અયોધ્યાની રામલીલા ઇતિહાસ સર્જે છેઃ
40 દેશ, 26 ભાષા, 41 કરોડ દર્શક
અયોધ્યા તા. ૭ઃ રામજન્મભૂમી અયોધ્યાના શ્રીરામ પ્રેક્ષાગૃહમાં ફિલ્મી કલાકારો શ્રીરામની ગાથાને પોતાની અદાકારીથી જીવંત કરી રહ્યા છે. આ રામલીલા દેશવિદેશના રામભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. રામલીલાનું દૂરદર્શનની સાથોસાથ ઓનલાઈન પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું છે, જેને દર્શકોનો અઢળક પ્રેમ મળી રહ્યો છે. આંકડા પણ તેની સાક્ષી પૂરે છે. પહેલા ત્રણ દિવસમાં જ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર 41 કરોડ દર્શકોએ રામલીલા નિહાળીને વિક્રમ સર્જ્યો છે. વિશ્વના 40 દેશમાં 26 ભાષાઓમાં તેનું પ્રસારણ થઈ રહ્યું છે.
ફિલ્મી રામલીલા સમિતિના અધ્યક્ષ સુભાષ મલિકે જણાવ્યું કે અયોધ્યામાં ફિલ્મી કલાકારોની રામલીલા 2020માં શરૂ થઈ હતી. ઓનલાઇન પ્લેટફોર્મ પર દર વર્ષે દર્શકોની સંખ્યા વધી રહી છે. ગત વર્ષે 40 કરોડ લોકોએ રામલીલા ઓનલાઇન નિહાળ્યાનો રેકોર્ડ સર્જાયો હતો. આ વર્ષે ત્રણ જ દિવસમાં આ રેકોર્ડ પણ તૂટી ગયો. આશા છે કે આવતા વર્ષે આંકડો 50 કરોડને પાર પહોંચી જશે. દૂરદર્શન પર અત્યાર સુધીમાં 22 કરોડ, યુટ્યુબ ઉપર 17 કરોડ તથા અન્ય પ્લેટફોર્મ્સ ઉપર ત્રણ કરોડ લોકોએ રામલીલા જોઈ છે.
મલિકે ઉમેર્યું હતું કે રામલીલા શરૂ થાય ત્યારે પ્રારંભના બે-ત્રણ દિવસમાં જ દર્શકો ઝડપથી જોડાઈ જાય છે અને આ દર્શકો છેક સુધી યથાવત્ રહે છે. એ પછી નવા દર્શકો બહુ ઓછા જોડાય છે. દેશવિદેશમાં અંદાજે 5000 જેટલી યુટ્યુબ ચેનલ્સ અને 70 સેટેલાઈટ ચેનલ્સ પરથી રામલીલાનું પ્રસારણ થઈ રહ્યું છે. રોજ સાંજે સાત વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જીવંત પ્રસારણ કરવામાં આવે છે.
26 ભાષામાં લાઇવ ટેલિકાસ્ટ
રામલીલાના દિગ્દર્શક શુભમ મલિકે જણાવ્યું કે રામલીલાનું 26 ભાષાઓમાં જીવંત પ્રસારણ થઈ રહ્યું છે. દૂરદર્શન, યુટ્યુબ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી દુનિયાભરના શ્રદ્ધાળુઓ ઘેરબેઠા રામલીલાનું મંચન જોઈ રહ્યા છે. આ રામલીલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ, ત્રિનિદાદ, શ્રીલંકા, મલેશિયા, ફીજી, રશિયા અને દક્ષિણ કોરિયા સહિત વિશ્વના 40 દેશોમાં દર્શાવાઈ રહી છે. ભારતમાં હિન્દી, ગુજરાતી, મલયાલમ, તેલુગુ, તમિલ, બંગાળી અને પંજાબી સહિતની ભાષાઓમાં શ્રદ્ધાળુઓ રામલીલાનું પ્રસારણ ઘેરબેઠા જોઈ રહ્યા છે.
રામલીલાના વિવિધ પાત્રોમાં જાણીતા કલાકારો
વિન્દુ દારાસિંહ, મનીષ પોલ, અવતાર ગિલ, રઝા મુરાદ, રાકેશ બેદી, ભાગ્યશ્રી, શીબા, રિતુ શિવપુરી, મનોજ તિવારી, રવિ કિશન, પદ્મશ્રી માલિની અવસ્થી, વેદ સાગર, અનિમેષ મિઢા, વિનયસિંહ અને અમિતા નાગિયા
અયોધ્યાની રામલીલા ઘરેબેઠાં નિહાળવા માટે
ગૂગલ સર્ચ કરો આ લિન્કઃ bit.ly/3U3gBF8