નવી દિલ્હીઃ એક મહિનામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેબિનેટના બીજા સૌથી વરિષ્ઠ પ્રધાન ભારતની મુલાકાતે આવ્યા છે. અમેરિકી વિદેશ પ્રધાન રેક્સ ટિલરસને ત્રણ દિવસની યાત્રાના પહેલા દિવસે ૨૫મીએ ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ સાથે મુલાકાત કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સુષ્મા સ્વરાજની હાજરીમાં ટિલરસને પાકિસ્તાનને કહ્યું કે, તે આતંકવાદને તેની જમીન પર આસરો આપવાનું બંધ કરે. આતંકવાદી સંગઠનો પર તાત્કાલિક કાર્યવાહી કરે. ભારત-અમેરિકા આતંકવાદ સામે એકજૂથ બનીને લડશે. સુષ્મા ટિલરસન વચ્ચે અનેક મહત્ત્વના મુદ્દાઓ પર વાતચીત થઈ.
ટ્રમ્પ નીતિ ત્યારે જ સફળ થશે જ્યારે પા કિસ્તાન એકશન લેઃ સુષ્મા
અફઘાનિસ્તાનમાં તાજેતરમાં થયેલા હુમલાથી વાતના પુરાવા મળ્યા છે કે આતંકીઓને સુરક્ષિત રીતે પાકિસ્તાનમાં આશરો અપાઈ રહ્યો છે. પાકિસ્તાને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પની આતંકવાદ નીતિ ત્યારે સફળ થશે જ્યારે પાક. આતંકીઓ સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરશે. સ્વરાજે ભારતના ઉ.કોરિયા સાથેના સંબંધો સ્પષ્ટ કરતાં કહ્યું કે નોર્થ કોરિયા સાથે ભારતના વેપારી સંબંધો છે. અમારું ત્યાં દૂતાવાસ પણ છે. સ્વરાજે ટિલરસનને કહ્યું કે, કેટલાક મિત્ર દેશોના દૂતાવાસ ત્યાં રહે જેથી સંવાદનો માર્ગ ખુલ્લો રહી શકે.
રક્ષા સહયોગ મામલે સુષ્મા સ્વરાજે જાહેર કર્યું કે, અમેરિકા સાથે પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા પડકારો અંગે પણ ચર્ચા થઈ એ મહત્ત્વનું છે. ડિફેન્સ કંપનીઓ વચ્ચે ભાગીદારીને વધારવા મુદ્દે પણ ચર્ચા થઈ છે. કાયદાકીય માળખામાં પરિવર્તન કરી સંરક્ષણ ક્ષેત્રમાં સંયુક્ત ઉત્પાદનને અમે આગળ વધારીશું.
સ્વરાજે આ તકે એચ-1બી વિઝા વિશે જણાવ્યું કે, અમે યુએસમાં ભારતીયોના યોગદાન અને એચ-1 બી વિઝા મુદ્દે પણ વાતચીત કરી છે. મેં કહ્યું કે અમેરિકા દ્વારા કંઈ પણ એવું કરાય જેનાથી હિતોને આંચકો લાગે.
પાકિસ્તાને આતંક ખતમ કરવો જ પડશેઃ ટિલરસન
ટિલરસને કહ્યું કે, પાકિસ્તાનમાં અનેક આતંકી સંગઠનોને સલામત આશ્રય મળ્યો છે જે ત્યાંની સરકારની સ્થિરતા માટે જોખમી છે. અમે તે સાંખી નહીં લઈએ. ઈસ્લામાબાદમાં પાકિસ્તાની નેતાઓ સાથે મારી વાતચીત થઈ છે. મેં તેમને જણાવી દીધું છે કે અમેરિકાને પાકિસ્તાન પાસેથી કઈ આશાઓ છે. તેમણે આતંકવાદ બંધ કરવો પડશે. ટિલરસને અફઘાનિસ્તાન અંગે ચિંતા વ્યક્ત કરી કે, ભારત અમેરિકાનો જૂનો મિત્રદેશ છે. યુએસની અફઘાનિસ્તાન નીતિમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. અમે ઈચ્છીએ છીએ કે ભારત આ ક્ષેત્રમાં ફરીથી નેતૃત્વ કરે.
સૈન્ય સહયોગ બાબતે ટિલરસને કહ્યું કે, યુદ્ધવિમાનો એફ-૧૬, એફ-૧૮ દ્વારા ભારતના સૈન્ય આધુનિકીકરણમાં અમેરિકાનો સહયોગ ચાલુ રહેશે.
ચીનની અવળચંડાઈ સામે નિશાન તાકતા ટિલરસન ચીન અંગે સીધું તો કંઈ બોલ્યા નહીં પરંતુ મનાય છે કે સુષ્મા અને તેમની વચ્ચે દક્ષિણ ચીન સાગર, પ્રશાંત વ્યાપારિક કોરિડોર અને વન બેલ્ટ, વન રોડ પર ચર્ચા થઈ છે. અમેરિકા અને ભારત સાથે છે.