નવી દિલ્હી, કોલકતાઃ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીનાં નેતૃત્ત્વમાં તૃણમૂલ કોંગ્રેસે (ટીએમસી)એ પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળમાં મળેલી જીત બાદ એક પત્રકાર પરિષદમાં ફક્ત મોદી સરકારને જ નહીં, પરંતુ ડાબેરીઓ અને કોંગ્રેસને પણ આડે હાથ લીધા હતા. મમતા બેનરજીએ જણાવ્યું કે, 'અમને હરાવવા માટે બધા જ એકસંપ થઈ ગયા હતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસે એકલા હાથે લડીને જીત હાંસલ કરી છે અને એ સાબિત કરી આપ્યું છે કે, જનતા અમારી સાથે છે.
એક સવાલના જવાબમાં મમતા બેનરજીએ કહ્યું કે, વડા પ્રધાન પદ માટે મારું કદ હજુ ઘણું નાનું છે. ઉલ્લેખનીય છે કે, મમતા ૨૭ મેના રોજ મુખ્ય પ્રધાનપદના શપથ ગ્રહણ કરશે.
શારદા ચીટ ફંડ કૌભાંડ અને નારદા સ્ટિંગ ઓપરેશનને લઇને વિરોધ પક્ષોએ મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવ્યું હતું. જોકે આ કથિત કૌભાંડો અને સ્ટિંગ મમતાનું ખાસ કંઈ બગાડી શક્યાં નથી.
ભાજપને TMCનું સમર્થન
કોંગ્રેસ સંબંધે પૂછવામાં આવેલા સવાલ પર તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે ડાબેરીઓ સાથે જોડાઇને ગઠબંધનની રાજનીતિને દૂષિત કરી છે. ભાજપ સાથે ભલે અમારા વૈચારિક મતભેદ રહ્યા, પરંતુ જનતાની ભલાઈના મુદ્દે અમે તેમનું સમર્થન કરવા માટે તૈયાર છીએ. અમે જીએસટીનું સમર્થન કરીશું.