નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજિત વર્લ્ડ સૂફી પરિષદમાં ૧૭મી માર્ચે પહોંચ્યા હતા. તેમણે પરિષદને સંબોધન શરૂ કરતાં જ વિશ્વભરમાંથી આવેલા સૂફી વિદ્વાનોએ ‘ભારત માતાકી જય’ના નારા લગાવ્યા હતા. પરિષદમાં પાકિસ્તાન, કેનેડા, બ્રિટન, ઇજિપ્ત સહિત ૨૦ દેશોના સૂફીઝમના ૨૦૦થી વધુ વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે. પરિષદમાં વિશ્વમાં ઇસ્લામને નામે વધી રહેલા આતંકવાદનો સામનો કરવા માટે સૂફી પંથની ભૂમિકા વિષે ચર્ચા થશે. ઓલ ઇન્ડિયા ઉલેમા એન્ડ મશેખ બોર્ડ દ્વારા આ ચાર દિવસીય પરિષદનું આયોજન થયું છે. તેમાં પાકિસ્તાનના રાજનેતા અને ઇસ્લામિક સ્કોલર તાહિર-અલ-કાદરીનો સમાવેશ થાય છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ‘ઇસ્લામ અનેક વિવિધતાથી લદાયેલો ધર્મ છે. સૂફી સંપ્રદાય શાંતિ, સહિષ્ણુતા અને સંવાદિતાનો સંદેશો આપે છે.’
વડા પ્રધાને જણાવ્યું હતું કે, ‘સૂફી પરિષદનું આયોજન તે વિશ્વ માટે મહત્ત્વની ઘટના છે. માનવજાત સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે. અલ્લાહનાં ૯૯ નામ પૈકી એક પણ નામનો અર્થ હિંસા નથી થતો. હઝરત નિજામુદ્દીને યાદ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે, ‘તેઓ કહેતા હતા કે ઈશ્વર તેમને પ્રેમ કરે છે કે માનવતાને પ્રેમ કરે છે.’ સૂફી પરિષદને સંબોધતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ચોમેર હિંસાનો અંધકાર ફેલાયેલો છે એવામાં સૂફી પંથ પ્રકાશની આશા અપાવી જાય છે. આતંકવાદ અને ધર્મને એકબીજા સાથે ન જોડવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘આતંકવાદ આપણું વિભાજન કરે છે, આપણે બધાએ આતંકવાદ વિરુદ્ધ સંગઠિત થવાની જરૂર છે. તમામ સૂફી વિદ્વાનો અલગ અલગ દેશમાંથી આવેલા છે તેમની ભાષા પણ અલગ છે, પરંતુ સૌનો ઉદ્દેશ એક છે, વિશ્વને ભાઈચારા અને એકતાનો સંદેશો આપવો.’ વિશ્વશાંતિ માટે ભારતનાં યોગદાનની વાત કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ‘ભારત નખશીખ શાંતિ અને સૌહાર્દનું પ્રતીક છે. ઇસ્લામનો અર્થ શાંતિ છે અને સૂફીવાદ શાંતિનો અવાજ છે.’
ઇસ્લામનો અર્થ જ શાંતિ: મોદી
- સૂફીઝમ શાંતિનો અવાજ છે, વિશ્વનો સમાનતાનો અવાજ છે.
- માસૂમ અવાજોને બંધૂકની અણીએ દબાવી દેવાય છે ત્યારે સૂફીવાદનો અવાજ જ લોકોની વહારે આવે છે.
- આતંક પોતાના જ દેશ અને પોતાનાં લોકોને જ નુકસાન પહોંચાડે છે.
- વિશ્વભરમાં આતંકવાદ વધી રહ્યો છે, ગયા વર્ષે ૯૦થી વધુ દેશોમાં ત્રાસવાદી હુમલા થયા હતા.
- કેટલાંક લોકો છાવણી બનાવીને આતંકની તાલીમ આપી રહ્યાં છે, અજાન સમયે હુમલા કરે છે.
- પૂજાસ્થાનો પર હુમલા થઈ રહ્યા છે, કયો ધર્મ આવું શીખવાડે છે?
- આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, આતંકવાદ સામેની લડાઈ કોઈ ધર્મ સામેની લડાઈ નથી.
- એક દેશ પર હુમલો કરતાં તેની અસરો અનેક દેશો પર પડે છે.