૮,૯૫૧ કરોડનાં હેલિકોપ્ટરની ખરીદશેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ પહેલાં ભારત અમેરિકા પાસેથી ૩.૧ બિલિયન ડોલરનાં હેલિકોપ્ટર ખરીદશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર સંઘની સભામાં હાજરી આપવા માટે ૨૩થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે છે. નાણાં મંત્રાલયે તેમના પ્રવાસ પહેલાં ૨૨ એપેક એટેક અને ૧૫ ચિન્કુ હેવી હેલિકોપ્ટર ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ હેલિકોપ્ટરનો સોદો ત્રણ વર્ષ પહેલાં થયો હતો. હેલિકોપ્ટરના ભાવમાં ૧૩ વખત સુધારો થયા બાદ આ ડીલ અટવાયું હતું.
• કાશ્મીર કયારેય પાકિસ્તાનનો ભાગ નહીં બનેઃ જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સ (એનસી)ના નેતા ફારૂક અબ્દુલ્લાએ પરમાણુ યુદ્ધના જોખમના માધ્યમથી કાશ્મીર સમસ્યાના ઉકેલની શક્યતાને ફગાવી છે. તેઓ કહે છે કે કાશ્મીર ક્યારેય પાકિસ્તાનનો ભાગ નહીં બને. સમસ્યાના ઉકેલ માટે મંત્રણા જ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મહત્ત્વનો એજન્ડા છે. અબ્દુલ્લા ‘અ કન્વર્ઝેશન ઓન જમ્મુ એન્ડ કાશ્મીર’ અંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. આ કાર્યક્રમમાં રોના પૂર્વ વડા એ.એસ. દુલાત પણ ઉપસ્થિત રહ્યા હતા.
• સોનિયા-રાહુલ સામે કેસની ફેર તપાસ થશેઃ નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરો (ઈડી) ફરી તપાસ ચાલુ કરશે. ગત મહિને ઈડીના પૂર્વ વડા રાજન એસ. કટોચની ભલામણના આધારે કોંગ્રેસના વડા સોનિયા ગાંધી, નાયબ વડા રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ વિરુદ્ધની તપાસને ટેકનિકલ કારણોસર બંધ થઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter