ઉફા (રશિયા), ઇસ્લામાબાદ, નવી દિલ્હીઃ પાકિસ્તાને તેની જૂનીપુરાણી આદતને અનુસરતા પોત પ્રકાશ્યું છે. રશિયામાં વોલ્ગા નદીના કિનારે ભારત અને પાકિસ્તાનના વડા પ્રધાનો નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાયાને ચાર દિવસ પણ નથી થયા ત્યાં પાંચ મુદ્દાના સંયુક્ત નિવેદનમાં સમાવાયેલી બે જાહેરાતોમાં પાકિસ્તાને ફેરવી તોળ્યું છે.
રવિવારે પાકિસ્તાને મુંબઈ પર થયેલા આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ ઝકી ઉર રહેમાન લખવીનાં વોઇસ સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો. આના બીજા દિવસે પાકિસ્તાને એવું જાહેર કર્યું હતું કે જ્યાં સુધી દ્વિપક્ષીય મંત્રણાના એજન્ડામાં કાશ્મીર મુદ્દાનો સમાવેશ નહીં થાય ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇ મંત્રણા નહીં થાય.
આ બન્ને મુદ્દા સંયુક્ત નિવેદનમાં હતા. બન્ને દેશો એ વાતે સંમત થયા હતા કે કાશ્મીર મુદ્દો બેક ચેનલ ડિપ્લોમસીથી એટલે કે પરદા પાછળની કૂટનીતિથી ઉકેલવાના પ્રયાસ થશે. જ્યારે મુંબઇ પરના આતંકવાદી હુમલાના કેસમાં પાકિસ્તાને ખાતરી આપી હતી કે તે મુખ્ય આરોપી લખવીના અવાજનો નમૂનો ભારત સરકારને આપશે.
મંત્રણામાં કાશ્મીર, લખવી હતા
રશિયામાં નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફ વચ્ચે યોજાયેલી મુલાકાતની માહિતી આપતાં પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝે સોમવારે ઇસ્લામાબાદમાં જણાવ્યું હતું કે કાશ્મીર એજન્ડા પર નહીં હોય ત્યાં સુધી ભારત સાથે કોઇ મંત્રણા નહીં થાય. પાકિસ્તાન તેનાં સન્માન અને ગૌરવ સાથે કોઇ સમાધાન નહીં કરે. મુંબઇ પરના આતંકવાદી હુમલાના કેસમાં અઝીઝે જણાવ્યું હતું કે આ કેસમાં પાકિસ્તાનને ભારત પાસેથી વધુ પુરાવા અને માહિતીની જરૂર છે. કેસ ઝડપી બનાવવા અમારે વધુ માહિતીની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે બન્ને દેશના વડા પ્રધાનો વચ્ચે બેઠક યોજાયા બાદ જાહેર થયેલા સંયુક્ત નિવેદનમાં પાકિસ્તાનની અદાલતમાં ચાલી રહેલા મુંબઇ આતંકવાદી હુમલા કેસની સુનાવણી ઝડપી બનાવવા અને લખવી સહિતના આરોપીઓનાં વોઇસ સેમ્પલની આપ-લે કરવા પાકિસ્તાને સંમતિ દર્શાવ્યાનો ઉલ્લેખ છે.
વોઇસ સેમ્પલ તો નહીં જ
રવિવારે પાકિસ્તાને જાહેર કર્યું હતું કે લખવીનાં વોઇસ સેમ્પલ ભારતને અપાશે નહીં. સરકારી વકીલ ચૌધરી અઝહરે જણાવ્યું હતું કે ચાર વર્ષ પહેલાં ૨૦૧૧માં રાવલપિંડીની કોર્ટે લખવીનાં વોઇસ સેમ્પલ મેળવવાની અરજી નકારતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં આરોપીનાં વોઇસ સેમ્પલ લેવા અંગેનો કોઇ કાયદો અસ્તિત્વમાં ન હોવાથી મુંબઇ હુમલા કેસમાં લખવીનાં વોઇસ સેમ્પલ મેળવવાની નવી અપીલ પાકિસ્તાન સરકાર અદાલતમાં નહીં કરે.
બીજી તરફ, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે મુંબઇ હુમલા કેસમાં અપરાધ પુરવાર કરવા માટે લખવીનાં વોઇસ સેમ્પલ જરૂરી છે, જેથી હુમલા વખતે કરાચીના કન્ટ્રોલ રૂમમાં હાજર લોકોના અવાજ સાથે તેના અવાજને સરખાવી શકાય.
અલગતાવાદીને ઇદની દાવત
દિલ્હીસ્થિત પાકિસ્તાની દૂતાવાસમાં ૨૧મી જુલાઇએ યોજાયેલા ઇદ મિલનના કાર્યક્રમમાં રાજદૂત અબ્દુલ બાસિતે ભારતની નારાજગી છતાં કાશ્મીરી અલગતાવાદીને આમંત્રણ આપ્યું છે. અગાઉ મોદી-શરીફની મુલાકાતને ધ્યાનમાં રાખી આ આમંત્રણ પાછું ખેંચી લેવાયું હતું.
હવે મંત્રણા કરશો? કોંગ્રેસ
પાકિસ્તાને દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન આપેલી ખાતરીમાં ફેરવી તોળ્યું છે તે અંગે પ્રતિભાવ આપતા કોંગ્રેસના નેતા આર.પી.એન. સિંહે કહ્યું હતું કે પાકિસ્તાનને ઝકી ઉર રહેમાન લખવી સંબંધિત તમામ પુરાવા અપાયા છે. અઝીઝનાં નિવેદન પરથી હવે આગામી સમયમાં તેમની સાથે નવી દિલ્હીમાં મંત્રણા કરાશે કે કેમ તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કરવી જોઇએ.
અઝીઝના નિવેદન સંદર્ભે ભાજપના પ્રવક્તાએ કહ્યું હતું કે બન્ને દેશોએ રશિયાના ઉફામાં સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની દિશા તેના આધારે જ નક્કી થશે.