મુંબઈઃ શેરબજારના નિયમનકાર ‘સેબી’ દ્વારા ફંડની હેરાફેરી અને ઉચાપત કેસમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર શેરબજારમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ ફરમાવાયો છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સ લિમિટેડના ફંડની ઉચાપત અને ગેરરીતિનાં કેસમાં તેમને રૂ. 25 કરોડનો દંડ પણ કરાયો છે. અનિલ અંબાણી પર કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટરના હોદા પર રહેવા સામે પણ મનાઇ ફરમાવાઇ છે. ‘સેબી’એ રિલાયન્સ હોમ ફાઈનાન્સ (RHFL)નાં પૂર્વ પ્રમુખ સહિત અન્ય 24 સંસ્થાઓ પર સ્ટોક માર્કેટમાં પ્રતિબંધ લગાવ્યો છે. દરેક પર જુદી જુદી રકમનો દંડ ફટકારાયો છે. RHFL પર 6 મહિના માટે પ્રતિબંધ લગાવીને રૂ. 6 લાખનો દંડ કરાયો છે. અનિલ અંબાણીએ RHFLનાં અધિકારીઓની મદદથી પૈસાની હેરાફેરી કરીને આ રકમનો અંગત વપરાશ માટે ઉપયોગ કર્યો હતો. આ રકમ જુદી જુદી કંપનીને લોન તરીકે અપાયાનું હિસાબોમાં દર્શાવાયું હતું.
કઈ રીતે ગેરરીતિ આચરી?
RHFLમાંથી અંગત ઉપયોગ માટે નાણાં વાપરવા અનિલ અંબાણીએ કંપનીના કી મેનેજમેન્ટ પર્સોનલ (કેએમપી) સાથે મળી સ્કીમ બનાવી. આ માટે RHFL દ્રારા અનિલ અંબાણી સાથે જ સંકળાયેલી કંપનીઓને જનરલ પર્પઝ વર્કિંગ લોન અપાઇ. જે કંપનીઓને લોન અપાઇ તેની આવક શૂન્ય હતી કે બહુ ઓછી હતી. આથી ‘સેબી’એ તપાસ શરૂ કરી. તપાસમાં ખૂલ્યું કે અનિલ અંબાણી કૌભાંડના માસ્ટર માઈન્ડ છે અને આ ગેરરીતિ તેના ભેજાની દેન હતી. અનિલ અંબાણી સાથે સંકળાયેલી જે કંપનીઓને લોન અપાઇ હતી તે રકમ પરત કરવામાં નિષ્ફળ જતાં રિઝર્વ બેન્કના નિયમો અનુસાર કંપનીને રિઝોલ્યુશન પ્રોસેસ કરવી પડી અને શેરનો ભાવ એક રૂપિયાથી પણ નીચે ગયો.
લોન પેટે હજી રૂ. 8,884 કરોડ લેણાં
અનિલ અંબાણીએ RHFLમાંથી કેટલી લોન લીધી અને અંગત ખર્ચમાં તેનો ઉપયોગ કર્યો એ ઉલ્લેખ તો ‘સેબી’ના આદેશમાં નથી, પણ અહેવાલો મુજબ RHFLને જંગી રકમની લોન આપનારી બેંકોના કોન્સોર્ટિયમની આગેવાની બેંક ઓફ બરોડાએ લીધી હતી અને બેંક ઓફ બરોડાએ RHFLની કાયદેસરની ઓડિટર કંપની પીડબ્લ્યુસી અને અન્ય એક કંપની ગ્રાન્ટ થોર્નટન પાસે RHFLનું ફોરેન્સિક ઓડિટ કરાવ્યું હતું. ‘સેબી’એ આ ફોરેન્સિક ઓડિટ રિપોર્ટની નોંધ લીધી હતી. સમાચાર માધ્યમોમાં ચમકેલા અહેવાલો મુજબ આ રિપોર્ટમાં થયેલા ઉલ્લેખ મુજબ RHFLએ અનિલ અંબાણીની કંપનીઓને આપેલી લોનમાંથી હજી રૂ. 8,884 કરોડની રકમ ચુકવવાની બાકી છે.
કોની સામે કેવા પગલાં લેવાયા?
અનિલ અંબાણીને RHFLમાંથી ફંડ ડાઇવર્ટ કરવામાં અન્ય સંસ્થાઓ દ્વારા પણ મદદ કરાઇ હતી. આથી ‘સેબી’એ અનિલ અંબાણી ઉપરાંત અમિત બાપનાને રૂ. 27 કરોડ, રવીન્દ્ર સુધાલકર રૂ. 26 કરોડ અને પિંકેશ શાહને રૂ. 21 કરોડ દંડ ફટકાર્યો છે. તો રિલાયન્સ યુનિકોર્ન, રિલાયન્સ એક્સ્ચેન્જ નેકસ્ટ સહિતની અન્ય કંપનીઓને પણ ફંડની ઉચાપત અને હેરાફેરી માટે રૂ. 25-25 કરોડનો દંડ ફટકાર્યો છે.