અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ફ્રોડઃ ૧૦ ભારતીય સહિત ૨૧ની ધરપકડ

Thursday 07th April 2016 08:47 EDT
 
 

વોશિંગ્ટનઃ આશરે એક હજાર વિદેશી સ્ટુડન્ટ્સને સંડોવતા વિઝા ફ્રોડના કેસમાં અમેરિકાની કાયદા એજન્સીઓએ ૧૦ ભારતીય અમેરિકનો સહિત ૨૧ની ધરપકડ કરી છે. જેમાં જ્યોતિ પટેલ નામની ગુજરાતી યુવતીનો પણ સમાવેશ થાય છે. ન્યૂ યોર્ક, ન્યૂ જર્સી, વોશિંગ્ટન અને વર્જિનિયામાંથી ધરપકડ કરાયેલામાં બ્રોકર, રિક્રૂટર અને એમ્પ્લોયરનો સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા પ્રમાણે, આરોપીઓએ પે-ટુ-સ્ટે ન્યૂ જર્સી કોલેજનાં માધ્યમથી ૧,૦૦૦થી વધુ વિદેશીઓને સ્ટુડન્ટ અને ફોરેનવર્કર વિઝા અપાવવાનું કૌભાંડ આચર્યું છે. અમેરિકાની વિવિધ એજન્સીઓના અંડરકવર એજન્ટ્સે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અમેરિકાના એટર્ની પોલ જે. ફિશરમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓએ કરેલાં અંડરકવર ઓપરેશનના કારણે અમેરિકાનાં સંખ્યાબંધ રાજ્યોમાં આર્થિક લાભ માટે અમારી ઇમિગ્રેશન સિસ્ટમનો ગેરલાભ લેનારી ૨૧ વ્યક્તિને ઝડપી લેવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. પે ટુ સ્કીમ્સ માત્ર અમારા કાયદેસર વિદ્યાર્થી અને વિદેશી કામદાર વિઝા કાર્યક્રમોને નુકસાન નથી પહોંચાડી રહી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ વાસ્તવિક જોખમરૂપ છે.
બુધવારે જાહેર કરાયેલી ફેડરલ કમ્પલેઇન્ટ અનુસાર આરોપીઓ પૈકીના ઘણા કથિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે રિક્રૂટિંગ કંપનીઓ ચલાવતા હતા. યુનિવર્સિટી ઓફ નોર્ધન ન્યૂ જર્સી (યુએનએનજે)માં વિદેશી નાગરિકોને વિદ્યાર્થી તરીકે પ્રવેશ અપાવવાની કથિત યોજનામાં સંડોવણી માટે તેમની ધરપકડ કરાઈ છે.

ફેડરલ એજન્સીઓનું સ્ટિંગ ઓપરેશન

અમેરિકાના ફેડરલ એજન્ટોએ સપ્ટેમ્બર ૨૦૧૩માં બનાવટી યુનિવર્સિટી યુએનએનજેની સ્થાપના કરી હતી. યુએનએનજેનાં માધ્યમથી અંડરકવર એજન્ટોએ સ્ટુડ્ન્ટ એન્ડ એક્સ્ચેન્જ વિઝિટર વિઝા (એસઇવીપી) દ્વારા આચરવામાં આવી રહેલી ગુનાઇત પ્રવૃત્તિની તપાસ શરૂ કરી હતી. આ યુનિવર્સિટીમાં ન તો કોઈ સ્ટાફ હતો કે ન તો કોઈ અભ્યાસક્રમ. યુનિવર્સિટીમાં કોઈ પ્રકારનું શૈક્ષણિક કાર્ય પણ હાથ ધરાતું નહોતું. યુનિવર્સિટીની ઓફિસ નાનકડી દુકાન જેવી જગ્યામાં ચાલતી હતી, તેમાં ફેડરલ એજન્ટો જ કોલેજના કર્મચારી તરીકે કામ કરતા હતા.

સેંકડો ભારતીય-ચીની સંડોવાયા

તપાસ દરમિયાન એચએસઆઈના એજન્ટોએ એસઈવીપીનું એક્રેડિશન ધરાવતી કોલેજોમાં અભ્યાસ માટે એફ-૧ નોન-ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં પ્રવેશેલા ભારત અને ચીનના સેંકડો નાગરિકોની ઓળખ કરી લીધી હતી. ધરપકડ કરાયેલા એજન્ટોએ ૧,૦૭૬ વિદેશી નાગરિકોને આ યુનિવર્સિટીમાં એડમિશન અપાવ્યું હતું જેથી તેઓ અમેરિકામાં પોતાનું નોન-ઇમિગ્રન્ટ સ્ટેટસ જાળવીને રહી શકે.
અંડરકવર એજન્ટોએ આ પ્રકારની ગેરરીતિ આચરતાં લોકો સાથે સોદો કર્યો હતો કે કોઈ વિદ્યાર્થીને હકીકતમાં કોઈ અભ્યાસ કરાવાશે નહીં. તેમને કોઈ ડિગ્રી પણ એનાયત થશે નહીં.

યુએસ વિઝા છેતરપિંડી નામ
• જ્યોતિ પટેલ • તાજેશ કોડાલી • શહજાદી પરવિન • નરેન્દ્ર સિંહ પ્લાહા • સંજીવ સુખીજા • હરપ્રિત સચદેવા • અવિનાશ શંકર • કાર્તિક નિમ્માલા • ગોવર્ધન દયાવર શેટ્ટી • સૈયદ કાસિમ અબ્બાસ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter