પવિત્ર નગરી પ્રયાગરાજના આંગણે યોજાયેલાં મહાકુંભમાં દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યાં છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહાકુંભમાં પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી હતી. સંગમમાં સ્નાન કર્યા પછી વડાપ્રધાને માતા ગંગા અને ભગવાન સૂર્યને પણ નમસ્કાર કર્યા હતા. હાથ-ગળામાં રુદ્રાક્ષ અને ભગવા ધારણ કરી વડાપ્રધાને આસ્થાની ડુબકી લગાવી હતી. સંગમમાં સ્નાન કરતી વખતે વડાપ્રધાન મોદીએ ધ્યાન પણ કર્યું. મોદીએ લગભગ 5 મિનિટ સુધી મંત્રોચ્ચાર સાથે સૂર્યની પૂજા કરી હતી. સંગમમાં સ્નાન બાદ મોદીએ માતા ગંગાની પૂજા કરી હતી. વડાપ્રધાને ગંગાને દૂધ અને સાડી અર્પણ કરી હતી હતી. પવિત્ર સ્નાન બાદ તેમનો પ્રતિભાવ હતોઃ અસીમ શાંતિ અને સંતોષની પ્રાપ્તિ થઇ. આ સમયે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ તેમની સાથે હતા. મોદી બોટમાં બેસીને યોગી સાથે સંગમ પહોંચ્યા હતા.